રાજકોટમાં ચૂંટણીથી ખાસ કરીને ભાજપની સભાઓથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદ હોય કે રાજયનો કોઈપણ એરિયા હોય સરકારી તંત્ર આચાર સંહિતામાં પણ ભાજપની સાથે હોય તેવા દ્રશયો જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હવે ભાજપે પોતાનું કાર્યાલય ખોલવા માટે 150 ફૂટ રિંગ રોડ ટેલિફોન એક્સચેન્જ પાસેનો રસ્તો બંધ કર્યો છે. કાર્યાલયના ઉદઘાટન અને સભા માત્ર 45 મિનિટ ચાલી, પરંતુ ભાજપે રસ્તો બપોરે 12 વાગ્યાથી રાત્રીના 9 વાગ્ય સુધી બંધ કરી દીધો હતો. રસ્તો બંધ કર્યો હોવાથી મનપાએ બીઆરટીએસ ટ્રેક લોકો મોટે ખોલી આપ્યો હતો. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, રસ્તો બંધ હોવાથી વાહનચાલકોને કોઇ તકલીફ ન પડે તે માટે બીઆરટીએસ રૂટ પર વાહનચાલકોને પસાર થાવ દેવા માટે મંજૂરી આપી છે. બીજી તરફ આસી. રિટર્નિંગ ઓફિસરે કહ્યું કે, ટ્રાફિક સમસ્યા ઊભી થાય તે ન ચાલે, માત્ર કાર્યાલયની મંજૂરી આપી છે. ભાજપે પોતાના કાર્યાલયની ઉદઘાટન સભા માટે 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડીથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તાએ એક સાઇડ બંધ કરી દીધી છે. જેના કારણે ત્યા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. માત્ર 45 મિનિટની સભા માટે 9 કલાક સુધી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ પ્રકારના મોટા કાર્યક્રમો કે રેલી હોય ત્યારે આ ટ્રેક જાહેર જનતાની સુવિધા માટે ખોલી આપવામાં આવે છે. આ અંગે કોઈપણ સરકારી કર્મચારી કે બાબુઓ બોલવા તૈયાર નથી.