AMCમાં ફાયર વિભાગમાં 114 જગ્યા માટે ભરતી, 23 જુલાઈ અરજી કરવાની છેલ્લી તારીખ

Webdunia
સોમવાર, 8 જુલાઈ 2024 (17:43 IST)
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં ભરતી જાહેર થઈ છે. છેલ્લા એક વર્ષથી ઇન્ચાર્જના હોદ્દા પર ચાલતા ફાયર બ્રિગેડના અધિકારીઓમાં હવે કાયમી ધોરણે ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ફાયર ઓફિસર, સહાયક સ્ટેશન ઓફિસર, સહાયક સબ ઓફિસર અને સહાયક ફાયરમેનની કુલ 119 જેટલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં હાલમાં ડિવિઝનલ પાર્ક ઓફિસર અને ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ કાયમી ધોરણે ચીફ ફાયર ઓફિસરથી લઈ વિવિધ હોદ્દા મેળવવા માટે અરજી કરી છે.
 
23 જુલાઈ અરજી કરવાની છેલ્લી તારીખ
ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બે એમ કુલ 4 જેટલી જગ્યાઓ માટે 12 જુલાઈ અરજીની છેલ્લી તારીખ છે. જ્યારે સહાયક સ્ટેશન ઓફિસરની 3 સહાયક, સબ ઓફિસરની 10 અને સહાયક ફાયરમેનની 102 જેટલી જગ્યાઓ માટે 23 જુલાઈ અરજીની છેલ્લી તારીખ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર recruitment લિંક પરથી માહિતી મેળવી શકશે.
 
રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકાઓમાં ભરતી કરવાની સૂચના આપી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરની ભરતી કરવામાં આવતી નહોતી. ફાયર બ્રિગેડમાં પૂરતો સ્ટાફ ન હોવા ના કારણે પણ ફાયર સેફટી અંગે ચેકિંગ અને અન્ય કામગીરી ન થતી હોવા અંગેની રજૂઆતો સામે આવી હતી. જેના પગલે રાજ્ય સરકારે તમામ મહાનગરપાલિકાઓમાં ભરતી કરવાની સૂચના આપતા હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફાયર બ્રિગેડમાં કાયમી ધોરણે અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
 
ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર માટે ભરતી
અમદાવાદ ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર માટે ભરતી થશે. જેમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનિયર્સ ઇંગ્લેન્ડના સ્નાતક અથવા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જિનિયર્સ ભારતના સ્નાતક અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો એડવાન્સ ડિપ્લોમાં ધરાવનાર એટલે કે નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુરનો તેમણે ડિવિઝનલ ઓફિસર્સનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. કોર્પોરેશનમાં જો તેઓ ફરજ બજાવી ચૂક્યા હોય તો પાંચ વર્ષના અનુભવનો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરથી નીચેનો હોદ્દો ધરાવતા હોવા જોઈએ નહીં. આઠ વર્ષના અનુભવનો સેકન્ડ ક્લાસના ઓફિસરથી નીચેનો દરજ્જો હોવો જોઈએ નહીં.

સંબંધિત સમાચાર

Next Article