કોરોના વાયરસ મામલે હવે ગુજરાત સરકાર ગંભીર બની છે અને રાજ્યભરમાં એપિડેમિક ડિસિસ એક્ટ 1897 લાગુ કરી દેવાયો છે અને હવેથી વિદેશથી આવેલી કોઈપણ વ્યક્તિ ને 14 દિવસ સુધી ઘર બહાર નીકળી શકશે નહી અને જો આવી વ્યક્તિ ઘર બહાર નીકળશે તો અને મ્યુનિ. હેલ્થ વિભાગને તે અંગે ફરિયાદ મળશે તો તેની સામે મ્યુનિ. કાર્યવાહી કરશે. વિદેશ આવનાર વ્યક્તિને કોરોનટાઇન (અલાયદા) રાખવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવાશે.
ચીન, જાપાન, ઈટાલી, ફ્રાન્સ, સ્પેન, કોરિયા, ઇરાન સહિતના દેશમાંથી આવનારા અને 60 વર્ષથી ઉપરની વયજૂથના વ્યક્તિઓ બીમાર હોય કે ન હોય તો પણ એડમિટ કરી દેવામાં આવશે અને ડાયાબિટીસ કે હાઇપર ટેન્શનની બીમારી હશે તો તેમને પણ સિવિલ હોસ્પિટલમાં 14 દિવસ સુધી રાખવામાં આવશે. આ ઉપરાંત વિદેશથી અહીં આવેલા દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં પણ સ્વજનોથી અંતર રાખવું પડશે.
ઘરની અંદર કે બહારના વ્યક્તિઓ સાથે સંપર્ક કરી શકશે નહીં. આ ગાઇડલાઇન્સનું પાલન નહીં કરનારને કલમ 188 મુજબ ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. આ બાબતનું ધ્યાન રાખવાની જવાબદારી પણ મ્યુનિ. હેલ્થ વિભાગના અધિકારીને અપાઇ છે. આમ કોરોના મામલે હવે સરકાર ગંભીર બની છે અને શક્ય તેટલા આગોતરા પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે.
સ્કુલ, કોલેજ, મોલ-મલ્ટીપ્લેક્સ અને સ્વિમિંગ પુલ બે અઠવાડિયા સુધી રહેશે બંધ
ગુજરાતના આરોગ્ય કમિશનર અને મુખ્ય સચિવ અનિલ મુકમે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં સોમવાર એટલે કે તારીખ 16 માર્ચથી 31 માર્ચ સુધી તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ કરાયો છે. સાથે જ તેઓએ કહ્યું કે, મોલ-મલ્ટીપ્લેક્સ અને સ્વિમિંગ પુલ પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવા માટે આદેશ કરાયો છે. ધાર્મિક સંસ્થાઓને પણ લોકોને ભેગાં થાય તેવાં કાર્યક્રમો ન કરવા માટે અપલી કરવામાં આવી છે. આંગણવાડી પણ બે અઠવાડિયા સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.
જો કે શિક્ષકો અને સ્ટાફે ઓફિસમાં હાજર રહેવું પડશે તેવો પણ આદેશ સરકારે કર્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. સાથે જ આરોગ્ય કમિશનરે લોકોને સાવચેત રહેવા અને ભીડભાડવાળી જગ્યાઓએ ન જવા લોકો ને અપીલ કરવામાં આવી રહી છે.