Gujarat Election 2017 - ત્રણ આંદોલનકારી ત્રીપુટીથી કોને ફાયદો થશે?

Webdunia
બુધવાર, 29 નવેમ્બર 2017 (13:20 IST)
હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી રાજકારણમાં એન્ટ્રી કરવાની તક મળતા તેમણે લીધેલા નિર્ણયોને કારણે સમીકરણો બદલાઈ ગયા છે. તેમણે પોતાની ઈમેજ કેમ બદલી તેની પાછળ અનેક કારણો હોઈ શકે છે, પરંતુ આનાથી કોંગ્રેસને વધારે લાભ થાય તેમ લાગી નથી રહ્યું. અલ્પેશ રાધનપુરમાં કોંગ્રેસની ટિકિટ પર ઈલેક્શન લડશે,

જિગ્નેશ વડગામથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. જિગ્નેશને કોંગ્રેસનું સંપૂર્ણ સમર્થન છે, કારણકે વડગામની સીટ પર કોંગ્રેસનો એક પણ ઉમેદવાર ઉભો કરવામાં નથી આવ્યો. ઉંમર ઓછી હોવાને કારણે હાર્દિક ઈલેક્શન લડી શકે તેમ નથી. પરંતુ તેણે કોંગ્રેસને સમર્થન આપવાના સંકેત ઘણાં સમય પહેલાથી જ આપી દીધા હતા. હવે આ રમતમાં સત્તાપક્ષ ભાજપનું કામ શરુ થઈ ગયુ છે. હાર્દિક અથવા અલ્પેશ પાસે કોંગ્રેસ માટે જે વોટ હતા, ભાજપ હવે તેમને પોતાની તરફ ખેંચવાના પ્રયત્નોમાં લાગી ગયો છે. ભાજપ લોકો સમક્ષ આ પ્રકારે વાત મુકે છે કે, બન્ને નેતાઓએ શરુઆતમાં પોતાની ઈમેજ બનાવી હતી કે તે પર્સનલ એજન્ડા છોડીને પોતાના સમાજના હક માટે લડી રહ્યા છે. હવે આ બન્ને ચૂંટણીના સંગ્રામમાં કૂદી પડ્યા છે.જો પાટીદારોની વાત કરીએ તો પોતાના આક્રમક વલણથી તેમણે કોંગ્રેસના અમુક ઉમેદવારો બદલાવ્યા છે, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ આનાથી ઘણાં નારાજ છે. કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓ પાટીદાર ઉમેદવારો માટે કામ કરવા તૈયાર નથી. ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસ માટે કામ કરનારા કાર્યકર્તાઓનો ઉત્સાહ ઓછો થઈ ગયો છે. જિગ્નેશ મેવાણી પાસે હાર્દિક અને અલ્પેશ જેટલો વ્યાપક જનાધાર તો નથી, પણ પોતાની કમ્યૂનિકેશન સ્કિલ્સને કારણે તે જનતામાં ઘણો લોકપ્રિય છે. હવે વડગામના લોકો પણ મેવાણીને બહારની વ્યક્તિની જેમ જુએ છે, જેનાથી ભાજપને ફાયદો થઈ શકે છે.

સંબંધિત સમાચાર

Next Article