ગુજરાત સરકારે ખૂબ જ મોટો નિર્ણય લઇને એવી જાહેરાત કરી છે કે રાત્રિના સમયે પણ દુકાનો અને હોટેલો તથા કટલેરી સ્ટોરને ચાલુ રાખી શકાશે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે સાંજે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે જણાવ્યું છે કે જૂની જોગવાઈ મુજબ રાત્રીના સમયે દુકાનો બંધ રાખવી પડતી હતી, પરંતુ હવે શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં સુધારો કરાયો છે. આ કાયદાને અને રોજગાર મંત્રાલય દ્વારા મંજૂરી પણ આપી દેવાઈ છે. દુકાનદારોએ હવેથી ઓવર ટાઈમ કરનારા લોકોને ડબલ વળતર આપવું પડશે. જોકે, મહિલાઓને રાત્રિના સમયે નોકરી પર રાખી શકાશે નહીં. મહિલાઓને સવારે 6 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી કામ પર રાખી શકશે. નીતિન પટેલે જણાવ્યું કે રાત્રે દુકાનો ખુલ્લી રહેશે તો વધુ કર્મચારીઓને રોજગારી મળશે કેમ કે અમદાવાદમાં રેલવે સ્ટેશન તથા એરપોર્ટ અને એસટી બસ સ્ટેન્ડ પર ચોવીસ કલાક ટ્રાફિક રહેતો હોય છે. મોડી રાત્રે આવી રહેલા મુસાફરોને નાની-મોટી ખરીદી કરવી હોય તો તેઓ કરી શકશે. ઓવર ટાઈમ કરનારા કર્મચારીઓને ડબલ મહેનતાણું આપવું પડશે. જે દુકાન કે યુનિટમાં દસથી ઓછા કર્મચારીઓ છે તેઓનું રજિસ્ટ્રેશન કરવું પડશે નહીં. આ જ રીતે જે જગ્યાએ સૌથી વધારે કર્મચારીઓ કામ કરતાં હશે તેવા સ્થળોએ કેન્ટીનની વ્યવસ્થા પણ ઊભી કરવી પડશે. મીડિયા દ્વારા જુદા જુદા પ્રશ્નોના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું કે કાયદો મંજૂર થયા બાદ રાત્રિના સમયે દુકાનો ચાલુ રહેશે તો પોલીસ કે કોર્પોરેશનના અધિકારીઓ દુકાનદારોને રોકી શકશે નહીં. પરંતુ સામાન્ય પરિસ્થિતિ ઊભી થશે એટલે કે જો તોફાન થાય કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમી બને તો તેવા સંજોગોમાં જે તે જિલ્લાના કલેકટર અને એસપી તથા પોલીસ કમિશનરને કેટલોક સમય માટે દુકાનો બંધ રાખવા માટેની સત્તા આપવામાં આવી છે. આ સિવાય કોઇ પણ અધિકારી રાત્રિના સમયે કોઇ પણ અધિકારી વિવિધ બજારને બંધ કરાવી શકશે નહીં. જો કોઈ આવારા તત્વો દુકાનદારોને હેરાન કરશે તો કાયદો કાયદાનું કામ કરશે. આમ બાર મહિના અને ચોવીસ કલાક સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. જો 30થી વધુ મહિલા કર્મચારી કામ કરતી હોય તો તેવા સ્થળોએ ઘોડિયાઘરની પણ વ્યવસ્થા કરવાની રહેશે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં શોપ પિસ્તા પ્લેસમેન્ટ કાયદાને મંજૂરી આપી દેવાઇ છે.