Blue Origin: જેફ બેઝોસની અવકાશયાત્રા કેમ ખાસ છે?

Webdunia
મંગળવાર, 20 જુલાઈ 2021 (19:06 IST)
વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યવસાયી જેફ બેઝોસ મંગળવારે અવકાશયાત્રાએ જવાના છે, તેઓ એટલી ઊંચાઈએ જશે જ્યાં આકાશ કાળું થઈ જશે અને પૃથ્વી ગોળાકાર દેખાશે. ત્રણ દિવસ પહેલાં એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જેફ બેઝોસે અવકાશયાત્રા વિશે માહિતી આપી હતી.
 
તેમણે જણાવ્યું હતું કે, હું પાંચ વર્ષનો હતો ત્યારથી અવકાશયાત્રાએ જવાનું મારું સ્વપ્ન હતું. 20 જુલાઈએ મારા ભાઈ સાથે હું અવકાશયાત્રાએ જઈશ. સૌથી મોટું સાહસ, મારા સૌથી સારા મિત્ર સાથે. આ અવકાશયાત્રા પર જેફ બેઝોસ સાથે અન્ય ત્રણ લોકો પણ જશે, જેમાં જેફના ભાઈ માર્ક અને 82 વર્ષનાં વૅલી ફંક સામેલ છે. આવી જઈફ વયે અવકાશયાત્રા પર જનાર વૅલી ફંક પ્રથમ મહિલા છે.
 
ચોથી વ્યક્તિ 18 વર્ષના ઑલિવર ડેયમન છે. આ ચારેય વ્યક્તિ એક કૅપ્સ્યૂલમાં બેસીને ન્યૂ શૅફર્ડ રૉકેટ મારફત અવકાશયાત્રાએ જશે.

 
આ યાત્રા બ્લૂ ઑરિજિન દ્વારા યોજવામાં આવી છે, જે જેફ બેઝોસની કંપની છે. અવકાશયાત્રા માટે કંપની દ્વારા ન્યૂ શૅફર્ડ રૉકેટ બ્લૂ તૈયાર કરવામાં આવ્યું છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે 11 જુલાઈના રોજ વર્જિન ગૅલેક્ટિકના રિચર્ડ બ્રાનસન પોતાના સ્પેસપ્લેન 'વર્જિન વીએસએસ યુનિટી' દ્વારા અંતરિક્ષની યાત્રા પર રવાના થયા હતા અને લગભગ સવા કલાકમાં પોતાની યાત્રા પૂરી કરીને પાછા આવ્યા હતા.
 
પૃથ્વીની સપાટીથી 100 કિલોમિટર ઉપર જશે
 
બ્લૂ ઑરિજિન રૉકેટને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેનો વાંરવાર ઉપયોગ કરી શકાય છે,  મંગળવારે અમેરિકાના ટેક્સાસસ્થિત વેન હોર્નથી ન્યૂ શૅફર્ડ રૉકેટ લૉન્ચ કરવામાં આવશે.  રૉકેટ જ્યારે પૃથ્વીની સપાટીથી 76 કિલોમિટર (2,50,000 ફૂટ) ઉપર આકાશમાં પહોંચશે ત્યારે જેફ બેઝોસ અને બીજા ત્રણ અવકાશયાત્રીઓ જે કૅપ્સ્યૂલમાં બેઠા હશે તે રૉકેટથી અલગ થઈ જશે.કૅપ્સ્યૂલ પૃથ્વીની સપાટીથી 106 કિલોમિટર (3,50,000 ફૂટ) ઉપર આકાશમાં જશે, જ્યાં અંદર બેઠા લોકો અવકાશ નિહાળી શકશે અને માઇક્રોગ્રેવિટીનો અનુભવ કરી શકશે. 
 
ન્યૂ શૅફર્ડ રૉકેટ લૉંચ પેડથી 2 માઈલ દૂર લૅન્ડ કરશે. કૅપ્સ્યૂલ પર પૅરાશૂટ મારફત પૃથ્વી પર લૉન્ચ કરશે. આ સમગ્ર યાત્રા 10-11 મિનિટની હશે. બ્લૂ ઑરિજિન રૉકેટને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તેનો વાંરવાર ઉપયોગ કરી શકાય અને કૅપ્સ્યૂલમાં 6 લોકોની બેસવાની ક્ષમતા છે. મંગળવારે ન્યૂ શૅફર્ડની 16મી ટેસ્ટ ફ્લાઇટ હશે અને મનુષ્યોને લઈને તે અવકાશયાત્રાએ જઈ રહ્યું હોય તેવું પ્રથમ વખત થવા જઈ રહ્યું છે. લોકો લૉન્ચને લાઇવ પણ નિહાળી શકે છે.
 
ન્યૂ શેફાર્ડ ફ્લાઇટ એ સબ ઑર્બિટલ ફ્લાઇટ છે.
 
આ ફ્લાઇટમાં જેફ બેઝોસ પોતાના સાથી યાત્રિકો સાથે ધરતીથી લગભગ 62 માઈલના અંતરે આવેલી કારમૅન લાઇન સુધી લઈ જશે, આ કારમૅન લાઇનને આંતરરાષ્ટ્રીસ સ્તરે અંતરિક્ષની શરૂઆતના બિંદુ તરીકે માન્યતા આપવામાં આવી છે. બ્લૂ ઑરિજિનના ઍસ્ટ્રોનૉટ સેલ્સ વિભાગના ડિરેક્ટર ઍરિયન કૉર્નેલે જણાવ્યું હતું, "અત્યાર સુધી 569 લોકો જ આ કારમૅન લાઇન સુધી ગયા છે. ન્યૂ શેફર્ડ વેહિકલની મદદથી આ સ્થિતિમાં પરિવર્તન લાવશે અને તે મોટું પરિવર્તન હશે."
 
સ્પેસ ટૂરિઝમમાં ધનાઢ્યોને રસ
 
દુનિયાના ધનિકોએ સ્પેસ ટૂરિઝ્મમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણો રસ લીધો છે. રિચર્ડ બ્રાનસનની યુનિટી સ્પેસ ફ્લાઇટ બાદ જેફ બેઝોસની બ્લૂ ઑરિજિનની આ ફ્લાઇટને જોતાં એ કહી શકાય સ્પેસ ટૂરિઝમ ક્ષેત્રે છેલ્લા અમુક વર્ષોમાં ઘણો વિકાસ થયો છે. જેફ બેઝોસની જેમ દુનિયાના મોટામાં મોટા ધનિક લોકો સ્પેસ ટૂરિઝમની દોડમાં સામેલ છે.
 
છેલ્લાં 12 વર્ષમાં કેટલાક મોટા ઉદ્યમીઓએ આ બાબતે ઊંડો રસ બતાવ્યો છે, જેમાં વર્જિન ગૅલેક્ટિના રિચર્ડ બ્રાનસન અને જેફ બેઝોસ સમેત સ્પેસ એક્સના ઍલન મસ્ક પણ સામેલ છે. ઍલન મસ્ક આ વર્ષે શિયાળામાં સામાન્ય વ્યક્તિઓ માટે સ્પેસએક્સ ડ્રૅગનશિપ્સ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફ્લાઇટ ઑર્બિટલ હશે અને કૅપ્સ્યૂલ અમુક દિવસો સુધી ઑર્બિટમાં રહેશે.
 
2000થી 2010 વચ્ચે સાત પૈસાદાર લોકોએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની મુલાકાત માટે સારા એવા પૈસા ચૂકવ્યા હતા, પરંતુ રશિયન સ્પેસ એજન્સીની મદદથી યોજાનાર આ અંતરિક્ષયાત્રા 2009માં રદ થઈ ગઈ હતી. ત્યારબાદ આ ક્ષેત્રે ફરી રસ જાગ્યો હતો અને જેફ બેઝોસ, ઍલન મસ્ક અને રિચર્ડ બ્રાનસને આ અંગે પોતાની મહત્ત્વાકાંક્ષાને હકીકતમાં બદલવાના પ્રયત્નો શરૂ કર્યા હતા.
 
આ સિવાય અંતરિક્ષમાં ખાનગી સ્પેસ સ્ટેશન લૉન્ચ કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. એગ્ઝિઑમ નામની કંપની આ અંગે વિચારી રહી છે, આ કંપનીના સંસ્થાપક છે નાસાના આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના પૂર્વ પ્રોગ્રામ મૅનેજર.
 
રિચર્ડ બ્રાનસન 'યુનિટી 22' યાત્રાએ જઈ આવ્યા છે
 
જેફ બેઝોસની જેમ દુનિયાના મોટામાં મોટા ધનિક લોકો સ્પેસ ટૂરિઝ્મની દોડમાં સામેલ છે. યુકેના અબજોપતિ અને વર્જિન ગૅલેક્ટિકના ચૅરમૅન રિચર્ડ બ્રાન્સન અને બીજી પાંચ વ્યક્તિ નવ દિવસ પહેલાં 'યુનિટી 22' મિશનમાં ગઈ હતી. આ મિશનમાં બે પાઇલટ અને કૅબિનમાં ચાર મિશન સ્પેશિયાલિસ્ટ હતા. કૉમર્શિયલ અવકાશયાત્રાને કઈ રીતે વધુ આરામદાયી અને આનંદમય બનાવી શકાય તે ચકાસવા આ ટેસ્ટ ફ્લાઇટ કરવામાં આવી હતી. યુકેના વેપારી રિચર્ડ બ્રાનસનની કંપની 17 વર્ષથી જે સ્પેસ વેહિકલ પર કામ કરી રહી હતી તેમાં તેમણે ન્યૂ મેક્સિકોથી આ ફ્લાઇટમાં ઉડાન ભરી હતી. તેમણે કહ્યું હતું કે આ તેમના જીવનનો જાદુઈ અનુભવ હતો.
 
યુકેના અબજોપતિ અને વર્જિન ગૅલેક્ટિકના ચૅરમૅન રિચર્ડ બ્રાન્સન અને બીજી પાંચ વ્યક્તિ નવ દિવસ પહેલાં 'યુનિટી 22' મિશનમાં ગયા હતા. યુનિટી 22નું પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ભારતીય સમયાનુસાર આ યાત્રા રાત્રે આઠ વાગ્યે શરૂ થઈ અને લગભગ સવા કલાક બાદ રાત્રિના 9.12 મિનિટે તેઓ ધરતી પર પાછા ફર્યા હતા.  રિચર્ડ બ્રાન્સન વર્જિન ગૅલેક્ટિટ રૉકેટ પ્લેનને એટલી ઊંચાઈએ લઈ ગયા હતા જ્યાં આકાશ કાળું દેખાવા લાગ્યું હતું અને પૃથ્વી ગોળાકાર દેખાતી હતી.
 
અહીં નોંધનીય છે કે આ મિશન જેટલું ખાસ અમેરિકા માટે હતું એટલું જ ખાસ ભારત માટે પણ હતું. ભારતીય મૂળનાં શિરીષા બાંદલા આ મિશનનો મહત્ત્વપૂર્ણ ભાગ હતાં.  રિચર્ડ બ્રાનસનના આ ખાસ મિશનની શરૂઆતમાં તેમનો ઉત્સાહ વધારવા માટે ઍલન મસ્ક પણ તેમને મળવા પહોંચ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article