કેન્દ્રિય ચૂંટણી પંચ આજથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે

Webdunia
સોમવાર, 9 ઑક્ટોબર 2017 (16:53 IST)
મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જોતિના વડપણ હેઠળ ચૂંટણી પંચના વરિષ્ઠ ૧૧ અધિકારીઓ સોમવારથી ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીની સમીક્ષા માટે ગુજરાતની મુલાકાતે આવશે. ચૂંટણી પંચ બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન રાજકીય પક્ષો, જિલ્લા પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર, જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે બેઠક યોજશે. ચૂંટણી પંચના અધિકારીઓ સોમવારે સવારે અમદાવાદ એરપોર્ટથી સીધા જ સરકીટ હાઉસ-એનેક્ષી ખાતે પહોંચશે જ્યાં તેઓની સવારે ૧૧ વાગે માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક છે. આ બેઠકમાં ચૂંટણી પંચ રાજકીય પક્ષો પાસેથી સૂચન મેળવશે.

આ પછી બપોરે ૨ઃ૩૦ વાગે ગાંધીનગર ખાતે તેમની રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા પોલીસ અધિકારી, નાયબ પોલીસ વડા સાથે ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસા અંગે બેઠક છે. આ બેઠક અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર ઇવીએમ-વીવીપેટ નિદર્શન કેન્દ્ર વહનને લીલી ઝંડી બતાવી તેનું પ્રસ્થાન કરાવશે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તૈયાર કરાયેલા ડિજીટલ એટલાસ અને ધ કાઉન્ટડાઉન બિગિન્સ નામની મતદાર જાગૃતિ અંગેના સચિત્ર પુસ્તકનું વિમોચન કરશે. ચૂંટણીપંચના જે અધિકારીઓ ગુજરાત આવી રહ્યા છે તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે. જોતિ, ચૂંટણી કમિશનર ઓ.પી. રાવત, ચૂંટણી કમિશનર સુનીલ અરોરા, નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિંહા-સંદીપ સક્સેના-સુદીપ જૈન, મહાનિર્દેશક દિલીપ શર્મા-ધીરેન્દ્ર ઓઝા-નિખીલકુમાર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

Next Article