ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાની કુલ ૨૮ બેઠકો પણ બે બેઠકો પર સત્તામાં ઉલટભેર સિવાય ભાજપ અને કોંગ્રેસે બેઠકો જાળવી રાખી છે. ભાજપને કુલ ૨૨ અને કોંગ્રેસને ૬ બેઠક મળી છે. નિઝર બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે તો ધરમપુર બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી છે. જ્યારે સુરત શહેરની ૧૨ બેઠકો પર ભગવો લહેરાયો છે.
પાટીદાર ઇફેક્ટવાળી વરાછા, ઉત્તર, કરંજ અને કામરેજ બેઠક પર જોકે ભાજપની સરસાઇ ઘટી છે. ગુજરાતમાં પરિવર્તન કે પુનરાવર્તન ? તે આતુરતાનો અંત આવી ગયો છે. કુલ ૧૮૨ બેઠકોમાં જોકે, ગત ચૂંટણી કરતા ભાજપની બેઠકો ઘટીને ૯૯ સુધી સીમિત રહી છે. કોંગ્રેસને ૭૭ બેઠક મળી છે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં ભાજપ કોંગ્રેસને મળેલી બેઠકોનો આંકડો યથાવત રહયો છે. સુરત જિલ્લાની કુલ ૧૬ બેઠકો પૈકી એકમાત્ર માંડવી બેઠક કોંગ્રેસે આ વખતે પણ જાળવી રાખી છે. તે સિવાય તમામ ૧૫ બેઠક પર ભગવો લહેરાયો છે. આ પૈકી સુરત શહેરની ૧૨ બેઠકોમાં પાંચ બેઠક પર જીત મેળવવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો. પણ તેમાંથી એકેય બેઠક મળી શકી નથી. પાટીદાર ઇફેક્ટવાળી વરાછા, કામરેજ, કરંજ, ઉત્તર બેઠક પણ ભાજપે જાળવી રાખી છે. જોકે, જીતનો માર્જીન ગત ચૂંટણી કરતા અહી ઘટયો છે. તાપી જિલ્લાની બે બેઠકો પૈકી નિઝર બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી છે. અહી કોંગ્રેસને ગત ચૂંટણી કરતા ૨૬,૩૮૨ મતની વધારાની લીડ મળી છે. ગત ચૂંટણીમાં આ બેઠક ભાજપે આંચકી હતી. જ્યારે વ્યારા બેઠક કોંગ્રેસે જાળવી રાખી છે. ડાંગ જિલ્લામાં એક માત્ર બેઠક કોંગ્રેસે જાળવી રાખી છે. પણ ભારે રસાકસી વચ્ચ સરસાઇ માત્ર ૭૬૮ મતની રહી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને ૨,૪૨૨ મતની લીડ મળી હતી તેના કરતા પણ વધુ મતો આ વખતે ધોવાયા છતાં બેઠક બચાવી શકાઇ છે. નવસારી જિલ્લામાં કુલ ચાર બેઠકોમાંથી ભાજપ પાસેની ત્રણ બેઠકો પૈકી નવસારી, જલાલપોર કટોકટ રહે તેવી ધારણા વચ્ચે ભાજપે આ બેઠકો સહિત ગણદેવીની બેઠક પણ મોટી સરસાઇ સાથે જાળવી છે. જ્યારે વાંસદા બેઠક કબજે કરવાના દાવા છતાં ભાજપ આ બેઠક મેળવ શક્યું નથી. કોંગ્રેસે આ બેઠક જાળવી છે પણ ગત ચૂંટણી કરતા સરસાઇ ૬ હજાર મત જેટલી ઘટી છે.