અમદાવાદમાં સાસરીમાં રહેતી મહિલાની માતાની તબિયત ખરાબ હોવાથી તે પિયરમાં માતાની ખબર પૂછીને પરત સાસરીમાં આવી ત્યારે પતિ સહિત સાસરિયાઓએ 14 માસના બાળકને છીનવી લઈને ઘરમાંથી બહાર કાઢી મુકીને છુટાછેડા માંગ્યા હતાં.
જેથી મહિલાએ અભયમની મદદ માંગી હતી. અભયમની ટીમે પત્નીને સાંત્વના આપીને પતિ સહિત સાસરિયાઓનું કાઉન્સેલિંગ કરીને કાયદાકીય માહિતી આપી હતી.એક યુવતીએ અભયમની ટીમને ફોન કરીને જણાવ્યું હતું કે, મારી માતા બીમાર હોવાથી તેની ખબર પૂછવા માટે પિયરમાં ગઈ હતી અને પરત સાસરીમાં આવી તો પતિ સહિત સાસરિયાઓએ 14 મહિનાના બાળકને છીનવીને ઘરમાંથી કાઢી મુકી હતી અને છુટાછેડા માંગી રહ્યાં છે. કોલ મળતાની સાથે અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે યુવતીની પુછપરછ કરી હતી ત્યારે જાણવા મળ્યું કે બે વર્ષ પહેલાં યુવતીના લગ્ન થયાં હતાં અને લગ્નજીવનમાં 14 મહિનાનું બાળક છે.લગ્ન બાદ પતિ સહિત સાસરિયાઓ માનસિક ત્રાસ આપવા લાગ્યા હતાં. એટલું જ નહીં પિયર પણ જવા દેતા નહોતા. પિયર જવું હોય તો બાળકને સાસરીમાં મુકીને જ જવા દેતા હતાં એક દિવસ માતાની તબિયત ખરાબ થઈ હોવાની જાણ થતાં મહિલા માતાની ખબર પૂછવા પિયર ગઈ હતી અને સાંજે સાસરીમાં પરત ફરી તો પતિ સહિત સાસરિયાઓએ બાળકને છીનવીને તારે ઘરે આવવાનું નહીં કહીને ઘરમાંથી કાઢી મુકી હતી. તેમજ છુટા છેડા માટે દબાણ કરી રહ્યાં હતાં.આ સાંભળીને અભયમની ટીમે મહિલાને સાંત્વના આપી હતી.બીજી બાજુ પતિ સહિત સાસરિયાઓનું કાઉન્સેલિંગ કરી કાયદાકિય માહિતી આપી હતી. જેના પગલે પતિ સહિત સાસરિયાઓને તેમની ભુલ સમજાઈ હતી અને મહિલાની માફી પણ માંગી હતી. તે સાથે બાંહેધરી પણ આપી હતી કે, હવે ફરી વખત તેને હેરાન નહીં કરે. યુવતીએ તેનો સંસાર બચતાં હેલ્પલાઈનની ટીમનો આભાર માન્યો હતો.