પત્નીએ કમાણી માટે સ્ત્રી બીજ ડોનેટ કર્યા, સાસુએ પતિને ધમકી આપી, જો કોઈને વાત કરી તો જાનથી મરાવી નાંખીશ

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2023 (17:29 IST)
અમદાવાદમાં પતિ પત્ની વચ્ચેના વિવાદો અવારનવાર મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. કેટલાક કિસ્સાઓ એવા હોય છે જેનાથી ઘર સંસાર તૂટવાની અણી પર આવી જાય છે. ત્યારે અમદાવાદમાં એક અલગ પ્રકારનો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક મહિલાએ સ્ત્રી બીજ ડોનેટ કરીને કમાણી કરવાની વાત તેના પતિથી છુપાવી હતી. તેણે આ માટે તેના આધારકાર્ડમાં છેડછાડ કરીને નવું આધારકાર્ડ બનાવી દીધું હતું. પત્નીની આ વાત જાણી ગયેલા પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા યુવકે તેની પત્ની સામે ફરિયાદ કરી છે. તેની પત્નીએ મોજશોખ પુરા કરવા કમાણી માટે સ્ત્રીબીજ ડોનેટ કરવા પોતાના આધારકાર્ડમાં છેડછાડ કરીને નવું આધારકાર્ડ બનાવી દીધું હતું. પત્નીએ એક હોસ્પિટલમાં સાક્ષી તરીકે તેના પતિની ખોટી સહી પણ કરી હોવાનું જાણવા મળ્યું ત્યારે પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.  તેણે આ બાબતે પત્નીને પૂછતાં જ તે ઉશ્કેરાઈ ગઈ હતી અને ઝગડો કરવા લાગી હતી. બીજી તરફ પતિને તેના સાસુએ એવી ધમકી આપી હતી કે, આ વાત કોઈને કરીશ તો છોકરા પાસે જાનતી મારી નાંખીશ.  
 
પત્ની સામે ફરિચાદ કરનાર યુવકના લગ્નના પાંચેક વર્ષ સુધી તેની પત્ની તેની સાથે સારી રીતે રહી હતી. જો કે બાદમાં તેના માતા પિતાને હેરાન પરેશાન કરતા બંન્ને વચ્ચે માથાકુટ શરૂ થઈ હતી. જ્યારે ફરિયાદીની પત્નીએ તેના માતા પિતાના ઘરની આસપાસમાં ભાડે રહેવા માટેની જીદ કરતાં ફરિયાદી યુવક ભાડે રહેવા માટે ગયા હતાં. પત્ની સાથેના સંબંધમાં સુધાર લાવવા માટે પતિએ તેમનો પગાર પણ પત્નીને આપી દેવાનું શરુ કર્યું હતું. જો કે તેની પત્ની બચત કરવાને બદલે હરવા-ફરવામાં ખર્ચો કરી નાંખતી હતી. 
 
નાની નાની બાબતોમાં ઘરકંકાસ થવાને કારણે ફરિયાદી યુવક ઘરેથી નીકળીને તેમના માતા પિતા સાથે રહેવા માટે જતો રહ્યો હતો. જેથી તેની પત્નીએ તેની સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. કોર્ટમાં ભરણ પોષણ માટેનો દાવો પણ કર્યો હતો. જો કે વર્ષ 2022માં બંન્ને વચ્ચે સમાધાન થતાં તેઓ સાથે રહેવા લાગ્યા હતાં. બાદમાં ફરિયાદીને જાણવા મળ્યું હતું કે વર્ષ 2019 થી 2022 સુધીમાં તેના પત્ની એજન્ટ મારફતે સ્ત્રીબીજ ડોનર તરીકે કામ કરતી હતી. આઇવીએફ સેન્ટરમાં પણ તે સ્ત્રીબીજ ડોનર તરીકે જતી હતી.અલગ અલગ હોસ્પિટલમાં તેણે સ્ત્રીબીજ ડોનેટ પણ કર્યાં છે. 
 
સ્ત્રીબીજની વાતને લઈને ફરિયાદી યુવકે તેની પત્નીને વાતચીત કરતા તે એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેની માતાને બોલાવી હતી. જેમણે ફરિયાદીને ધમકી આપી હતી કે આ બધી વાત ઘરમાં જ રહેવા દેજો, જો પોલીસ ફરિયાદ કરી તો મારા દીકરા ના હાથે તને મારી નંખાવીશ. અગાઉ પણ ફરિયાદી યુવકને સાસરિયાઓએ માર માર્યો હોવાથી તેઓ કાંઇ બોલ્યા ના હતાં. આમ આ તમામ બાબતની જાણ તેને થઇ જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપતા અંતે યુવકએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

Next Article