ફિલ્મ ઈંડસ્ટ્રીમાંથી સતત છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. હાલમાં દરેકની નજર સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયન કેસ પર છે. દરમિયાન ગઈકાલે 6 ઓગસ્ટના રોજ 'ક્યુ કિ સાસ ભી કભી બહુ થી' ફેમ ટીવી એક્ટર સમીર શર્માના આપઘાતથી બધાને આશ્ચર્ય થયું હતું. હવે આજે ભોજપુરી અભિનેત્રી અનુપમા પાઠકની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા છે. માત્ર 40 વર્ષની ઉંમરે અનુપમા પાઠકે આ દુનિયાને અલવિદા કહ્યું. ન્યુઝ એજન્સીના ટ્વીટ મુજબ તેણે મુંબઇમાં તેના ફ્લેટ પર ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. અનુપમાની લાશ મુંબઇના દહિસરમાં તેના ઘરે લટકતી મળી હતી. અનુપમાએ તેના મૃત્યુના એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર લાઇવ પર પોતાના ફેંસ સાથે વાત કરી હતી.
અહેવાલો અનુસાર અનુપમાના ફ્લેટમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે આ પગલુ ભરવાના બે કારણો આપ્યા છે. આ સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે, 'મેં મારા એક મિત્રની વિનંતીથી મલાડની વિઝડમ પ્રોડ્યુસર કંપનીમાં 10,000 રૂપિયા રોક્યા હતા. ડિસેમ્બર 2019 માં કંપનીએ મારા પૈસા પાછા આપવાના હતા. કંપની મારા પૈસા પરત કરવામાં આનાકાની કરી રહી છે.
અનુપમાએ પોતાના નિધન પહેલા.અંતિમ વખત તેના ફેન્સ સાથે ફેસબુક લાઇવ પર ઘણી બધી વસ્તુઓ શેર કરી હતી તેણે ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો જે લોકો સામાન્ય રીતે કોઈના મરણ પછી કરે છે. તેણે વીડિયોમાં જણાવ્યું હતું કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને હવે તે કોઈ પર વિશ્વાસ કરી શકશે નહીં.
અનુપમાએ ફેસબુક લાઇવમાં કહ્યું હતું કે, 'જો તમે કોઈ પર વિશ્વાસ કરો છો અને તેને તમારી સમસ્યા જણાવો છો કે તમે તમારો જીવ આપવાનો વિચાર કરી રહ્યા છો, તો પછી ભલે એ ગમે તેટલો સારો મિત્ર કેમ ન હોય તે તમારાથી દૂર રહેવુ જ પસંદ કરશે કારણ કે કોઈ નથી ઇચ્છતું કે તમે મરી જાવ પછી તે કોઈ મુશ્કેલીમાં મુકાય. એટલું જ નહીં, તમારી આ વાત સાંભળ્યા પછી એ તમારો અનાદર કરશે અને અન્યની સામે તમારી મજાક પણ ઉડાવશે. તેથી તમારી સમસ્યાઓ ક્યારેય કોઈની સાથે વહેંચશો નહીં અને કોઈને પણ તમારો મિત્ર માનશો નહીં.'
ઉલ્લેખનીય છે કે અનુપમા બિહારના પૂર્ણિયા જિલ્લાની છે. તેણે ભોજપુરી ફિલ્મ અને ટેલિવિઝનમાં કામ કર્યું છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.