નવી યોજનાઓની જાહેરાતમાં મોદીને આગળ કરીને ભાજપ ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે

Webdunia
મંગળવાર, 28 માર્ચ 2017 (17:10 IST)
ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણીઓની વાતો વહેતી થઇ છે ત્યારે ભાજપ માટે ચૂંટણી લડવા હાલ કોઇ ચહેરો નથી પરિણામે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ યુપીની જેમ ગુજરાતમાં પણ ચૂંટણી મેદાને ઉતરવુ પડે તેમ છે. આ કારણોસર નરેન્દ્ર મોદી પ્લાનિંગ સાથે ચૂંટણી મેદાને ઉતરશે. સુત્રોનું કહેવું છેકે, રાજકોટમાં એરપોર્ટ,એઇમ્સ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સૌની યોજના સહિતની ઘણી નવી યોજના જાહેર કરીને ભાજપ નરેન્દ્ર મોદીને આગળ ધરીને ગુજરાતમાં ચૂંટણીપ્રચારનું રણશિંગુ ફુંકવા માંગે છે.

ગુજરાતમાં યુપીના પરિણામો આધારે ચૂંટણી જીતી શકાય તેમ નથી તેવુ ખુદ ભાજપના નેતાઓ માની રહ્યાં છે. આ ઉપરાંત મુસ્લિમ-હિન્દુ મતોના ભાગલા પાડવા માટે ચોક્કસ મુદ્દો નથી . સરકારી યોજનાથી પણ ગુજરાતના મતદારોને ભોળવી શકાય તેમ નથી. આ સંજોગોમાં ભાજપ સરકાર સામે પણ ઘણાં પડકારો છે ત્યારે ભાજપ માટે હવે ગુજરાતમાં મોદી લહેર ઉભી કર્યા સિવાય છૂટકો નથી. વિધાનસભાની ચૂંટણીઓને જોતાં હવે નરેન્દ્ર મોદીએ ગુજરાતને લક્ષ્ય બનાવ્યું છે. ભાજપને ૧૫૦ બેઠકોનો લક્ષ્ય અપાયો છે જેના ભાગરૃપે નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં ગુજરાત ઘમરોળી શકે છે . નરેન્દ્ર મોદી છ મોટી યોજનાનો પ્રારંભ કરશે જેમાં રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની જાહેરાત થઇ શકે છે . કેન્દ્રીય એવિએશન વિભાગમાં દરખાસ્ત સુધ્ધાં મોકલી દેવાઇ છે. રાજકોટમાં જ એઇમ્સનું શિલાન્યાસ પણ થઇ શકે છે. આ ઉપરાંત નર્મદાના દરવાજા નાંખીને નરેન્દ્ર મોદી ગુજરાતની જીવાદોરીનો રાજકીય લાભ ઉઠાવી શકે છે. ઘોઘા દહેજ ફેરી સર્વિસનું પણ મોદીના હસ્તે જ પ્રારંભ કરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં ટેક્સટાઇલ્સની બાયર સેલર મીટ યોજાઇ રહી છે જેમાં પણ નરેન્દ્ર મોદી આવી શકે છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજનાનો પણ મોદીના હસ્તે ઉદઘાટન કરાવાશે. આમ, પ્રજાકીય નવી યોજનાનો થકી ભાજપ ગુજરાતમાં મોદી લહેર ઉભી કરીને પ્રજાની સહાનુભૂતિ મેળવશે.આમ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રાજકીય અફવાઓ વચ્ચે મોદીના ગુજરાતના આંટાફેરા વધશે.
Next Article