ઑસ્ટ્રેલિયાએ ભારતને વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વનડેમાં 10 વિકેટના મોટા અંતરથી શરમજનક રીતે હરાવ્યું છે. ઑસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડ (30 બૉલ, 51 રન) અને મિચૅલ માર્શે (36 બૉલ, 66 રન) ભારત તરફથી મળેલા 118 રનના લક્ષ્યાંકને 11મી ઓવરમાં જ પૂર્ણ કરી લીધો હતો.
ઑસ્ટ્રેલિયા જ્યારે જીત્યું ત્યારે ઇનિંગમાં 234 બૉલ બાકી હતા. બાકી બૉલની દૃષ્ટિએ ભારતનો આ સૌથી મોટો પરાજય છે.
100 ઓવરની આ મૅચ માત્ર 37 ઓવરમાં પૂર્ણ થઈ ગઈ. ભારતીય ટીમ માત્ર 26 ઓવર રમી શકી હતી. જ્યારે ઑસ્ટ્રેલિયન ટીમે 11 ઓવરમાં લક્ષ્યાંક પાર પાડ્યો હતો.
આ સાથે જ ઑસ્ટ્રેલિયાએ ત્રણ મૅચોની સિરીઝમાં 1-1થી બરાબરી હાંસલ કરી લીધી છે.
ભારતીય ટીમનો નિષ્ફળ ટૉપ-ઑર્ડર
ભારતના બૅટર્સ ઑસ્ટ્રેલિયાના બૉલર્સ સામે ધ્વસ્ત થતા જોવા મળ્યા. ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવ સ્મિથે ટૉસ જીતીને ભારતને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું.
ભારતના ચાર બેટર્સ જ બે અંકોના સ્કોર સુધી પહોંચી શક્યા. જ્યારે ચાર બૅટર્સ શૂન્ય રન પર આઉટ થયા.
પ્રથમ વનડે ન રમનારા કૅપ્ટન રોહિત શર્મા અને અનુભવી વિરાટ કોહલી પર ઇનિંગ સંભાળવાની જવાબદારી આવી.
આ બંનેએ બીજી વિકેટ માટે 29 રન જોડ્યા. પણ 13 રનના અંગત સ્કોર પર રોહિત શર્મા આઉટ થઈ ગયા.
સૂર્યકુમાર યાદવની વનડેમાં નિષ્ફળતા આ મૅચમાં પણ યથાવત્ રહી. તેઓ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન ભેગા થયા.
ગઈ મૅચના હીરો કે એલ રાહુલ પણ સારું પ્રદર્શન ન આપી શક્યા. તેઓ માત્ર નવ રન બનાવીને આઉટ થઈ ગયા.
હાર્દિક પંડ્યાએ પણ સ્કોરરને વધુ પરેશાન ન કર્યા. તેમના બૅટથી માત્ર એક રન મળ્યો. ભારતે 49 રન પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને છેલ્લે સુધી ક્રીઝ પર ટકીને રહેલા અક્ષર પટેલના કારણે ભારતીય ટીમ 117 રન સુધી પહોંચી પણ તેમને સામેના છેડેથી સાથ ન મળતા ટીમ ઑલઆઉટ થઈ ગઈ હતી.
ઘરેલુ ગ્રાઉન્ડ પર ચોથો સૌથી ઓછો સ્કોર
વિશાખાપટ્ટનમ વનડેમાં બનાવવામાં આવેલા 117 રન ભારતીય ટીમ માટે ઘરેલુ મેદાન પર ચોથો સૌથી ઓછો સ્કોર છે.
ઘરેલુ મેદાન પર ભારતીય ટીમનો સૌથી ઓછો સ્કોર ડિસેમ્બર 1986માં હતો. તે સમયે શ્રીલંકા વિરુદ્ધ કાનપુર વનડેમાં ભારતીય ટીમ 78 રન બનાવી શકી હતી.
નવેમ્બર 1993માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ અમદાવાદ વનડેમાં ભારતીય ટીમ 100 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.
ડિસેમ્બર 2017માં શ્રીલંકા વિરુદ્ધ ધર્મશાલા વનડેમાં ભારતીય ટીમે 112 રન બનાવ્યા હતા.
રોહિત શર્માએ શું નિવેદન આપ્યું?
ભારતના કૅપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તેમની ટીમ પ્રતિભા મુજબ પ્રદર્શન આપી શકી નહીં.
તેમણે કહ્યું, "આ માત્ર 117 રન બનાવવાની પીચ નથી. જ્યારે હું વિરાટ કોહલી સાથે બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે અમને લાગ્યું કે અમે વિરોધીઓ પર દબાણ ઊભું કરી શકીએ છીએ પણ પછી હું આઉટ થઈ ગયો. ત્યાર બાદ અમે સારું ન રમી શક્યા. આજે અમારો દિવસ જ ખરાબ હતો."
રોહિત શર્માએ કહ્યું, "અમે તેમના બૉલર્સ પાસેથી શ્રેય લેવા માગતા નથી. તેમણે સારી બૉલિંગ કરી."
ભારતની પાંચ વિકેટ લેનારા 'પ્લેયર ઑફ ધ મૅચ' મિચૅલ સ્ટાર્કે કહ્યું કે તેઓ પોતાના પ્રદર્શનથી ખુશ છે.
ઑસ્ટ્રેલિયન બૉલર્સ ભારતીય બૅટર્સ પર એ હદે દબાણ ઊભું કરવામાં સફળ રહ્યા કે ભારતીય ટીમ માત્ર 26 ઓવરમાં જ સમેટાઈ ગઈ.
ભારત તરફથી સૌથી વધુ 31 રન વિરાટ કોહલીએ બનાવ્યા. અક્ષર પટેલ 29 રન બનાવીને અણનમ રહ્યા.
ઑસ્ટ્રેલિયા માટે મિચૅલ સ્ટાર્કે 53 રન આપીને પાંચ વિકેટ ખેરવી. સીન એબૉટે 23 રન આપીને બે વિકેટ લીધી.
સીન એબૉટે કહ્યું, "પીચથી બૉલિંગમાં મદદ મળી રહી હતી. મને લાગે છે કે સ્ટાર્કે ટોન સેટ કરી લીધો હતો. અમે તેમને પહેલાં પણ આમ કરતા જોયા છે."