લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા આવતીકાલે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. આવતીકાલે યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક સુધી પહોંચશે. જ્યાં રૂપાલા જંગી સભાને સંબોધવાના છે.તેઓ 12.39 ટકોરે વિજય મુહૂર્તમાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરશે. બીજી તરફ અમરેલીના કોંગ્રેસના કાર્યલય ખાતે આગેવાનો અને કાર્યકર્તાઓની બેઠક યોજાઇ હતી. જ્યાં અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે પરેશ ધાનાણીને રક્ત તિલક કર્યુ હતુ. તેમણે રાજકોટ બેઠક ઉપર પરેશ ધાનાણીનો વિજય થાય તે માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જેનીબેન ઠુમ્મરે પરેશ ધાનાણીને રક્ત તિલક કર્યું
જેનીબેન ઠુમ્મરે પરેશ ધાનાણીને રક્ત તિલક કર્યા બાદ કહ્યુ કે, પરેશ ધાનાણીને દરેક સમાજની મહિલાઓ વતી વિજય તિલક કર્યું છે. રાજકોટના રણ મેદાનમાં પરેશ ધાનાણી જવતલીયા બનીને આગળ આવ્યા છે. ત્યારે દરેક સમાજની બહેનોની અસ્મિતા માટે જંગ લડશે. દરેક સમાજની બહેનો- દીકરીઓ વતી પરેશભાઇને રક્ત તિલક કરીને તેમને કહ્યુ છે કે, આ જંગમાં તમે એકલા નથી અમે તમારી સાથે છીએ. જે અહંકારનો વિનાશ કરવામા માટે તમે ઉતર્યા છો ત્યારે દરેક મહિલાઓ તરફથી તમને વિજય ભવ: નો સંદેશ પાઠવવા માંગીએ છીએ.
16 એપ્રિલે પુરુષોતમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે
એક તરફ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોતમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે આંદોલન ચાલી રહ્યું છે. ઠેર ઠેર સંમેલન બોલાવવામાં આવી રહ્યાં છે. ગઇકાલે જ રાજકોટનાં રતનપરમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં દોઢ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આવતીકાલે 16 એપ્રિલે પુરુષોતમ રૂપાલા પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. કોંગ્રેસનાં પરેશ ધાનાણીએ પણ ક્ષત્રિય સમાજની તરફેણ કરી રાજકોટમાંથી ચૂંટણી લડવા એલાન કર્યું છે, ત્યારે ખરો રાજકીય ચૂંટણી જંગ જામ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ એક્સ પર ક્ષત્રિય અસ્મિતા સંમેલન વીડિયો મૂકીને એક પોસ્ટ કરીને ભાજપને ટોણો માર્યો છે કે, અહંકાર ઓગાળવો છે કે મને દિલ્હી દેખાડવું છે?
પરેશ ધાનાણી પરશોત્તમ રૂપાલાને હરાવી ચૂક્યા છે
એક્સ પ્લેટફોર્મ પર પરેશ ધાનાણીએ પોસ્ટ કરી હતી. ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ઉપસ્થિત લાખોની જનમેદનીનો વીડિયો સાથે પોસ્ટ કર્યો હતો. જેને રાજકોટનું રણમેદાન શીર્ષક આપ્યું હતું. જેમાં ધાનાણીએ લખ્યું હતું કે, હે ભાજપના "ભીષ્મ પિતામહ", હવે તમારે "અહંકાર" ઓગાળવો છે કે પછી મને "દિલ્હી" જ દેખાડવું છે? તારીખ "16"ની સવાર સુધીમાં જો "અહંકાર" નહીં ઓગળે તો, બપોરના ચારે, "કુળદેવી"ના દ્વારે, સૌ શીશ ઝુકાવીને શરૂ કરીશું.., "સ્વાભિમાન યુદ્ધ"નો શંખનાદ.. અમરેલીની બેઠક પરથી પરેશ ધાનાણી પરશોત્તમ રૂપાલાને હરાવી ચૂક્યા છે.