જો મુસ્લિમોને યોગ્ય ટિકિટો મળે તો કોંગ્રેસ છોડીને ભાજપ તરફ વળી શકે

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2017 (11:40 IST)
ભાજપ અથવા કોંગ્રેસ જે પણ મુસ્લિમોને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧૮ ટિકિટ આપશે તેને સપોર્ટ કરવાની રાષ્ટ્રીય ઉલમા કાઉન્સિલે તૈયારી બતાવી છે. જો, બંને પક્ષમાંથી કોઈ પણ પક્ષ ૧૮ ટિકિટ મુસ્લિમોને નહીં આપે તો રાષ્ટ્રીય ઉલમા કાઉન્સિલ ચૂંટણી જંગમાં ઝંપલાવશે તેમ કાઉન્સિલના રાષ્ટ્રીય પ્રમુખ આમિર રશાદી મદનીએ જણાવ્યું હતું. જો, ભાજપ મુસ્લિમોને ૧૮ ટિકિટ આપશે તો મુસ્લિમો કોંગ્રેસ તરફથી હટીને ભાજપ તરફ વળવા માટે તૈયાર છે તેમ ઉમેર્યું હતું.

રાષ્ટ્રીય ઉલમા કાઉન્સિલના રાષ્ટ્રીય પ્રમુખ આમિર રશાદી મદનીએ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી છે પણ તેમાં મુસ્લિમો ક્યાંય નથી. મોદી દેશમાં ગુજરાત મોડેલ બતાવીને વડાપ્રધાન બન્યા પરંતુ અમદાવાદના વિસ્તારોમાં અમે ફર્યા ત્યારે અમને એવું કંઈ ખાસ જોવા મળ્યું નથી કે જે દેશના અન્ય શહેરોથી અલગ હોય. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમોને ૧૮ ટિકિટ આપવામાં આવે તેવી અમારી માંગણી છે. ભાજપ અથવા કોંગ્રેસ જે પણ મુસ્લિમોને ૧૮ ટિકીટ આપશે અમે તેને સપોર્ટ કરીશું. આમિર રશાદી મદની પર ભાજપના એજન્ટ હોવાની વાતો ફેલાઈ રહી છે તે અંગેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ૬૦ વર્ષથી અમારી પર કોંગ્રેસના એજન્ટ હોવાનો સિક્કો વાગ્યો હતો અને હવે ભાજપના એજન્ટ હોવાનો સિક્કો વાગ્યો છે. જો, મારા સમાજને લાભ થતો હોય તો મને ભાજપના એજન્ટ કહેવડાવવામાં કોઈ જ વાંધો નથી. ઉપરાંત ભાજપે મૌલવીઓને એજન્ટ તરીકે ગુજરાતમાં ઉતાર્યા હોવાના પ્રશ્નના ઉત્તરમાં આમિર રશાદી મદનીએ જણાવ્યું હતું કે, કોઈ પણ માણસ દોઢી અને ટોપી પહેરીને બહાર નિકળે તો તે મૌલવી નથી થઈ જતો. તેમણે કોંગ્રેસને આડેહાથે લેતા જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ માટે તેઓ અલગથી અનામતની વાતો કરી રહ્યા છે તો મુસ્લિમો માટે પણ આર્થિક આધાર પર અલગથી પેકેજ જાહેર કરવું જોઈએ. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જો ભાજપ મુસ્લિમોને ૧૮ ટિકિટો ફાળવશે તો મુસ્લિમો કોંગ્રેસ તરફથી હટીને ભાજપ તરફ આવવા તૈયાર છે. જો, ભાજપ અથવા કોંગ્રેસ તેમની માંગણી મુજબની મુસ્લિમોને ૧૮ ટિકીટો નહીં આપે તો ત્યાર બાદ રાષ્ટ્રીય ઉલમા કાઉન્સિલ ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવશે અને પોતાના ઉમેદવારો ઉભા રાખશે તેમ અંતમાં તેમણે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article