ગુજરાતની ચૂંટણીમાં મતદારે કોને મત આપ્યો તેની ખરાઈ કરતું મશીન મુકાવાની શક્યતા

Webdunia
સોમવાર, 24 એપ્રિલ 2017 (15:06 IST)
ગુજરાત વિધાનસભાની આવતી ચૂંટણીમાં પહેલી વાર મોટે ભાગે તમામ ૪૭,૭૦૦ મતદાન કેન્દ્રોમાં ‘વોટર્સ વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઈલ’ મશીનોનો ઉપયોગ થવાની શક્યતા છે. મતદાનની ખરાઈ માટેની આ પદ્ધતિ છે, જેમાં મતદાન કેન્દ્રમાં બેલેટ યુનિટ યાને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનની બાજુમાં આ મશીન મૂકવામાં આવશે. બેલેટ યુનિટમાં મતદાન કરવા માટે જે તે ઉમેદવાર સામેનું બટન મતદાર દબાવશે એ પછી બાજુના વોટર્સ વેરિફાયેબલ મશીનમાંથી એટીએમ મશીનની માફક એક સ્લીપ નીકળશે. આ સ્લીપ પારદર્શી કાચની અંદર હશે એટલે તેને ટચ કરી શકાશે નહીં. મતદારે જે ઉમેદવારને મત આપ્યો હશે તે ઉમેદવારનો ક્રમ તથા તેના રાજકીય પક્ષનું નિશાન એ સ્લીપમાં ડિસ્પ્લે થશે.

મતદાર ૭ સેકંડ સુધી તેનો મત યોગ્ય ઉમેદવારને પડયો છે કે, કેમ તેની ખરાઈ કરી શકશે, એટલે કે, વોટર વેરિફાયેબલ મશીન ૭ સેકંડ સુધી મતદારનો મત બતાવશે. સાત સેકંડ બાદ વોટર વેરિફાયેબલ મશીનમાંથી જનરેટ થયેલી સ્લીપ મશીનના અંદરના સીલ્ડ ડબ્બામા પડશે. આ સ્લીપ મતદારને મળશે નહીં.   વોટર વેરિફાયેબલ મશીનનો હેતુ મતદારને સંતોષ આપવાનો છે. તેણે આપેલો વોટ તેની પસંદગીના ઉમેદવારને પડયો છે કે કેમ તે બાબતથી મતદાર અવગત થશે. તદઉપરાંત જ્યારે પણ વિવાદ ઊઠે ત્યારે વોટર્સ વેરિફાયેબલ મશીનમાં પડેલા મતો ગણી શકાશે. વોટર્સ વેરિફાયેબલ મશીન એ વોટિંગ ચકાસણી માટેનો ત્રીજો ચેક છે. મતદાનમાં ગરબડ થઈ હોય કે બૂથ કેપ્ચરિંગ થયું હોય તેવા કિસ્સામાં આ ત્રીજો એક મહત્ત્વનો બની રહેશે.  
Next Article