હવે ખેડૂતો ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં ટૂંકી મુદતનું પાક ધીરાણ ભરપાઈ કરી શકશે

Webdunia
શનિવાર, 30 મે 2020 (12:03 IST)
રાજ્યના ખેડૂતો/ધરતીપુત્રોના વ્યાપક હિતમાં ખેડૂતોના ટુંકી મુદ્દતના પાક ધિરાણની રકમ પરત ભરવાની મુદ્દત વધારી આપવા ભારત સરકારમાં કરેલી રજૂઆતનો સંવેદના સ્પર્શી પ્રતિસાદ મળ્યો છે. ભારત સરકારે આ મુદ્દત વધુ ત્રણ મહિના માટે એટલે કે, તા. ૩૧મી ઓગષ્ટ-૨૦૨૦ સુધી વધારી આપી છે. 
 
કોરોના વાયરસને કારણે પ્રવર્તમાન લૉકડાઉનની સ્થિતિમાં ખેડૂતોના પાક વેચાણને પડેલી અસરથી બેન્કોમાંથી લીધેલી ટૂંકી મુદ્દતનું ધિરાણ તા. ૩૧મી માર્ચ-૨૦૨૦ સુધીમાં ભરપાઈ કરી શકે તેમ ન હોઈ, અગાઉ આ મુદ્દત તા. ૩૧મી મે-૨૦૨૦ સુધી લંબાવવા રજૂઆત કરી હતી તેને પગલે ભારત સરકારે આ મુદ્દતતા. ૩૧મી માર્ચથી તા. ૩૧મી મે કરી આપી હતી. ખેડૂતોને ૭ ટકાના દરે પાક ધિરાણને બદલે શૂન્ય ટકા વ્યાજે આવું ધિરાણ આપીને ત્રણ ટકા ભારત સરકાર અને ચાર ટકા રાજ્ય સરકાર ભોગવે છે. 
 
વિજય રૂપાણીએ અગાઉ કરેલી રજૂઆત મુજબ ભારત સરકારે ૩૧મી મે સુધી એટલે કે બે મહિના માટે ખેડૂતોને ધિરાણ ભરપાઈ કરવાની મુદ્દત વધારી આપી હતી અને રાજ્યના ૨૪ લાખથી વધુ ખેડૂતોને તેનો લાભ મળે તે સુનિશ્ચિત કર્યું હતુ. 
 
આવા વધારાના સમયના વ્યાજનું અંદાજે ૧૬૦ કરોડનું ભારણ પણ રાજ્ય સરકારે વહન કરેલું છે અને મોટાભાગના ખેડૂતોએ આ સમયગાળામાં પોતાની પાક ધિરાણ રકમ ભરપાઈ પણ કરી દીધી છે. 
 
રાજ્યના કિસાન અગ્રણીઓ તથા ખેડૂતોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી કે, આવા પાક ધિરાણ લોન ભરપાઈ કરવાની મુદ્દત જો વધુ ત્રણ માસ લંબાવી આપવામાં આવે તો બાકી રહી ગયેલા ખેડૂતો પણ ધિરાણ ભરપાઈ કરી શકે અને આગામી ખરીફ ઋતુ માટે પાક ધિરાણનો લાભ મેળવી શકે.     
 
વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં આ રજૂઆત ભારત સરકાર સમક્ષ કરતાં ભારત સરકારે ખેડૂતોના ધિરાણની ભરપાઈ માટેનો મોરેટોરિયમ પીરીયડ વધુ ત્રણ માસ એટલે કે તા. ૩૧મી ઓગષ્ટ-૨૦૨૦ કરી આપવાનો નિર્ણય કર્યો છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિસાન હિતકારી આ અભિગમ માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, કોરોના વાયરસના પરિણામે લૉકડાઉનમાં આર્થિક રીતે વિપરીત સ્થિતિમાં મૂકાઈ ગયેલા ધરતી પુત્રોને કેન્દ્ર સરકારે અગાઉ બે મહિના માટે મુદ્દત વધારો આપીને શૂન્ય ટકા વ્યાજે ધિરાણ ભરપાઈ કરવાની સુવિધા કરી આપી હતી. હવે તા. ૩૧મી ઓગષ્ટ સુધી  ધિરાણ ભરપાઈ મુદ્દત વધારીને મોટી રાહત આપી છે.

સંબંધિત સમાચાર

Next Article