દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઈંડિયા(એસબીઆઈ) અને તેમના સહયોગી બેંકોએ લગભગ 6 લાખ 25 હજાર ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા છે. એસબીઆઈએ કહ્યુ કે અમને જાણ થઈ છે કે અમારા કેટલાક ગ્રાહક વાયરસથી પ્રભાવિત એટીએમ યૂઝ કરી રહ્યા હતા. જ્યાર પછી અમે અમારા લગભગ 0.25 ટકા કાર્ડ બ્લોક કરી નાખ્યા છે. સાઇબર ક્રાઇમનો શિકાર બનેલા એસબીઆઇના એક ગ્રાહક દ્વારા બેંકમાં ફરિયાદ થયા બાદ આ કૌભાંડની માહિતી બહાર આવી હતી.
સૌથી ખાસ વાત એ છે કે, આ બધા ગ્રાહકોએ દેશના વિવિધ ભાગોમાં યશ બેંકના એટીએમનો ઉપયોગ કર્યો હતો. આ એટીએમ કાર્ડનું પહેલા કલોન બનાવાયુ અને બાદમાં કલોન કરવામાં આવેલા આ કાર્ડનો ઉપયોગ ઓનલાઇન ખરીદી, ચુકવણુ અને એટીએમથી નાણા ઉપાડવા માટે કરવામાં આવ્યુ હતુ. એસબીઆઇએ વિવિધ રાજયોમાં લાખો ગ્રાહકોના એટીએમ કાર્ડ બ્લોક કરી દીધા છે. આ છેતરપીંડી લાંબા સમયથી ચાલુ હતી.
મુળ ઝારખંડના રહીશ અને દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં કાર્યરત ફરિયાદી મદન મોહનનું એકાઉન્ટ એસબીઆઇની દિલ્હીમાં તીસ હઝારી બ્રાન્ચમાં છે. 14 ઓકટોબરે રાંચીમાં એટીએમથી પૈસા ન નીકળતા તેમનુ કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યુ, તેમણે બેન્કને ફરિયાદ કરી. આ પહેલા તેમણે દિલ્હીના મુંડકા સ્થિત યશ બેંકના એટીએમનો ઉપયોગ કર્યો હતો. તે પછી તપાસ શરૂ થઇ અને લગભગ છ લાખ ગ્રાહકોના એટીએમ કાર્ડનું કલોન બનાવીને નાણા ઉપાડ, ઇ-કોમર્સ સાઇટ અને સ્વાઇપ મશીનો થકી ખરીદીમાં તેનો ઉપયોગ થયો હતો.
આ પછી આ બધા ગ્રાહકોના કાર્ડ બ્લોક કરી દેવાયા હતા. હજુ સુધી એ જાણી શકાયુ નથી કે એટીએમ કાર્ડનુ કલોન કોણે અને કયાં બનાવ્યુ હતુ ? કેટલી રકમનો ચુનો લાગ્યો છે એ પણ જાણી શકાયુ નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે કલોનીંગ માટેનુ સોફટવેર ચીનમાં તૈયાર થયુ છે એટલુ જ નહી કલોનીંગ કર્યા બાદ આ લાખો કાર્ડનો ઉપયોગ જે સ્વાઇપ મશીનમાં થયો તેનો સોફટવેર પણ ચીનમાં બનેલુ હતુ.
તરત જ બદલો તમારુ એટીએમ કાર્ડ પિન
એટીએમના કોઈપણ ખોટા ઉપયોગથી બચવા માટે ગ્રાહકોને તરત જ પોતાની પિન બદલવાની અપીલ કરવામાં આવી છે. જેથી ભવિષ્યમાં કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય.