IBના ઇનપુટથી રૂપાલાની સુરક્ષા વધારાઈઃ રાજકોટના નિવાસસ્થાને ગન સાથે બે ગાર્ડ તહેનાત

શુક્રવાર, 29 માર્ચ 2024 (14:53 IST)
Rupala's security increased with IB's input:

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલા નિવેદન અંગે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમા ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે. ત્યારે સમગ્ર મામલે મૂળ ભાવનગરના અને રાજકોટમાં રહેતા આદિત્યસિંહ ગોહિલે કોર્ટમાં એક પિટિશન દાખલ કરી છે અને જેમાં કોર્ટ દ્વારા તેમનું નિવેદન લઈ આગામી 15 એપ્રિલના રોજ સાક્ષીઓ સાથે રાખી મુદત આપવામાં આવી છે.

બીજી તરફ આજે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં પણ સમાધાન કરવા સમાજ સહમત ન હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો ભાજપ પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેચશે તો જ સમાધાન કરવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવી રહ્યા છે. બીજી તરફ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આઈબી દ્વારા આપવામાં આવેલ ઇનપુટને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેમાં રાજકોટના અમીનમાર્ગ પર આવેલ હરિહર સોસાયટી સ્થિત પુરૂષોત્તમ રૂપાલાના નિવાસ્થાને બે ગનમેન ગાર્ડ સુરક્ષામાં તહેનાત છે. જ્યારે પોલીસ એસ્કોર્ટમાં 1 PSI સાથે 3 પોલીસ કર્મી સહિત ચાર પોલીસ જવાનને સાથે વધારાની ફાળવણી કરવામાં આવી છે. કોઈ પણ જગ્યાએ સભા કે રેલી હોય તો એ જગ્યાએ જે-તે વિસ્તારના સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને બંદોબસ્ત અને જવાબદારી સોંપવામાં આવી છે.રાજકોટમાં રહેતા ક્ષત્રિય યુવાન આદિત્યસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ ખોડાભાઈ રૂપાલાએ એક જાહેરસભામાં ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મારા દ્વારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં મૂળ અમરેલી જિલ્લાના ઈશ્વરિયા ગામના રહીશ પુરૂષોત્તમ ખોડાભાઈ રૂપાલા સામે IPCની કલમ 499 તથા 500 મુજબ બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે કોર્ટ દ્વારા મારું નિવેદન લેવામાં આવ્યું હતું અને હવે આગામી 15 એપ્રિલની મુદત આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર