વનવાસ બાદ હાર્દિક ગુજરાત પરત ફરશે. ઉદેપુરમાં કહ્યું ગુજરાતની ધરતીને મારા નમન

Webdunia
મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (12:14 IST)
રાજસ્થાનમાં 6 માસના વનવાસ બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલ મંગળવારે રાજસ્થાનની રતનપુર બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે તેને સત્કારવાના નામે પાટીદારો દ્વારા શક્તિ પ્રદર્શનનું જોરદાર આયોજન કરાયું છે. જ્યારે હિંમતનગરમાં બપોરે 2-30 વાગે યોજાનારી પાટીદાર હુંકારસભામાં હાર્દિક દ્વારા ત્રીજા તબક્કાના આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવનાર હોઇ અત્યાર સુધી ડેમેજ કંટ્રોલમાં નિષ્ફળ રહેલી રાજ્ય સરકાર અને આઇબી સહિતની એજન્સીઓ આ કાર્યક્રમ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. સભામાં એક લાખથી વધુ પાટીદારો ઉમટી પડવાનો અંદાજ પાસ સમિતિએ લગાવ્યો છે.   રાજ્યમાં પાટીદાર આંદોલનની ચિનગારી પ્રગટાવનાર હાર્દિક પટેલ 9 માસ સુરત જેલમાં અને ત્યારબાદ 6 માસ રાજસ્થાનના ઉદેપુરમાં રહેતાં મંદ પડી ગયેલા આંદોલને મંગળવારે હાર્દિકના પુન: ગુજરાત પ્રવેશ સાથે ગરમાવો સર્જ્યો છે. મંગળવારે સવારે 11 વાગે રતનપુર બોર્ડરથી હાર્દિક ગુજરાતમાં એન્ટ્રી કરે ત્યારે વિવિધ સમાજો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે. ત્યાંથી રોડ શો કરી બપોરે 2-30 વાગે હિંમતનગર ખાતે સહકારી જીન પાસે મોડાસીયા કડવા પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલી પાટીદાર હુંકાર સભામાં પહોંચી સંબોધન કરશે. અનામત આંદોલનની દશા અને દિશા નક્કી કરનારા આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાંથી એક લાખ પાટીદારો ઊમટી પડવાની ગણતરી સાથે આયોજન કરાયું છે. દોઢ વર્ષ બાદ હિંમતનગર આવી રહેલ હાર્દિક પટેલ શું બોલે છે તેના તરફ સૌ કોઇની મીટ મંડાઇ છે.
Next Article