૯ર વર્ષથી જળવાતી નવરાત્રીની પરંપરા- માઇક વિના માતાજીના ગુણગાન ગાવાની પુરૂષો માટેની અનોખી ગરબી

Webdunia
શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2016 (14:28 IST)
પોરબંદરમા દિવેચા કોળી સમાજ દ્વારા લીમડા ચોક ખાતેના શ્રી ભદ્રકાલી માતાજી મંદિરના પરિસરમાં પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ યોજાતી આ ગરબી મંડળ ૭પ વર્ષનો અમૃત મહોત્સવની ઉજવણી કર્યા બાદ ૯રમાં વર્ષમાં પ્રવેશ કરે છે .મા શકિતની ઉપાસનાથી માનવ હૃદયમાં માનવતા પ્રગટે એવા શુભે હેતુથી દિવેચા કોળી સમાજની ભદ્રકાલી ગરબી મંડળની સ્થાપના વિક્રમ સંવત ૧૯૮૧માં કોળી સમાજના અગ્રણી સ્વ. જાદવભાઇ સોલંકી તથા તેના મિત્રોએ કરી હતી. જયાં માત્ર પુરૂષો જ ગરબી રમે છે. જયાં માઇકનો ઉપયોગ થતો નથી. પ્રદુષણમુકત ગરબી છે અને આ ગરબી રમનારા પુરૂષો માથે ભાતીગળ ટોપી ફરજિયાત પહેરે છે. આદ્યશકિતના પર્વમાં ભદ્રકાલી માતાજી મંદિરની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવાની અને લેવાની મનાઇ છે. ગરબીમાં ઉઘાડુ માથુ ચાલે નહીં. આધુનિક યુવાનોને પણ ટોપી પહેરવી પડે છે. ગરબીમાં આજે પણ કોળી સમાજના રામજીભાઇ બામણીયાના રાહબરી હેઠળ વિવિધ ભારતીય પ્રાચીન સંસ્કૃતિને વેશભૂષામાં પણ ધોરણો જાળવી રાખ્યા છે. રામ-સીતા, જાનકી-શિવ-પાર્વતી, નારદજી, ભીષ્મ પિતામહ લવ-કુશ વગેરે વેશો પુરૂષો ધારણ કરીને માતાજીના ગરબા અન્ય પુરૂષ સાથે ગાય છે રમે છે. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આ અનોખી ગરબીને દેશ-વિદેશના મેગેઝીનોમાં લેખરૂપે પ્રસિદ્ધ થતા દેશ-વિદેશના લોકો માટે આ ગરબી આકર્ષણરૂપ બની છે. અગાઉ અમેરિકાની ડયુક યુનિવર્સિટીના ડાન્સીંગ વિષયના નિષ્ણાત પ્રો. ડો. પૂર્ણિમા શાહે પોરબંદરના પુરાતત્વવિદ શ્રી નરોતમ પલાણની રાહબરી હેઠળ આ ગરબીની પ્રાચીનતાને લઇ ડોકયુમેન્ટરી બનાવવા ટીમ સાથે આવેલ હતા.  
Next Article