ગુજરાત ટાઈટન્સની ટીમનો સાંજે સાડા પાંચ વાગ્યે અમદાવાદમાં રોડ શો, ટીમના મોટાભાગના પ્લેયર જોડાશે

Webdunia
સોમવાર, 30 મે 2022 (16:00 IST)
IPL 2022ની ફાઇનલ મેચમાં ગુજરાત ટાઈટન્સની ટીમે ભવ્ય વિજય મેળવ્યો છે. ગુજરાત ટાઈટન્સની ટીમની જીતની ઉજવણી આજે અમદાવાદમાં થશે. સમગ્ર ટીમનો આજે સાંજે પાંચ વાગ્યે ભવ્ય રોડ શો યોજાશે. ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી ગુજરાત ટાઈટન્સની ટીમ રોડ શો કરશે. જેમાં ટીમના મોટા ભાગના પ્લેયર જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે. રોડ શોને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.
 
પ્રથમ વખત IPL રમી રહેલી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્રથમ સીઝન પોતાના નામે કરી લીધી છે. આ જીત પછી ગુજરાત પર BCCIએ સારી એવી ધનવર્ષા પણ કરી અને તેને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની પણ મળ્યા. રનર અપ રાજસ્થાનને પણ 12.5 કરોડ રૂપિયા મળ્યા. ત્રીજા નંબર પર રહેલી બેંગલોરની ટીમને 7 કરોડ અને ચોથા નંબરે રહેલી લખનઉને 6.5 કરોડ રૂપિયાનું કેશ પ્રાઇઝ મળ્યું. ટીમ સિવાય ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરનારા ખેલાડીઓને પણ સારીએવી કમાણી થઈ છે. સૌથી વધુ વિકેટ લેનાર રાજસ્થાનના યુજવેન્દ્ર ચહલને પર્પલ કેમ્પની સાથે 10 લાખ રૂપિયા મળ્યા. 
ફાઈનલના મેન ઓફ ધ મેચ હાર્દિક પંડ્યાને 5 લાખ રૂપિયા મળ્યા છે.
મેચ જોવા અબાલ વૃદ્ધ સૌ કોઈ ક્રિકેટરસિયા પહોંચ્યા હતાં
દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ મેળવે એ પહેલાં સ્ટેડિયમ બહાર ભારે ભીડ જોવા મળી હતી. અહીં બંને ટીમોને ચીયર્સ કરવા માટે ફેન્સ મોટી સંખ્યામાં અબાલવૃદ્ધ સૌ કોઈ પહોંચી ગયા હતાં. એટલું જ નહીં, બંને ટીમોને ચીયર્સ કરવા માટે ફેન્સ જે તે ટીમની ટી-શર્ટ પહેરી હતી. કોઈએ ચહેરા પર ત્રિરંગો બનાવડાવ્યો તો કોઈએ પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવા માટે નામ લખાવ્યા હતાં. કેટલાક ચાહકોએ પર્યાવરણને લગતાં મેસેજ સાથેના સંદેશા દર્શાવતાં બેનર્સ અને ટેટું બનાવ્યા હતાં.એક ગૃપ ભાજપની ટોપી સાથે મેચ જોવા પહોંચ્યું હતું. આ બધામાં ગ્લેમર્સ પણ સૌને ખેંચી રહ્યું હતું.
 
અમિત શાહની સાથે મોદી-મોદીના નારા લાગ્યા હતાં
IPL 2022ની ફાઈનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં RRની બેટિંગ દરમિયાન બીગ સ્ક્રિન પર ગૃહમંત્રી અમિત શાહને જોતા દર્શકો ખુશ થઈ ગયા હતા. તેઓ તાત્કાલિક અમિત શાહની સાથે મોદી-મોદીના નારા પણ લગાડવા લાગ્યા હતા. ફેન્સે PM નરેન્દ્ર મોદીને સ્ટેડિયમમાં યાદ કરવાનું ભૂલ્યા નહીં અને ઈનિંગ દરમિયાન મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા હતા.વડાપ્રધાન મોદી સ્ટેડિયમમાં હાજર નહોતા પરંતુ ફેન્સે તેમને યાદ કરી ફાઈનલના મહાસંગ્રામમાં ચિયર કર્યું હતું.
 
હાર્દિકે સફળતાનો ગેમપ્લાન જણાવ્યો
હાર્દિકે જણાવ્યું હતું કે T20 ક્રિકેટને ઘણા લોકો બેટ્સમેનની રમત કહે છે, પરંતુ તમે જુઓ તો હંમેશાં બોલર તમને મેચ જિતાડે છે. જ્યારે બેટ્સમેન સ્કોર નથી કરતાં ત્યારે તમારી પાસે સારી બોલિંગ લાઈન હોય, જે અમારી પાસે હતી તો એ હંમેશા તમને કામ લાગે છે. અમે સારી બોલિંગના સપોર્ટથી દરેક મેચમાં 10 રન ઓછા આપ્યા છે. જ્યાં બીજી ટીમોએ 190 રન આપ્યા છે ત્યાં અમે 10 રન ઓછા આપ્યા. આ 10 રન મેચ દરમિયાન ઘણું મહત્ત્વ ધરાવે છે, કારણ કે આને લીધે જ તમે મેચ હારો છો અને જીતો છે. જ્યારે અમે ટીમ બનાવતા હતા ત્યારે શરૂઆતથી જ અમે ક્લિયર હતા કે અમે એક મજબૂત બોલિંગલાઈન તૈયાર કરીશું, કારણ કે ક્યારેક બેટ્સમન ન પણ ચાલ્યા હોય તો તમે બોલરની મદદથી રમતમાં પરત ફરી શકો. આ બાબતે અમને ઘણી મદદ કરી.

સંબંધિત સમાચાર

Next Article