IND vs IRE 2nd T20 : ભારતીય ટીમ હાલ આયરલેન્ડના પ્રવાસે છે. જ્યાં ટીમ ઈન્ડિયા અને આયરિશ ટીમ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમાઈ રહી છે. આ શ્રેણીની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને 33 રને હરાવ્યું હતું. આ મેચમાં જીતની સાથે ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી પણ જીતી લીધી છે. ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં હવે 2-0થી આગળ છે. જો કે બંને ટીમ વચ્ચે હજુ વધુ એક T20 મેચ રમવાની બાકી છે. બુમરાહની કપ્તાનીમાં યુવા ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડ સામેની આ શ્રેણી જીતી છે.
કેવી રહી આજની મેચ
ભારત અને આયરલેન્ડ વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં આયરલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ ઈન્ડિયા તરફથી ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 58 રનની ઈનિંગ્સ રમી હતી. ગાયકવાડ ઉપરાંત રિંકુ સિંહે પણ પોતાની ડેબ્યૂ ઇનિંગમાં બધાને પ્રભાવિત કર્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે ભારતીય ટીમ આયરલેન્ડને કોઈ ખાસ ટારગેટ આપી શકશે નહીં. પરંતુ ફાઈનલમાં રિંકુ સિંહે શાનદાર ઈનિંગ રમી અને માત્ર 21 બોલમાં 38 રન બનાવી ટીમ ઈન્ડિયાને મોટા ટોટલ સુધી લઈ ગયા
બીજા દાવમાં બોલરોએ કરી કમાલ
મેચની બીજી ઇનિંગમાં ભારતીય બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. આયરલેન્ડને જીતવા માટે 186 રનની જરૂર હતી. પરંતુ તેઓ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 152 રન જ બનાવી શક્યા અને ટીમ ઈન્ડિયાએ 33 રનથી મેચ જીતી લીધી. બીજી ઈનિંગમાં જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રીષ્ણા અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહને એક વિકેટ મળી હતી. ટીમ ઈન્ડિયાની જીતમાં રિંકુનો ફાળો ઘણો મહત્વનો હતો. તેની ઈનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. રિંકુએ પોતાની પહેલી જ ઇનિંગમાં આ ટાઇટલ જીત્યું હતું.