કુરાન સળગાવવાને લઈને સ્વીડનનાં અનેક શહેરોમાં અથડામણો

Webdunia
સોમવાર, 18 એપ્રિલ 2022 (11:00 IST)
સ્વીડનનાં અનેક શહેરોમાં ઇસ્લામના ધર્મગ્રંથ કુરાન સળગાવવાને લઈને અથડામણો થઈ છે. અનેક શહેરોમાં સતત ચોથા દિવસે આગચંપી અને બે જૂથો વચ્ચે અથડામણની ઘટનાઓ બની છે.
 
આ અથડામણો કટ્ટર દક્ષિણપંથી સમૂહો અને અપ્રવાસી લોકોનો વિરોધ કરી રહેલા જૂથો વચ્ચે કુરાન સળગાવવાની ઘટના બાદ શરૂ થઈ હતી.
 
સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર, પૂર્વના શહેર નોરેશેપિંગમાં રવિવારે પણ તોફાનો થયાં. પોલીસે તોફાનીઓને ચેતવણી આપી ગોળીબાર પણ કર્યો હતો જેમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.
 
અનેક વાહનોને આગ લગાવી દેવાની ઘટના બની છે તો આ મામલે અત્યાર સુધી 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
 
શનિવારે દક્ષિણના શહેર માલમામાં પણ કટ્ટર દક્ષિણપંથી સમૂહોની એક રેલી દરમિયાન હિંસા થઈ જેમાં એક બસ સમેત અનેક વાહનોને આગ લગાવી દેવામાં આવી હતી.
 
આ અગાઉ ઈરાન અને ઇરાક સરકારે પોતાને ત્યાં સ્થિત સ્વીડનના રાજદ્રારીઓને કુરાન સળગાવવાની ઘટના અને પ્રદર્શનનોને લઈને બોલાવ્યા હતા.
 
સ્થાનિક હાર્ડલાઇન આંદોલનના પ્રમુખ અને ડેનિશ-સ્વિડિશ ચરમપંથી રસમુસ પાલૂદાને કહ્યું કે, અમે ઇસ્લામના સૌથી પવિત્ર મૂળપાઠને સળગાવ્યો છે અને આ કામ અમે ફરીથી પણ કરીશું.
 
ગુરુવારે, શુક્રવારે અને શનિવારે થયેલી અથડામણોમાં 16 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને પોલીસના વાહનોને આગચંપીની અનેક ઘટનાઓ બની છે.
 
સ્વીડનના રાષ્ટ્રીય પોલીસ પ્રમુખ એંડશ ટૂનબેરીએ શનિવારે એક નિવેદનમાં કહ્યું કે અમે અગાઉ પણ અનેક દંગાઓ જોયા પરંતુ આ વખતની ઘટનાઓ અલગ છે.

સંબંધિત સમાચાર

Next Article