ગુજરાતમાં ફરી એકવાર કોરોનાની લહેર શરૂ થઇ ગઇ છે. અમદાવાદ સહિત ગુજરાતના કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકોમાં ભયનો માહોલ છે. પરંતુ તેમછતાં કેટલાક લોકો બિન્દાસ માસ્ક પહેર્યા વિના ટોળા વળીને ફરી થયા છે. આવા લોકો સરકાર દ્વારા બહાર પાડેલી કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવી રહ્યા છે.
અમદાવાદ જિલ્લામાં આજે નવા 361 કેસ નોંધાયા જેમાં શહેરમાં 337 કેસ સામે આવ્યા છે. તો શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી મૃત્યુઆંક વધી રહ્યો છે જે ચિંતાનો વિષય છે. અમદાવાદમાં આજે નવા 12 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 2016 પર પહોંચી ગયો છે.
કોરોનાની ગાઇડલાઇનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક ન પહેરનાર વિરૂદ્ધ દંડની જોગવાઇ પણ છે. તેમછતાં કેટલાક લોકો નાક નીચે માસ્ક પહેરીને ફરતા જોવા મળે છે. તો કેટલાક માસ્ક પહેર્યા વિના ખરીદી કરવા નિકળી પડે છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં માસ્ક વિના ફરતાં 958 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 6 નાગરીકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં અને 41 લોકોને સમરસ હોસ્ટેલમાં સારવાર હેઠળ દાખલ કરાયાં હતાં.
એક જ દિવસમાં માસ્ક વગર ફરી રહેલા 1064 લોકો પાસેથી પોલીસે રૂ.10.64 લાખનો દંડ વસૂલ કર્યો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં બિનજરૂરી ફરવા નીકળેલા 82 માણસોની પોલીસે ધરપકડ કરી કર્ફ્યૂ ભંગના 78 કેસ નોંધવામાં આવ્યા હતા. .અમદાવાદમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તેનાથી બચવા માટે માસ્ક એકમાત્ર ઉપાય છે, જેથી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરીજનોને અપીલ કરી છે કે, કોરોનાથી બચવા માટે મહેરબાની કરીને માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ન નીકળો.
કેસ વધવાની સાથે અમદાવાદમાં કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યામાં મોટો વધારો થયો છે. હવે શહેરમાં માઇક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનની સંખ્યા 250ની ઉપર પહોંચી ગઈ છે. 30 વિસ્કાર માઇક્રો કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાં મુકાયા છે. આ સાથે શહેરમાં કન્ટેઈન્ટમેન્ટ ઝોનની સંખ્યા વધીને 256 થઈ ગઈ છે. અમદાવાદના ગોતા, બોડકદેવ, ચાંદલોડિયા વિસ્તારમાં માઇક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનની સંખ્યા ખુબ વધી છે.
રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા 14529 છે, જેમાં 92 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 1 લાખ85 હજાર 58 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં 75 લાખ 51 હજાર 609 કોરોના ટેસ્ટ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 90.93 ટકા છે. તો ગુજરાતમાં 5 લાખ 5 હજાર 648 લોકો ક્વોરેન્ટાઈન છે.