ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા આજે શરૂ થઈ છે. ભાજપની આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ક્યાંક નોન સેન્સ તો ક્યાંક સેન્સ જોવા મળી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયા બેઠક સહિત અમદાવાદની વિધાનસભા બેઠકો માટે ભાજપના 6 નિરીક્ષકો દ્વારા સવારથી સેન્સ લેવામાં આવી હતી.
પૂર્વ વિસ્તારમાં શાહીબાગ વિસ્તારના ઓસ્વાલ ભવન અને પશ્ચિમ વિસ્તારમાં વિધાનસભા માટે સાયન્સ સિટી આર. કે. રોયલ ખાતે સેન્સ લેવાઈ રહી છે.અસારવા વિધાનસભા બેઠક માટેની સેન્સ લેવાઇ હતી. જેમાં અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમાર, પૂર્વ કોર્પોરેટરો અને અગાઉ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારો સહિત 50 લોકોએ દાવેદારી નોંધાવી હતી.બીજી તરફ ઘાટલોડિયા બેઠક પર એક માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ દાવેદાર છે. તેમના નામનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરાયો હતો.અમદાવાદ શહેરના ભાજપના નિરીક્ષક ગણપત વસાવાએ જણાવ્યું હતું કે આજે અમદાવાદની ચાર વિધાનસભા બેઠક પરની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં 200થી વધુ કાર્યકર્તાઓએ દાવેદારી કરી છે. આ તમામ કાર્યકર્તાઓની દાવેદારી ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.જે દરમિયાનમાં દરિયાપુર બેઠકની સેન્સ પ્રક્રિયા દરમિયાન હોબાળો થયો હતો.
દરિયાપુરના સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ HB કાપડીયા સ્કૂલના સંચાલક મુક્તક કાપડિયાએ દાવેદારી નોંધાવતા સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. તેઓએ માગ કરી હતી કે પાર્ટીના કોઈ કાર્યકર્તા અથવા સ્થાનિક નેતાને ટિકિટ આપવામાં આવે.અસારવા વિધાનસભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવવા પોતાના કાર્યકર્તાઓ સાથે ઓસવાલ ભવનમાં નેતાઓ પહોંચ્યા હતા. પૂર્વ કોર્પોરેટર મુકેશ પરમાર અને દરિયાપુર કોર્પોરેશની ચૂંટણી લડી ચૂકેલા વિભૂતિ પરમાર સહિતના લોકોએ દાવેદારી નોંધાવી છે. અસારવા વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ પહોંચ્યા હતા.