આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે મોટો પડકાર બની રહેવાની હોવાનું હવે ખુદ ભાજપના નેતાઓ સ્વીકારતા થયા છે. ખાસ કરીને પાટીદારો, ઠાકોર અને OBCસમાજ તેમજ કેજરીવાલનાં આમ આમ આદમી પાર્ટી દ્વારા ઉભા કરાયેલા આંદોલન કે પ્રશ્નોને લઇને ભાજપમાં અત્યારથી જ ભય પ્રવર્તી રહ્યો છે. જેથી ચૂંટણી જીતવા માટે અત્યારથી જ ગ્રાસરૃટ લેવલની તૈયારીઓ શરૃ કરી દેવાઇ છે.
મતદારોને પોતાના તરફ ખેંચવા માટેની કવાયતના ભાગરૃપે વોર્ડ પ્રમુખો, મતદાર યાદીનાં પેજ પ્રમુખો જેવા હોદ્દેદારો સાથેની મીટીંગ શરૃ થઇ ગઇ છે. વોર્ડ પ્રમુખથી માંડીને શક્તિ કેન્દ્ર, મહામંત્રીઓને SMSકરી મીટીંગમાં બોલાવવામાં આવે તેમજ સૂચના અપાઇ રહી છે કે, તમે બધા અત્યારથી જ કામે લાગી જાવ. સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ પ્રચાર કરો. લોકોની નાની-મોટી સમસ્યાઓ દૂર કરો. મતદાર યાદી સાથે રાખીને પેપર વર્ક કરવાની સૂચના અપાઇ છે. આ યાદીના એક પેજ પર ૪૮ મતદારો હોય છે. આથી ૧ પેજ દીઠ 'પેજ પ્રમુખ' નક્કી કરાઇ રહ્યા છે. તેઓને ચોક્કસ જવાબદારી સોંપવામાં આવી છે. પેજ પ્રમુખોએ મતદારોને તેનાં ઘરથી મતદાન બુથ સુધી લાવવાનો રહેશે અને ભાજપની તરફેણમાં મત નાખે તેવો માહોલ ઉભો કરવાનો રહેશે.