આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂટણી નહીં લડે એવી ચર્ચાઓ સુત્રોમાં થઈ રહી છે. આ પહેલાં પાર્ટીએ ચૂંટણી લડવાની તૈયારી સંદર્ભે ગુજરાતમાં એક મોટી રેલી યોજી અને ચૂંટણી લડવાની જાહેરાત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે મોડી રાત સુધી પાર્ટીના ગુજરાતનાં નેતાઓ અને ગુજરાતના પ્રભારી ગોપાલ રાય વચ્ચે મિટીંગ યોજાઇ હતી. ગુજરાતનાં નેતાઓએ અરવિંદ કેજરીવાલને ગુજરાતની બધી વિધાનસભા સીટોનો રિપોર્ટ પણ આપ્યો છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર લાંબી ચર્ચાને અંતે લગભગ બધાં નેતાઓ એ વાતે સહમત હતાં કે ગુજરાત વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી હિતાવહ છે. બુધવારે ગુજરાતથી આવેલાં ‘આપ’નાં 15 નેતાઓ સાથે પાર્ટીના અન્ય મોટા નેતાઓ ગોપાલ રાય, આશીષ ખેતાન અને આશુતોષની મીટિંગ યોજાઇ હતી. સૂત્રો અનુસાર તેમણે ગુજરાતથી આવેલા નેતાઓનો કહ્યું કે જો ગુજરાતના આમ આદમી પાર્ટીનાં નેતાઓને લાગતું હોય કે રાજ્યમાં ‘આપ’ની સરકાર બની શકે છે તો પાર્ટીએ ચૂંટણી લડવી જોઇએ. ચૂંટણી ન લડવાની વાત ઉપર ‘આપ’ ના કેટલાંક ગુજરાતનાં નેતાઓેએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. પરંતુ પછી ચર્ચા બાદ તમામ પરિસ્થિતીઓ પર વિચાર કરતાં છેલ્લે નિર્ણય લેવાયો કે પાર્ટીએ દિલ્હી અને પંજાબનાં અનુભવ પરથી શીખવાની જરૂર છે. સાથે જે ચૂંટણી લડવાની જલ્દી કર્યા કરતાં સંગઠન ઉભું કરી તેને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.