ગુજરાતમાં ભાજપને જાણે હવે પરાજયનો ડર લાગવા માંડ્યો હોય એવી બાબતો પ્રકાશમાં આવી રહી છે. ભાજપના નેતાઓને પ્રજા હવે જાકારો આપવાની હોય એ વાતની અગમચેતી હવે ભાજપના ધારાસભ્યોને થઈ ગઈ છે. ત્યારે વડોદરામાં વર્ષોથી ચુંટાઈને આવતા ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે મતદારોને ઠેકાણે પાડી દેવાની ઘમકી આપ્યા બાદ તેમની સામે જાણે કોઈ પ્રકારના પગલાં જ ના લેવાયા અને હવે દાહોદ જિલ્લાના ફતેપુરાના ભાજપના ધારાસભ્ય રમેશ કટારાનો મતદારોને ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે. જેમાં રમેશ કટારા મતદારોને ધમકી આપતા કહે છે કે, 'મોદી સાહેબ કેમેરા લઇને બેઠા છે, કયા બુથમાં કેટલા મત ભાજપને અને કોંગ્રેસને પડ્યા, તે ભાળે છે, આ બધુ તે પોતાની નજરે જોવે છે. જો મત ઓછા મળ્યા તો ભાજપ કામ પણ ઓછું કરશે' ભાજપને મત નહીં આપો તો ઝૂંપડાના પૈસા મોદી તમારા ખાતામાં નહીં નાખે ધારાસભ્ય રમેશ કટારા વીડિયોમાં મતદારોને ભાજપને મત નહીં આપો તો સરકારી લાભો નહીં મળે તેવી ધમકી આપે છે. વાયરલ વીડિયોમાં રમેશ કટારા કહે છે કે, જો ભાજપને મત નહીં નાખો તો મોદી કામ ઓછું આપશે. ઝૂંપડાના પૈસા પણ મોદી તમારા ખાતામાં નહીં નાખે. મોદી કેમેરામાં બેઠા બેઠા બધું ભાળે છે કે, કયા બુથમાં કેટલા મત ભાજપને અને કોંગ્રેસને પડ્યા અને જો તમે ભાજપને મત નહીં આપો અને કોંગ્રેસને આપશો તો અવળું થાશે. આ પહેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ વિવાદિત નિવેદનો કરી ચૂક્યા છે. ત્યારે હવે ધારાસભ્ય રમેશ કટારા પોતાના નિવેદનથી ચર્ચામાં આવ્યા છે. ત્યારે હવે ચૂંટણી પંચ તેમની સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.