નીતિન પટેલના હોમટાઉનમાં અસ્પૃશ્યતાનું દૂષણ, દલિતોને કરિયાણું આપનારને 5 હજારનો દંડ

Webdunia
શુક્રવાર, 10 મે 2019 (13:25 IST)
નાયબ મુખ્યમંત્રીના હોમટાઉન કડી તાલુકાના લ્હોર ગામમાં આજેય અસ્પૃશયતાનુ દૂષણ કાયમી છે. આ ગામમાં દલિતોનો સામાજીક બહિષ્કાર કરાયો છે. લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવતાં લ્હોર ગામના સરપંચે દલિતોને જીવનજરુરિયાતની ચીજવસ્તુ નહી આપવા આદેશ કર્યો હતો. એટલુ જટ નહીં , આ નિયમનુ ઉલ્લઘંન કરનાર પાસે પાંચ હજાર દંડ ફટકારવાનુ ય નક્કી કરાયુ છે જેથી આ મામલે વિવાદ સર્જાયો છે.
લ્હોર ગામમાં બે દિવસ પહેલાં એક દલિત પરિવારને ત્યાં લગ્નપ્રસંગ હોઇ વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે મુદ્દે ગામના કેટલાંક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો . આ પ્રસંગ બાદ ગામના સરપંચ વિનુજી પ્રહલાદજીએ ગ્રામજનોને એકઠાં કરીને દલિત પરિવારોનો સામાજીક બહિષ્કાર કરવા નક્કી કર્યુ હતું.
આ ઉપરાંત ગામના રામજીમંદિરના લાઉડ સ્પિકરમાં એલાન કરવામાં આવ્યુ કે, દલિત પરિવારોને જીવન જરુરિયાતની ચીજવસ્તુ આપવી નહીં . વાહનોમા બેસાડવા નહી . દલિતોને ખેતરમાં કે અન્ય કોઇપણ સ્થળે મજૂરીકામે રાખવા નહીં.ગ્રામજનો સ્પષ્ટ શબ્દોમાં કહેવાયુ કે, નિયમનુ પાલન નહી કરનારને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવશે. આ મામલે હોબાળો મચતાં રેન્જ આઇજી, કલેક્ટર સહિત સામાજીક કલ્યાણ વિભાગના અધિકારીઓ લ્હોર ગામમાં પહોંચી ગયાં હતાં. એટલુ જ નહીં, ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
દલિતોએ બાવળુ પોલીસ મથકમાં સરપંચ વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે સરપંચની અટકાયત કરવા કાર્યવાહી શરુ કરી છે. મોડી સાંજે ૨૦૦થી વધુ દલિતોએ બાવળુ પોલીસ સ્ટેશને ઘેરો ઘાલી સરપંચ સહિત જવાબદારો સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી. લ્હોર ગામમાં દલિત પરિવારોના સામાજીક બહિષ્કારનો મુદ્દો ઉછળતાં સામાજીક કલ્યાણ મંત્રી ઇશ્વર પરમારે તપાસના આદેશ આપ્યા હતાં. તેમણે એવી પ્રતિક્રિયા આપી કે, જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. ગુજરાતમાં આજેય આભડછેડનુ દૂષણ યથાવત રહ્યુ છે.

સંબંધિત સમાચાર

Next Article