ઈઝરાયેલે 25 દિવસ પછી ઈરાન પર મોટો હુમલો કરીને બદલો લીધો. ઈરાનના અનેક શહેરોમાં વિસ્ફોટ થયા છે. જો કે, ઈરાની મીડિયાએ જણાવ્યું હતું કે આ હુમલાઓ ઓઈલ પ્લાન્ટ કે ન્યુક્લિયર સાઈટ પર નથી પડ્યા. માત્ર સૈન્ય મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાને 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર લગભગ 180 મિસાઈલો છોડી હતી. આ પછી ઈઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું કે ઈરાનને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે અને હવે ઈઝરાયેલ તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. ઈરાની મીડિયા અનુસાર, એર ડિફેન્સ સિસ્ટમે મોટાભાગની મિસાઈલોને અટકાવી હતી.
''ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે તે 'ઈરાનનાં સૈન્ય ઠેકાણાં પર સટીક હુમલાઓ કરી રહી છે. ઈરાનના સરકારી મીડિયાએ પણ જણાવ્યું છે કે રાજધાની તહેરાનમાં ઘણા મોટા વિસ્ફોટોનો અવાજો સંભળાયા છે.
ઇઝરાયલી સેના ઇઝરાયલ ડિફેન્સ ફૉર્સ(IDF)ના પ્રવક્તા ડેનિયલ હગારીએ એક વીડિયો મારફતે કહ્યું છે કે તેણે ઈરાનનાં લશ્કરી ઠેકાણાં પર હુમલો કર્યો છે.
તેમણે કહ્યું, "દરેક સંપ્રભુ રાષ્ટ્રની માફક તેમના રાષ્ટ્રની પણ પ્રતિક્રિયા આપવાની ફરજ છે. ઈરાનનું શાસન અને તેમના સહયોગીઓ સાત ઑક્ટોબર, 2023થી ઇઝરાયલ પર સતત હુમલાઓ કરી રહ્યા છે.
તેમણે કહ્યું, “અમે અમારા રાષ્ટ્ર અને તેના લોકોની સુરક્ષા માટે જે કરવું પડે તે કરીશું.”
હગારીએ કહ્યું, "અમારી સંરક્ષણ ક્ષમતા પૂર્ણ રીતે સક્રિય છે."
હાલ એ અસ્પષ્ટ છે કે ઈરાનમાં કઈ જગ્યા પર હુમલાઓ થયા છે.
ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે તેમનાં વિમાનો ઍરસ્ટ્રાઇક કરીને 'સફળતાપૂર્વક' પરત આવી ગયા છે. સેનાએ જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે ઈરાનમાં ઘણી જગ્યાએ હુમલાઓ કર્યા.
ઈરાનના સરકારી ટીવીના ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે તેની રાજધાની તહેરાનમાં કેટલીક જગ્યાએ વિસ્ફોટનો અવાજ સંભળાયો છે.
હુમલાને પગલે ઈરાન અને ઇરાકે તેની ઍરસ્પેસ બંધ કરી છે અને તમામ ઍર ટ્રાફિકને સસ્પેન્ડ કર્યો છે.
ઈરાને શું કહ્યું?
ઈરાનના સરકારી મીડિયાનું કહેવું છે કે રાજધાની તહેરાનમાં મોટા ધડાકાનો અવાજ સંભળાયો છે.
સમાચાર એજન્સી રૉયટર્સે ઈરાની સરકારી ટીવીના હવાલે ખબર આપી છે કે ઈરાનના એક ગુપ્તચર અધિકારીએ કહ્યું કે ઈરાનના ઍર ડિફેન્સ સિસ્ટમના સક્રિય થવાને કારણે આ પ્રકારનો અવાજ સંભળાઈ શકે છે.
જોકે, હાલ એ અસ્પષ્ટ છે કે ઇઝરાયલે ઈરાનનાં કયાં સૈન્ય ઠેકાણાં પર હુમલો કર્યો છે.
સમાચાર એજન્સી એએફપીએ ઈરાનના સરકારી ટીવી માધ્યમે જાણકારી આપી છે કે તહેરાનના બે ઍરપૉર્ટનું કામકાજ 'સામાન્ય' પ્રકારે ચાલી રહ્યું છે.
બીબીસી પર્શિયનના સંવાદદાતા બહમાન કલબાસીએ જણાવ્યું કે ઈરાનના સરકારી મીડિયાએ ઇઝરાયલના હુમલામાં કોઈ નુકસાન થયાની વાતને નકારી છે.
બહમાન જણાવે છે, "તે અસફળ રહ્યા. પરંતુ આ પ્રકારે ઈરાનના સરકારી મીડિયા હંમેશા પ્રતિક્રિયા આપતા હોય છે."
બીજી તરફ ઇરાકે તેનાં તમામ ઍરપૉર્ટનો ટ્રાફિક સસ્પેન્ડ કરી દીધો છે. ઇરાકના ટ્રાન્સપૉર્ટ મંત્રીએ કહ્યું કે દેશની ઍરસ્પેસમાં હાલ સૈન્ય અભિયાન ચાલી રહ્યું છે તેને કારણે ઍરપૉર્ટ પરનો તમામ ટ્રાફિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
ત્યાં અમેરિકાએ કહ્યું છે કે તેને ઇઝરાયલે ઈરાન પર કરેલા હુમલાની જાણકારી છે.
અમેરિકામાં બીબીસીના ન્યૂઝ પાર્ટનર સીબીએસ સાથે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તાએ કહ્યું, "અમે સમજીએ છીએ કે ઇઝરાયલ ઈરાનનાં સૈન્ય ઠેકાણાં પર હુમલા કરી રહ્યું છે. જે 1લી ઑક્ટોબરના રોજ ઈરાન દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલા બૅલિસ્ટીક મિસાઇલ હુમલાઓના જવાબમાં કરાયેલી આત્મરક્ષાની કાર્યવાહી છે."