મંગળવારે સવારે સીરમ ઇંસ્ટીટ્યૂટથી રવાના થયેલી વેક્સીન અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગઇ છે. નાયબ મુખ્ય મંત્રી નિતિન પટેલ અને સ્વાસ્થ્ય સચિવ જયંતિ રવિ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. પહેલાં પૂજા કરવામાં આવી હતી. કંકુ ચોખા વડે પૂજા કર્યા બાદ વેક્સીનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ હતી. આ ઉપરાંત સાકરનો પ્રસાદ પણ ધરાવાયો હતો. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે બધુ શુભ શુભ થઈ જાય, લોકોને આ સંકટમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરીને વેક્સીન (corona vaccine) ને સ્ટોરેજ સેન્ટર તરફ રવાના કરાઈ હતી. વેક્સીનના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પૂણે એરપોર્ટ પરથી વેક્સીનના 487 બોક્સ દેશના 13 શહેરોમાં પહોંચશે.
વેક્સીનના બોક્સ પર સંસ્કૃતમાં મેસેજ લખાયેલો છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટમાંથી આવેલી કોરોના વેક્સીનના બોક્સ પર સર્વે સંતુ નિરામયા લખાયેલું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તમામ રસીનો જથ્થો લાવવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલીઝંડી આપીને કોરોના વેક્સીનને રવાના કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના વેક્સીનના 23 બોક્સ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. કુલ 2 લાખ 76 હજાર ડોઝ અમદાવાદ આવશે. 735 કિલોગ્રામ રસીનો પહેલો જથ્થો અમદાવાદ પહોંચશે. અમદાવાદ,
ભાવનગર, ગાંધીનગર ઝોનમાં વહેંચણી કરાશે. અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવાશે.
ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે પૂણેથી એર ઇન્ડીયા, સ્પાઇજેટ, ગોએર અને ઇન્ડીંયો એરલાઇન્સની 9 ફ્લાઇટ્સ દ્વારા વેક્સીનના 56.5 લાખ ડોઝ અલગ-અલગ શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે. આ શહેર દિલ્હી, ચેન્નઇ, કલકત્તા, ગુવાહાટી, શિલોંગ, અમદાવાદ, હૈદ્રાબાદ, વિજયવાડા, ભૂવનેશ્વર, પટના, બેંગલુરૂ, લખનઉ અને ચંદીગઢ છે.