30 માર્ચ 2024, ગુજરાતમાં કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રૂપાલાના નિવેદનના વિરોધના પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા જ ભાજપમાં મોટો ખડભડાટ જોવા મળી રહ્યો છે. તેમણે રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી છે. ગોંડલમાં ગઈ કાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવીને વિરોધ કર્યો હતો.ક્ષત્રિય સમાજના આગવાનોનું કહેવું છે કે, આ આંદોલન હવે દરેક જિલ્લાએ પહોંચ્યું છે આ મુદ્દો પતી જાય તેમ નથી. આ મામલે ફરી ક્ષત્રિય સમાજના સંગઠનના આગેવાનોની બેઠક યોજશે ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.
વચ્ચેનો રસ્તો કાઢી ગમે તે રીતે હું સમજાવીશ
ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. એમાં પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી જાહેરમાં ફરી એક વખત માફી માગી રંજ વ્યક્ત કર્યો હતો. તેમણે રાત્રિના તેઓ ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર સમાન ગધેથડ આશ્રમ ખાતે લાલબાપુની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ સમયે વિવાદના પગલે કોઈ નિવેદન કરવાને બદલે લાલબાપુએ પુરુષોત્તમ રૂપાલાને આશ્વાસન આપ્યું હતું.લાલબાપુએ પુરુષોત્તમ રૂપાલાને જણાવ્યું હતું કે સમાજ માટે હું સમાજને ખૂબ સમજાવીશ અને એના માટે અમે મહેનત કરીશ. બને એટલી કોશિશ કરીશું કે સમાજ સમજે એવી અમારી ભાવના અને લાગણી છે એટલે એ અમે કરીશું, કારણ કે સમાજની જે ગરીમા એ સમજે અને હું સમજુ એ પ્રમાણેનો વચ્ચેનો રસ્તો કાઢીને ગમે તે રીતે મારી રીતે હું સમજાવીશ.
આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર છું: રૂપાલા
ક્ષત્રિયોની બેઠકમાં ગઈકાલે સાંજે પહોંચેલા રૂપાલાએ ફરીવાર માફી માગતાં જણાવ્યું હતું કે હું મારી વાત શરૂ કરું એ પહેલાં મને જે ફીલિંગ આવી છે એ વ્યક્ત કરી દઉં, પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. અત્યારસુધી જે ચાલ્યું અને અત્યારે હું આવું એવી મારે જયરાજસિંહભાઈ સાથે વાત થઈ હતી કે તમારે 7 વાગ્યે પહોંચવું એવી વાત થઈ હતી. હું ચૂંટણીસભામાં જતો હોવ અને ઢોલ-નગારાં સાથે મારું જે સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ન શકે, એ શક્ય જ નથી. મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી જિંદગીમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો કોઈ રેકોર્ડ નથી.