જામીન પર છૂટેલા પાલ આંબલિયાની પ્રથમ પ્રતિક્રિયા, ખેડૂતો માટે ફરીથી નવી ઉર્જા સાથે લડીશ

શુક્રવાર, 22 મે 2020 (15:08 IST)
રાજકોટમાં કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની ધરપકડ બાદ કોંગ્રેસના દેખાવા બાદ રાજકારણ ગરમાયું હતું. ત્યારબાદ કોંગ્રેસના અગ્રણી નેતાઓ તેમના વ્હારે દોડ્યા હતા અને રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર અનેક મોટા આરોપ મૂક્યા હતા. આજે જામીન મુક્ત થયા બાદ ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કે પોલીસે મારી 188 મુજબ ધરપકડ અને ત્યારબાદ જામીન મુક્ત કર્યો હતો અને પાછો ફરીથી 151 મુજબ ધરપકડ કરી હતી. ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ ધરપકડને લઈને અનેક ખુલાસા કર્યા હતા. તેમણે જણાવ્યું કે, રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનથી પોલીસ કમિશ્નર કચેરીએ લઈ જઈ મને ઢોર માર મરાયો હતો. ત્યારબાદ મારી હાલત લથડતા મને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટેના ઓર્ડર મેળવવામાં 4થી 5 કલાકનો ઇરાદાપૂર્વકનો વિલંબ કરવામાં આવ્યો હતો. મોડી સાંજે 151ની કલમમાં જેલ મોકલવાનો ઓર્ડર કર્યો હતો. હું હોસ્પિટલમાં દાખલ હોઈ ડોક્ટરના કોઈ અભિપ્રાય વગર જ મને પોલીસે જેલ મોકલવાનો ઓર્ડર કરાયો હતો. પોલીસ અને તંત્ર દ્વારા ભાજપના કાર્યકરની જેમ કામગીરી થઈ રહી છે તેવા મોટા આક્ષેપ કર્યા હતા. કાયદાનો મારા વિરુદ્ધ દૂરઉપયોગ કરી ખેડૂતોના અવાજ દબાવવાનો પ્રયત્ન કરવો તે કેટલું વ્યાજબી છે. હું પરિસ્થિતિ અનુરૂપ જામીન લઈ હું ઘરે આવ્યો છું. હું થાક્યો નથી, હાર્યા નથી, લડત મૂકી નથી, લડશું અને જીતશું. ખેડૂતોના અવાજને દબાવનાર અધિકારીઓને વળતો જવાબ પણ આપશું. તેમણે છેલ્લે જણાવ્યું હતું કે, આવનાર દિવસોમાં નવી ઉર્જા સાથે લડતની રણનીતી જાહેર કરીશ. કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની ધરપકડ બાદ તેમને પોલીસ દ્વારા ઢોર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ ગાંધીનગરના ઈશારે પોલીસ કામ કરી રહી છે. કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખને પોલીસે કસ્ટડી દરમિયાન ઢોર માર મરાયો છે. પાલ આંબલિયાએ પણ ઢોર માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવ્યું કે, બુધવારે પાલ આંબલિયાની ધરપકડ કરાઈ હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર