અમદાવાદમાં નોકરી કરતી અન્ય શહેરોની યુવતીઓ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ બનશે

Webdunia
ગુરુવાર, 20 ઑક્ટોબર 2016 (12:55 IST)
મેગા સિટી અમદાવાદમાં શિક્ષણની સાથે નોકરીની પણ અનેક તકો રહેલી છે. જેને પગલે ગુજરાતના અન્ય શહેરો તથા ભારતના અન્ય રાજ્યોમાંથી નોકરી માટે આવનારાઓની સંખ્યા વધી ગઈ છે. જેમાં મહિલાઓની સંખ્યા પણ વધુ છે. બહારથી આવીને અનેક યુવતીઓ અમદાવાદમાં એકલી રહેતી હોય છે. જેને પગલે અમદાવાદમાં પેઈન્ટિંગ ગેસ્ટ (પીજી), શેરિંગ જેવી સુવિધઆઓમાં આ યુવતીઓ રહેતી હોય છે. પણ આવી એકલી યુવતીઓને સરળતાથી રહેવાની સુવિધા મળે તે માટે અમદાવાદમાં હવે વર્કિંગ વિમેન હોસ્ટેલ શરૂ થવાની છે. શિક્ષણનુ પ્રમાણ વધતા મહિલાઓમાં નોકરી કરતી હોવાનું પ્રમાણ વધ્યુ છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ વર્કિંગ વુમન માટે હોસ્ટેલ બનાવવાનો નિર્ણય કર્યો છે. અન્ય શહેરમાંથી અમદાવાદમાં જોબ માટે આવતી મહીલાઓને સારું એકોમોડેશન મળવુ મુશ્કેલ બની રહી છે ત્યારે મહિલાઓને સારામાં સારી સુવિધાઓ મળી રહે તે માટે હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત યુનિવર્સીટીમાં હાલમા વિદ્યાર્થીઓ માટે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ છે પરંતુ યુજીસીનાં આદેશને લઇને હવે વર્કિંગ વુમન માટે પણ હોસ્ટેલ બનાવવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. મહિલા અને બાળકલ્યાણ વિભાગના સહયોગથી 10 કરોડનાં ખર્ચે હોસ્ટેલને તૈયાર કરવામાં આવશે. જેમાં 75 ટકા ફંડ મહિલા અન બાળ કલ્યાણ વિભાગ આપશે, જ્યારે 25 ટકા રકમ યુનિવર્સિટી ભોગવશે. હોસ્ટેલમાં 250 મહિલાઓને સમાવી શકાશે. હોસ્ટેલ આગામી ચાર વર્ષમાં બનીને તૈયાર થશે તેવુ યુનિવર્સિટીનાં કુલપતિ ડો.એમ.એન.પટેલે મીડિયાને જણાવ્યું હતું.
Next Article