કાન ઉપરથી પણ સ્ત્રી-પુરુષનાં વ્યક્તિત્વને ઓળખી શકાય છે

Webdunia
રવિવાર, 18 માર્ચ 2018 (16:33 IST)
એક પ્રચલિત કહેવત છે કે પુરુષ એક કાનમાંથી વાત સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે. જ્યારે સ્ત્રી બંને કાનેથી સાંભળી મોઢામાંથી બહાર કાઢે છે. બીજી પણ એક જાણીતી કહેવત છે કે બિલાડીના પેટમાં ખીર ટકે તો સ્ત્રીના પેટમાં વાત રહે. જોકે આ કહેવતોના હું સમર્થન કે વિરોધ કરતી નથી. કારણ કે વ્યક્તિપરત્વે સ્વભાવ બદલાતા હોય છે. ચહેરા પરથી વ્યક્તિના સ્વભાવ તેમ જ ભવિષ્ય માટે કાનનું પણ ઘણું જ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. કાનમાં પહેરેલા ઝુમકાને લીધે સ્ત્રીનો ચહેરો આકર્ષક દેખાય છે. આપણી સંસ્કૃતિમાં બાળપણમાં જ કાન વીંધાવાય છે. એની પાછળ એક્યુપંક્ચરનું શાસ્ત્ર છે. કોઈ વ્યક્તિ વહેમી હોય તો તે તેને આપણે કાચા કાનના કહીએ છીએ. 


કાન પાંચ જ્ઞાનેન્દ્રિયમાંથી એક ઇંદ્રિય છે. ચારે તરફથી આવતા અવાજો આપણા કાનમાં અથડાતા હોય છે. કુદરતે કાન પર ઢાંકણા નથી બેસાડ્યા. પણ માનવીની સાંભળવાની શક્તિમાં પણ મર્યાદા છે. અમુક મર્યાદા પછી માનવી અવાજ નથી સાંભળી શકતા. અતિંદ્રિય શક્તિ જેની જાગૃત થઈ હોય એ બહુ દૂર દૂરના પણ અવાજ સાંભળી શકે છે. ૧) કાનનું કુંડલ ક્ષેત્ર, ર) છિંક ક્ષેત્ર, ૩) બુટી એમ કાનના ત્રણ વિભાગ હોય છે. કાનના ઉપરના ભાગને કુંડલી ક્ષેત્ર કહેવાય છે. આ ભાગ અર્ધવર્તુળાકારમાં દૃષ્ટમાન થાય છે. કાનનું ધ્વનીગ્રહણ કરનારું ક્ષેત્ર ને છિદ્ર એટલે કે કાણું હોય છે. અને કાનની નીચેનો લટકતો પાર્ટ તેને બૂટ કહેવાય છે. આપણે ત્યાં છોકારાઓના પણ કાન વીંધે છે.

જે વ્યક્તિના કાન સરળ પ્રમાણમાં, સુઘડ દેખાવડા તેમ જ માંસલ હોય તેને સારા ગણવામાં આવે છે. આવી સ્ત્રીઓથી સારું એવું સુખ અનુભવાય છે. આવી સ્ત્રીઓ બહુ સરળ હોય છે. અને એ કારણથી ઘણી વખત અવરોધાયેલા કાર્યો સરળ બનતા હોય છે. આવા કાન ધરાવતી સ્ત્રીઓ સંગીતપ્રિય હોય છે. આવી સ્ત્રીને બચપનમાં મળેલા સંસ્કારના કારણે તે ઘડાઈ ગઈ હોય છે. એનામાં એ પણ વિશેષતા જોવા મળે છે કે ગમે તેવા નવા અને અજાણ્યા વાતાવરણમાં પણ પોતાનું સ્થાન સારી રીતે જમાવી શકે છે. અને જ્યાં તેનો પગસંચાર થાય છે. ત્યાં એવા પ્રકારની ભાત પડે છે કે ત્યાનું વાતાવરણ તેની ગેરહાજરીમાં પણ તેની વ્યવસ્થા અને વિચારનો અમલ ચાલતો રહે છે. તેમ જ આવી જગ્યાએ આવી સ્ત્રીની ગેરહાજરી સાલતી હોય છે.

સામાન્ય રીતે સ્ત્રીઓના કાન સાધારણ પહોળા, સરખા, દેખાવમાં સુંદર તેમ જ લાંબા હોય તેવી સ્ત્રીઓને સૌભાગ્યશાળી ગણવામાં આવે છે.

જે વ્યક્તિના કાન ચહેરાના પ્રમાણમાં ઘણા જ નાના હોય તેઓ ખૂબ જ કુપણ સ્વભાવની હોય છે. આવી વ્યક્તિ પાસેથી પૈસા કઢાવવા ગમે તેટલી યુક્તિ વાપરશો તો તે વ્યર્થ સાબિત થશે.

જે સ્ત્રીના કાનમાં રૂંવાટી વધારે હોય તેમ જ તેના કાનનું છિદ્ર બહુ જ નાનું હોય તેને કુટિલ ગણવામાં આવી છે.

જે વ્યક્તિના કાન ઉપર વાળ ઊગેલા હોય તેઓ સામાજિક બાબતમાં રસ લેનારા હોય છે.

જે વ્યક્તિના કાન હાથી જેવા હોય તેઓ ખૂબ જ વિશાળ શક્તિ, દૂરંદેશી તેમ જ સત્તાધિકાર સૂચવે છે.

જે સ્ત્રીઓના કાન અને તેના ઉપરનો ભાગ આંખના સમાંતરે હોય તેવી સ્ત્રી ખૂબ જ ઉતાવળિયા સ્વભાવ ધરાવતી હોય છે. ઉતાવળિયા સ્વભાવના કારણે આવી સ્ત્રીઓને સહન પણ કરવું પડે છે. આના વિચારો પ્રતિક્ષણે બદલાતા જ હોય છે. આ જાતનો સ્વભાવ ધરાવતી સ્ત્રીઓનો આવાજ પ્રકારનો કાન હોય છે. એમ માની લેવું નહીં, પણ આવા પ્રકારનો કાન ધરાવતી સ્ત્રીઓનો સ્વભાવ ઉતાવળિયો હોય છે.

જે વ્યક્તિના કાન પાતળા દેખાવડા તેમ જ પ્રમાણસરની ઊંચાઈ વાળા હોય તેઓ સારી શ્રવણશક્તિ ધરાવતા હોય છે. તેઓ શાસ્ત્રીય સંગીત-ગીત ગાવામાં પ્રવીણ હોય છે. તેઓની સાંભળવાની શક્તિ સામાન્ય રીતે સારી હોય છે. હિન્દી ફિલ્મજગતના મહાનુભાવક સ્વ. રાજ કપૂર તેમ જ સ્વ. વ્હી. શાંતારામ માટે કહેવાતું હતું કે આ લોકોના કાન બહુ સારા છે. તેથી જ તે ફિલ્મજગતને સારા સંગીતની સારી સૂઝ હોવાની બતાવે છે.

જે લોકોના કાન ગોળ હોય છે તેવી વ્યક્તિઓ ધંધામાં બિલકુલ પ્રમાણિક હોતી નથી. આવી વ્યક્તિ સાથેનો ધંધાદારી સંબંધ તમારા નામને ક્યારે ખોરંભે ચડાવી દેશે તેનો નિર્ણય લગભગ અશક્ય છે. આવી વ્યક્તિઓથી ખૂબ જ દૂર રહેવું.

જે વ્યક્તિના કાન ખીલેલાં તેમ જ નીચેની લબડતી બુટી ભરાવદાર હોય તેઓ કાર્યમાં ખંતિલા, ઉપદેશક તેમ જ તત્ત્વેવેત્તા હોય છે. આવો કાન ધરાવનાર ઉચ્ચ કોટીના સંન્યાસી હોઈ શકે છે.

જે વ્યક્તિના કાન માથાના પ્રમાણમાં સારા અને મોટા હોય તેઓ દૃઢ સ્વભાવના હોય છે. આવી વ્યક્તિઓ ધારેલા કોઈ પણ કાર્યને પૂર્ણ કરીને જંપતી હોય છે. બંને કાનમાં જે વ્યક્તિનો જમણો કાન સાધારણ મોટો હોય તેને શુભ સૂચક ગણવામાં આવે છે. આવો કાન ધરાવનાર વ્યક્તિ પ્રામાણિક તેમ જ સારો સ્વભાવ અને અન્યને ઉપયોગી થવાનો ગુણ ધરાવતી હોય છે.

જે વ્યક્તિના કાન પર ભમરીવાળા વાળ હોય તેમની પાસે આર્થિક સંપત્તિ સારી હોય છે, પરંતુ જો આ વાળ ખૂબ જ લાંબા હોય તો તેઓના માભા પ્રમાણે દ્રવ્ય ઓછું જોવામાં આવે છે. તેઓ સામાજિક કાર્યોમાં વધારે રસ લેતા હોઈ એ ક્ષેત્રમાં આગળ વધે છે અને માન-પ્રતિષ્ઠા પણ મેળવે છે.

કાનની બહારની આકૃતિ પર જ્યાં પણ એકાદ કોન થતો દેખાતો હોય એેટલે કે કાનની બહારની બોર્ડરલાઈનમાં એકાદ ચણી જેવો ભાગ બહાર આવતો હોય તો તે લોકો ધૂર્ત, કપટી, અત્યંત ચપળ, મીઠાં શબ્દો વાપરનાર અને વ્યાપારી બુદ્ધિના હોય છે. માથાના ઉપરના ભાગને સ્પર્શ કરનારા કાન હોવાવાળા લોકો સંધીસાધુ, સંશયી, લંપટ, કારસ્તાની અને દુર્ગુણ ધરાવનાર હોય છે. ચૌરસ આકારમાં દેખાતા કાનના વ્યક્તિ વ્યવહારુ, યોજનાબદ્ધ કામ કરવાવાળી હોશિયાર અને આનંદી સ્વભાવની હોય છે. કાનનો આકાર થોડો મોટો અને વર્તુળાકાર દેખાતો હોય તેવી વ્યક્તિ કલાપ્રેમી, શ્રદ્ધાળુ, ઉદાર, સ્વચ્છંદી, યાત્રાપ્રેમી હોય છે. એક જ સમયે અનેક વ્યક્તિ પર પ્રેમ કરતા હોય છે. માટે પ્રેમભંગનો દુ:ખ થતું નથી. વિવાહ પછી પણ આ ઉપક્રમ ચાલતો જ રહે છે. આવી બાબતમાં સ્ત્રી પણ અપવાદ હોતી નથી. સામાન્ય રીતે પહોળા કાન હોવાવાળી વ્યક્તિ અવસરવાદી, સંશયી, ઢોંગી અને ગર્વિષ્ટ સ્વભાવની હોય છે. જે વ્યક્તિના કાન ઓછા પ્રમાણમાં પહોળા હોય તે અંધશ્રદ્ધાળુ, ચંચળ, બીજા પાસેથી ફસાઈ જનાર અને નીચલી દર્જાના વિચારવાળી હોય છે. કાન જે મધ્યભાગમાં દબાયેલો લાગતો હોય તો તે વ્યક્તિ અપરાધી વૃત્તિની, ખોટું બોલનાર અને ચોરી કરનાર હોય છે. સુપડા જેવા કાનની વ્યક્તિ દીર્ઘાયુષી, મુત્સદ્દી, ધૂર્ત, અતિ આગ્રહી હોય છે. જે વ્યક્તિના કાન નાજુક હોય તેઓ વાતવાતમાં ગુસ્સે થઈ જવાનો સ્વભાવ ધરાવતા હોય છે. અને જ્યારે તે ગુસ્સામાં હોય છે. ત્યારે તેનો ચહેરો અને કાન પણ લાલ થઈ જતા હોય છે.

જે વ્યક્તિના કાનનો ભાગ આંખના ભાગથી વધારે દૂર દેખાતો હોય તેઓ ખૂબ જ સ્વાર્થી હોય છે. જે વ્યક્તિની કાનની બૂટી લબડતી નથી હોતી અને ગાલ સાથે જોડાયેલી હોય તેઓ દંભી હોય છે. માંસ વગરના કાન અશુભ જાણવા. જે વ્યક્તિની કાનની બુટી વધુ લબડતી અને ભરાવદાર તેમ જ કાનને સુંદર બનાવતી હોય તેઓ લાંબુ આયુષ્ય ભોગવે છે.

જે સ્ત્રીઓના કાન ચપટ હોય તેવી સ્ત્રીઓનો સ્વભાવ કંઈક અંશે ભોળો હોય છે. આવી સ્ત્રી ખાવાપીવાની શોખીન હોય છે. બહારથી લાગણીપ્રધાન દેખાતી હોવા છતાં અંદરથી પેક હોય છે.

જે વ્યક્તિનો કાન કુદરતી રીતે ન હોય, એટલે કે જન્મથી જ એક ન હોય તેવી વ્યક્તિ ખૂબ જ કાબેલ હોય છે. જે વ્યક્તિના કાન ખૂબ જ વળેલા હોય તેમ જ બુટી ભરાવદાર હોય તેઓ કાર્યોમાં ખૂબ જ ખંતીલા હોય છે.

જે સ્ત્રીઓના કાન દેખાવમાં સારા તેમ જ બંને સરખા હોય તે સારા ગણવા. આવી સ્ત્રીનું જીવન સુખી હોય છે અને અન્યનું ભલું કરવાની મનોવૃત્તિ ધરાવે છે.

જે સ્ત્રીઓના કાન વચમાંથી લાંબા, જરા ઊંડા, મોટા તથા દેખાવડા હોય તે સ્ત્રી સંગીતકલા પ્રત્યે ખૂબ જ રસ ધરાવતી હોય છે. જે વ્યક્તિના કાન ખૂબ જ લાંબા, સાંકડા અને અણિયાળા હોય તેવી વ્યક્તિ બીજાની ઉન્નતિને જલદી સહન કરી શકતી નથી. જે વ્યક્તિના કાનનો ઉપરનો ભાગ તૂટેલો હોય તેઓ ખૂબ જ કાબેલ હોય છે. જે સ્ત્રીઓના કાન પ્રમાણ કરતાં ખૂબ જ નાના હોય તેવી સ્ત્રીઓનું જીવન ખૂબ જ અવ્યવસ્થિત હોય છે.

સંબંધિત સમાચાર

Next Article