અમરેલીમાં સિંહણે પાંચ વર્ષના બાળક પર હુમલો કર્યો, મૃતદેહ મળ્યો

બુધવાર, 23 ઑક્ટોબર 2024 (11:48 IST)
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના જીકાદ્રી ગામે સિંહણ પાંચ વર્ષના બાળકને તેના ઘરને આંગણેથી ઉપાડી ગઈ હતી. વનવિભાગના સર્ચ ઑપરેશનમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
 
બીબીસી ગુજરાતીના સહયોગી ફારુક કાદરીએ જણાવ્યું કે બાળક તેના ઘરની બહાર રમી રહ્યું હતું જ્યારે સિંહણે હુમલો કર્યો હતો. સિંહણ બાળકને લઈને વનવિસ્તારમાં ચાલી જતાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાના 24 કલાક બાદ વનવિભાગના કર્મચારીઓ ખાંભાના મોટા બારમાણ ગામ નજીક સિંહણને ટ્રેસ કરીને પાંજરે પૂરી હતી.
 
તેમણે વધુમાં જણાવ્યું કે જાફરાબાદ રેંજ અને ખાંભા રેંજ દ્વારા સંયુક્ત સર્ચ ઑપરેશન ચલાવવમાં આવ્યું હતું.
 
અત્રે નોંધનીય છે કે વનવિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં પાછલાં દસ વર્ષમાં આ પ્રકારે વન્ય પ્રાણીઓ દ્વારા થયેલા હુમલામાં 205 લોકોના જીવ ગયા છે. જ્યારે કે 1,400 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉપરાંત આવા હુમલામાં થતાં ઢોરઢાંખરનાં મૃત્યુ કે ઈજાના બનાવોનો આંકડો 40 હજાર કરતાં વધુ છે.
 
ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓ દ્વારા માનવ વસાહતો પર હુમલા કરવાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં વન્ય પ્રાણીઓ અને માનવો વચ્ચે થઈ રહેલા આ પ્રકારના ઘર્ષણ માટે વાઇલ્ડ લાઇફ નિષ્ણાતો વન્ય જીવોની સંખ્યામાં થયેલા વધારાની સામે જંગલોના વ્યાપમાં સ્થિરતાની સ્થિતિને કારણભૂત ગણાવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર