આયુષ્માન કાર્ડમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે, ૩૪ લાખ જેટલા દાવા નોંધાયા

Webdunia
બુધવાર, 4 જાન્યુઆરી 2023 (09:39 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ગરીબ અને મધ્યવર્ગીય પરિવારજનો માટે શરૂ કરેલી આયુષ્માન યોજના આજે દેશના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે.  ગુજરાતમાં પણ વર્ષ ૨૦૧૮ થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ ૧ કરોડ ૬૭ લાખ ૩૮ હજાર ૬૦૦ લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે.આયુષ્માન કાર્ડ ધારકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ત્રીજા ક્રમાંકે છે.
 
ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી વિચારધારા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ રજીસ્ટર્ડ અને જરૂરીયાતમંદ લાભાર્થીઓને આયુષ્માનકાર્ડથી લાભાન્વિત કરવાના સધન પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. જેના પરિણામ સ્વરૂપ જ આટલી મોટી સંખ્યામાં ગુજરાતમાં લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડનો લાભ મેળવ્યો છે. 
 
રાજ્યનો કોઇપણ ગરીબ કે મધ્યમવર્ગીય પરિવાર એકાએક આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે દેવાદાર ન બને તેની ચિંતા રાજ્ય સરકારે કરીને આયુષ્માન કાર્ડથી મહત્તમ લોકોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. આવનારા સમયમાં આયુષ્માન યોજના અંતર્ગત મળતું ૫ લાખનું આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. ૧૦ લાખ કરવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. 
 
આયુષ્માન કાર્ડ અંતર્ગત દાવા નોંધણીની વાત કરીએ તો ગુજરાતમાં અંદાજીત ૩૪ લાખ જેટલા ક્લેમ્સ (દાવા) આયુષ્માન કાર્ડ અંતર્ગત નોંધવામાં આવ્યા છે. આ સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં ચોથા ક્રમાંકે છે. જ્યારે દાવા ચૂકવણીની રકમની દ્રષ્ટિએ રૂ. ૬,૫૮૯ કરોડની રકમના દાવા નોંધણી સાથે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે.
 
ગુજરાત સરકારે તાજેતરમાં જ પ્રધાનમંત્રી જન આરોગ્ય  આયુષ્માન યોજના અને મા યોજનાનું સંકલન કરીને PMJAY- મા યોજના અમલી બનાવી છે. જેના પરિણામે રાજ્યમાં આરોગ્ય વીમા કવચનો વ્યાપ પણ વધ્યો છે. હાલ ગુજરાતમાં ૧૯૭૪ સરકારી અને ૮૫૩ ખાનગી આમ કુલ ૨૮૨૭ જેટલી હોસ્પિટલમાં  આયુષ્માન  કાર્ડ અંતર્ગત સર્જરીથી સારવાર સુધીની સેવાઓ નિ:શુલ્ક પણે ઉપલબ્ધ બની છે.

સંબંધિત સમાચાર

Next Article