AAPની મફતની રેવડી સામે ભાજપના કુમાર કાનાણીએ કહ્યું, ઉમેદવારની માતાના ઘૂંટણ પણ મફતમાં આયુષ્યમાન કાર્ડથી બદલાયા છે'

શનિવાર, 26 નવેમ્બર 2022 (11:19 IST)
સમગ્ર દેશના અને રાજ્યના રાજકારણમાં અત્યારે સૌથી વધુ ફ્રી કઈ પાર્ટી આપે છે. તેને લઈને પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. વિશેષ કરીને આમ આદમી પાર્ટીએ ગરીબ અને મધ્યમ વર્ગ વચ્ચે ફ્રીની સુવિધા આપવાની રાજનીતિ આગળ વધારી છે. પરંતુ હાલ વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક ઉપર જામેલા જંગમાં ફ્રીની રાજનીતિ ઉપર એકબીજા ઉપર પ્રહારો શરૂ થયા છે. જેમાં ભાજપના કુમાર કાનાણીએ કહ્યું કે, મારી સામેના ઉમેદવારની માતાના ઘૂંટણ પણ આયુષ્યમાનથી બદલાયા છે.

આમ આદમી પાર્ટી દ્વારા મોહલ્લા ક્લિનિકની વાતો કરવામાં આવી રહી છે. આરોગ્ય લક્ષી સેવાઓ ફ્રીમાં આપવાની વાત કરવામાં આવી રહી છે. વીજળી ફ્રી કરવાની વાત આવી રહી છે. ભાજપ પણ આ મુદ્દાને લડી લેવા માટે સતત લોકોમાં જે પ્રચાર કરી રહી છે. તેમાં ફ્રીનો મુદ્દો ઉઠાવી રહી છે. એક આયુષ્યમાન કાર્ડમાં રૂપિયા પાંચ લાખ રૂપિયા જેટલો ખર્ચ મોદી સરકાર કરી રહી છે. જો ઘરમાં પાંચ લોકો હોય તો 25 લાખ રૂપિયા થાય. આટલી મોટી રકમ એક જ પરિવાર માટે સરકાર આપી રહી છે. તેના કારણે લોકોને આરોગ્ય સેવા ફ્રી થઈ જાય છે.વરાછાના ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ કહ્યું કે, જે લોકો ફ્રી.. ફ્રીની વાત કરી રહ્યા છે. તેઓ પોતે પણ સરકારની સુવિધા લઈને જ ફ્રીમાં આરોગ્ય સેવા મેળવી રહ્યા છે. આપણી સામે જે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પોતાની માતાના ઘૂંટણ રિપ્લેસમેન્ટ પણ આયુષ્યમાન કાર્ડ થકી જ કરાવ્યા છે. આપનો ઉમેદવાર કહે છે ને કે, સરકારે શું કર્યું છે. તો એને મારો જવાબ છે કે, સરકારે તેમની માતાના ઘૂંટણ રિપ્લેસ વિનામૂલ્યે કરાવી આપ્યા છે.હું જ્યારે જેલમાં હતો. તે દરમિયાન મારા ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. મારા માતાને ઘૂંટણમાં દુઃખાવો થતો હતો. ત્યારે અમે સરકારની આ યોજનાનો લાભ લીધો છે. પરંતુ આ રીતે કોઈકની માતાએ લીધેલી સારવારને જાહેરમાં ચર્ચાનો વિષય બનાવ્યો એ અયોગ્ય બાબત છે. તમે એમ કહેતા હોય કે, હું વરાછાનો સાવજ છું. પરંતુ આ પ્રકારની વાતો એ મર્દને શોભે તેવી નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર