ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ક્રિકેટની સાથે ઘોડેસવારીનો પણ શોખીન છે. જ્યારે પણ જાડેજાની ક્રિકેટ ટુર્નામેન્ટ નથી હોતી ત્યારે તે પોતાના ફાર્મ હાઉસમાં સમય વિતાવે છે. અહીં તે ઘોડા પર સવાર થઈને પરિવાર સાથે સમય વિતાવે છે. હવે તેમની પત્ની રીવાબા પણ ઘોડાઓ સાથે સમય પસાર કરવા લાગી છે. આ અંગે રીવાબાએ એક સમાચારપત્રને જણાવ્યું હતું કે મેં રવિન્દ્રનો શોખ અપનાવવાનું શરૂ કર્યું છે અને તેથી જ હું તેમની પાસેથી ઘોડેસવારી શીખી રહી છું.
રીવાબાએ વધુમાં જણાવ્યું કે, મેં તાજેતરમાં ઘોડેસવારી શીખવાનું શરૂ કર્યું છે. જ્યારે પણ અમે ફાર્મહાઉસ પર સાથે હોઈએ ત્યારે રવિન્દ્ર મને ઘોડેસવારી તાલીમ આપે છે. હવે બહુ ઓછા લોકો છે, જેઓ પોતાની સંસ્કૃતિને આગળ ધપાવે છે. જો કે, ટીમ ઈન્ડિયામાં માત્ર બે જ ખેલાડી છે, જે ઘોડેસવારીનો શોખીન છે. એક શિખર ધવન અને બીજો મારા પતિ. શિખર ધવને પણ અમારી સાથે ઘોડેસવારી કરવાનું વચન આપ્યું છે. અત્યારે હું ઘોડાઓની વર્તણૂક જાણવાનો પણ પ્રયાસ કરી રહ્યો છું, જેથી તેઓ સારી રીતે સવારી કરી શકે.
રવિન્દ્ર જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે બે ઘોડા સાથે જોવા મળી રહ્યા છે. શિખર ધવને આ જ ફોટો પર કોમેન્ટ કરીને રવિન્દ્ર જાડેજા સાથે ઘોડા પર સવારી કરવાનું વચન આપ્યું છે. જાડેજાના આ ફોટો પર કમેન્ટ કરતાં શિખર ધવને લખ્યું કે અમે સાથે રાઈડ કરીશું, પરંતુ કોરોના વાયરસને કારણે સ્થિતિ સારી થઈ જાય પછી.
રવિન્દ્રનો પ્રિય ઘોડો 'વીર' 20 એપ્રિલ, 2021ના રોજ IPL દરમિયાન મૃત્યુ પામ્યો હતો. આ દરમિયાન રવિન્દ્ર IPL ટૂર્નામેન્ટમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ તરફથી રમી રહ્યો હતો. જાડેજાએ સોશિયલ મીડિયા પર તેના મિત્ર 'વીર' (ઘોડા) સાથેની તસવીરો શેર કરી અને લખ્યું કે હું મારી સારી યાદોને હંમેશા યાદ રાખીશ. આ યાદગાર સમય ક્યારેય ભૂલાશે નહીં. માય ડિયર 'વીર' તું હંમેશા મારા ફેવરિટ માંથી એક રહેશે.