ગુજરાતમાં માધવસિંહનો 149 બેઠકોનો રેકોર્ડ તોડવા ભાજપનું કરો યા મરો

Webdunia
શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (13:09 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસમાં ૧૮૨ બેઠકોમાંથી ૧૪૯ બેઠકો કબજે કરવાનો  ૧૯૮૫ના  મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો રેકોર્ડ હજુ સુધી તૂટયો નથી. આ રેકોર્ડને તોડવા માટે વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપે ચોતરફી કમર કસીને કરો યા મરોનો નારો બૂલંદ કર્યો છે.  માધવસિંહના આ ૧૪૯ બેઠકોના વિજય પાછળ એ વેળાના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઝીણાભાઈ દરજીનો સિંહ ફાળો હતો.  બિનસવર્ણ સમાજે ચૂંટણીમાં ખોબલે ખોબલે મત એટલે કે જંગી મતદાન કરતા કોંગ્રેસની ઝોળીમાં ૧૮૫માંથી ૧૪૯ બેઠકો આવી પડી હતી અને તેનો પડઘો માત્ર ગુજરાત જ નહીં

દેશ આખાના રાજકારણમાં પડયો હતો. જો કે આ ખામ થિયરી સફળ થઈ એ માટે બીજા ઘણા બધા કારણો પણ સામેલ હતા જ. એ વખતે માધવસિંહ અને તેમની સરકાર તથા કોંગ્રેસ પક્ષનો સૂરજ તપતો હતો. કોંગ્રેસમાં એકબીજાને પછાડવા માટે જૂથબંધી આજની જેટલી ફુલીફાલી ન હતી. પ્રદેશ સંગઠન અને સરકાર વચ્ચે મનમેળ જ નહીં પાક્કી દોસ્તી હતી. સરકારના મંત્રીઓ તથા કોંગ્રેસ પક્ષના નેતાઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોનું પ્રમાણ નહિવત હતું. એ બધા સાથે ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે આર યા પારની લડાઈ ન હતી. આ બધા જ કારણોના કુલ હિસાબને કારણે કોંગ્રેસ પક્ષનો જ્વલંત વિજય થયો હતો. આ જ્વલંત વિજયના એક વર્ષ પછી ગુજરાતમાં વર્ગવિગ્રહ પેદા થયો હતો અને અનામતના મુદ્દે આંદોલન ફાટી નીકળતા માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી પદ છોડવું પડયું હતું. આજે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ૧૯૮૫ કરતાં સાવ જુદી સ્થિતિ છે. ગુજરાતમાં તમામ વર્ગ-સમાજના લોકો હળીમળીને જીવી રહ્યા છે. શાંતિ બરકરાર છે. ભાજપનો સૂર્ય સોળે કળાએ ખીલેલો છે. પરંતુ એ સૂર્યના કિરણો સરકારની કેટલીક યોજનાઓને દઝાડી રહી છે ત્યારે ગુજરાતની પ્રજા કોંગ્રેસનો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડવામાં ભાજપને કેટલો સાથ આપશે.

સંબંધિત સમાચાર

Next Article