CAA વિરોધ : ઉત્તર પ્રદેશના મુસ્લિમોમાં ડર કેમ છે? - ગ્રાઉન્ડ રિપોર્ટ

Webdunia
શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (18:22 IST)
નાગરિકતા સુધારા કાયદો (CAA) પસાર થયો તે પછી તેના વિરોધમાં સૌથી વધુ દેખાવો ઉત્તર પ્રદેશમાં થયા છે. 20 ડિસેમ્બરે વિરોધપ્રદર્શનો શરૂ થયાં તે પછી રાજ્યમાં 19થી વધુ લોકોના જીવ ગયા છે.
 
બીબીસી સંવાદદાતા વિકાસ પાંડેએ ઉત્તર પ્રદેશના જુદાજુદા વિસ્તારોની મુલાકાત લઈને એ જાણવાની કોશિશ કરી કે આટલા મોટા પાયે હિંસક વિરોધપ્રદર્શનો થયાં, તેની પાછળનાં કારણો શું છે અને શું યુપીના મુસ્લિમો ભયભીત કેમ છે?
 
કાનપુરના બાપુપુરવાની સાંકડી ગલીઓ વટાવીને હું મોહમ્મદ શરીફના ઘરે પહોંચ્યો.
 
પતરાંનાં છાપરાં સાથેના નાના એક ઘરની બહાર તેઓ બેઠા હતા. એક જ ઓરડાનું ઘર હતું, જે દિવસે રસોડા તરીકે અને રાત્રે સુવાના કમરા તરીકે કામ આવે છે. ઊભા થઈને તેઓ મને વળગી પડ્યા અને ધ્રુસકેધ્રુસકે રડવા લાગ્યા. થોડી મિનિટો એમ જ ધીરગંભીર શાંતિમાં પસાર થઈ ગઈ.
 
તે પછી પોતાનાં આંસુ લૂછીને મને કહ્યું, "મારું બધું જ જતું રહ્યું. હું હવે જીવવા નથી માગતો. મારા દીકરાનો શો વાંક હતો? પોલીસે તેને કેમ ગોળી મારી દીધી?"
 
મોહમ્મદ શરીફના 30 વર્ષના દીકરાનું 23 ડિસેમ્બરે ગોળી વાગવાથી મોત થયું. ત્રણ દિવસ પહેલાં તેમને પેટમાં ગોળી વાગી હતી.
 
મોહમ્મદ શરીફે કહ્યું, "મારો દીકરો વિરોધપ્રદર્શન નહોતો કરી રહ્યો. તે ગલીઓમાં ફરીને વસ્તુઓ વેચે છે. બનાવના દિવસે દેખાવો ચાલી રહ્યા હતા ત્યાં યોગાનુયોગે હાજર હતો. અને પ્રદર્શન કરતો હોય તોય શું તેને આવી રીતે મારી નાખવાનો?"
 
"અમે મુસલમાન છીએ એટલે જ તે માર્યો ગયો? શું અમે આ દેશના નાગરિકો નથી? મરતા સુધી હું આ સવાલ પૂછવાનો છું."
 
મોહમ્મદ રઈસને ગોળી વાગી ત્યાં ડઝનબંધ લોકો નાગરિકતા કાયદાના વિરોધમાં દેખાવો કરી રહ્યા હતા. દેખાવકારોએ પથ્થરમારો કર્યો તે પછી પોલીસ સાથે અથડામણ થઈ હતી અને કેટલાક લોકો હિંસક બની ગયા હતા.
 
ઉત્તર પ્રદેશમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં કમસે કમ 50 પોલીસકર્મીને ઈજા થઈ છે. જોકે પોલીસ સામે પણ દેખાવકારો વિરુદ્ધ અતિરેક બળપ્રયોગ કરવાનો આરોપ લાગી રહ્યો છે.
શું છે વિવાદ?
 
નાગરિકઅધિકારો માટે કામ કરતા લોકો કહે છે કે નવા કાયદાને કારણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા ગેર-મુસ્લિમ શરણાર્થીને આશરો મળે છે. પરંતુ સરકારનું કહેવું છે કે આ કાયદા દ્વારા ત્રણેય દેશોમાં ધાર્મિક લઘુમતી તરીકે અત્યાચારો સહન કરનારા આ લોકોને આશરો આપવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે વારંવાર ભારપૂર્વક કહ્યું છે કે આ કાયદો મુસ્લિમો વિરુદ્ધ નથી.
 
આમ છતાં ચાર કરોડથી વધુ મુસ્લિમ વસતિ ધરાવતા ઉત્તર પ્રદેશમાં વિરોધપ્રદર્શનો ચાલતાં જ રહ્યાં છે.
 
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકો સામે 'બદલો' લેવામાં આવશે.
 
તેમણે કહ્યું, "સાર્વજનિક સંપત્તિને થયેલી નુકસાની વસૂલ કરવા માટે જવાબદાર લોકોની સંપત્તિ જપ્ત કરવામાં આવશે."
 
મુખ્ય મંત્રીના આદેશ પછી પોલીસે આવા લોકોની ઓળખ કરી હતી અને કાનપુરમાં ઠેર ઠેર તેમનાં પોસ્ટરો લગાવી દેવાયાં હતાં.
 
તેના કારણે સમુદાયમાં ડર ઊભો થયો છે. હું બાપુપુરવામાં ઘણી મહિલાઓને મળ્યો, જેમનું કહેવું હતું કે તેઓ બીજા શહેરમાં જતા રહેવા માગે છે. તેમના પુત્રો (કેટલાક તો 10 વર્ષના જ) અને પતિઓની ધરપકડ પછી અને જુલમના ડરથી બીજે જતા રહેવા માગે છે.
 
નેશનલ રજિસ્ટર ફૉર સિટીઝનશિપ (NRC)ની વાતથી તેમનો ભય વધ્યો છે.
 
'મુસ્લિમ પાસે નાગરિકતાનો વિકલ્પ નથી'
 
કાનપુરના મુસ્લિમ અગ્રણી નસીરુદ્દીને કહ્યું, "NRCમાં લોકોએ એવું સાબિત કરવું પડશે તેઓ ભારતના નાગરિક છે. માની લો કે એક હિંદુ પરિવાર અને એક મુસ્લિમ પરિવાર પોતાની નાગરિકતા સાબિત કરી શક્યા નહીં. એવા સંજોગોમાં હિંદુ પરિવાર પાસે CAA મારફત નાગરિકતાનો દાવો કરવાનો વિકલ્પ હશે, જ્યારે મુસ્લિમ પરિવાર પાસે કોઈ વિકલ્પ નહીં હોય."
 
બીજી બાજુ સરકારનું કહેવું છે કે NRC લાગુ કરવાની હાલમાં કોઈ યોજના નથી. આમ છતાં મુસ્લિમ સમુદાયમાં ડર છે કે તેઓ પોતાની નાગરિકતા સાબિત ન કરી શકે તો શું થશે?
 
નસીરુદ્દીન કહે છે કે મુસ્લિમો એટલા માટે ડરેલા છે કે સત્તાધારી હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષ ભાજપ પર તેમને ભરોસો નથી.
 
પોતાનું નામ ના આપવાની શરતે એક મહિલાએ કહ્યું, "અમારો શો વાંક છે? આપણે એક લોકશાહી છીએ અને કોઈ વાત સાથે સહમત ના હોઈએ, ત્યારે તેનો વિરોધ કરવાનો અધિકાર છે. પરંતુ આપણા રક્ષક જ ભક્ષક બની ગયા છે. હવે અમે ક્યાં જઈએ?"
 
હું જુદાજુદા માર્ગો પર ફર્યો ત્યાં બધે એકસમાન સ્થિતિ જોવા મળી. યુવાનો બહુ ઓછા બહાર હતા, જ્યારે મહિલાઓ ટોળે વળીને વાતચીત કરતી હતી. એવું લાગતું હતું કે આવીને કોઈ પૂછે એવી તેમની ઇચ્છા હતી.
 
નામ ના આપવાની શરતે એક બીજી મહિલાએ કહ્યું, "રાત્રે પોલીસવાળા અમારે ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે બધા પુરુષોની ધરપકડ કરવામાં આવશે. તે લોકોએ અમને વિરોધપ્રદર્શન કરી રહેલા લોકોની ઓળખ કરવાનું કહ્યું."
ડરનાં બીજાં કારણો
 
મુસ્લિમ સમુદાયમાં ડરનું એક કારણ યોગી આદિત્યનાથનાં મુસ્લિમવિરોધી જૂનાં નિવેદનો પણ છે.
 
ડોનાલ્ડ ટ્રમ્પની જેમ ભારતમાં મુસ્લિમોના પ્રવાસ પર પ્રતિબંધ મૂકવાનું નિવેદન, મુસ્લિમ પુરુષો પર હિંદુ યુવતીઓનું જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરવાનું નિવેદન કે પછી અભિનેતા શાહરુખ ખાનની સરખામણી હાફિઝ સઇદ સાથે કરવાનું નિવેદન, વગેરે.
 
ઘણા લોકોનું માનવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'હિન્દુ રાષ્ટ્રવાદ'ના વિચાર પર જ મુખ્ય મંત્રી ચાલી રહ્યા છે.  
 
નસીરુદ્દીન કહે છે, "ઉત્તર પ્રદેશ આ વિચારધારાની મુખ્ય પ્રયોગશાળા બની ગઈ છે."
 
ઉત્તર પ્રદેશમાં હજારો લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં મોટા ભાગના મુસ્લિમ પુરુષો છે. ઘણા દિવસો સુધી ઇન્ટરનેટ સર્વિસ પણ અટકાવી દેવામાં આવી હતી.
 
ઘણા જાણીતા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી, જેમાં એક સિનિયર પોલીસ અધિકારીનો પણ સમાવેશ થતો હતો.
 
 
પોલીસ પર તોડફોડ કરવાનો આરોપ
 
પોલીસ સામે પણ મુસલમાનો પર ત્રાસ ગુજારવાનો આરોપ છે. કાનપુરમાં એવા વીડિયો બહાર આવ્યા છે, જેમાં કથિત રીતે પોલીસમૅનોએ મુસ્લિમ વસતિ ધરાવતા વિસ્તારોમાં રાત્રે ઘૂસી જઈને કાર અને ઘરોમાં તોડફોડ કરી હોય. બીજા વિસ્તારોમાંથી પણ મારા સાથી પત્રકારોએ આવા જ દાવા થયા હોવાના અહેવાલો આપ્યા છે.
 
બીબીસી સંવાદદાતા યોગિતા લિમયેને જણાવાયું હતું કે પોલીસે મુઝફ્ફરનગરમાં કેટલીય જગ્યાએ મુસ્લિમોનાં ઘરોમાં કથિત રીતે તોડફોડ કરી હતી. આ વિસ્તાર કાનપુરથી 580 કિમી દૂર છે. એક ઘરમાં પોલીસે ટીવી, ફ્રિજ અને રસોઇનાં વાસણો સહિત બધું જ તોડી નાખ્યું હતું એવું પણ કહેવાય છે.
 
યોગિતા લિમયેએ અહેવાલ મોકલ્યો હતો કે, "હું એવા યુવાનોને મળી, જેમણે મને જણાવ્યું કે પોલીસે તેમને પકડી લીધા અને માર માર્યો."
 
બીબીસી હિંદીના સંવાદદાતા ઝુબૈર અહમદે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠ અને બિજનૌરમાં પોલીસની ક્રૂરતાના આરોપોનો અહેવાલ મોકલ્યો હતો.
 
આ વિસ્તારોમાં આઠ લોકોનાં મૃત્યુ ગોળીબારમાં થયાં. તેમના પરિવારના લોકોનું કહેવું છે કે પોલીસે ગોળીબાર કર્યો હતો. જોકે પોલીસ આ આરોપોનો ઇન્કાર કરે છે.
 
આ બધી વાતો તમે જુઓ ત્યારે તેમાંથી એક પૅટર્ન ઊપસીને આવે છે - ધરપકડ અને પછી મુસ્લિમ વસતિ ધરાવતા વિસ્તારોમાં રાત્રે જઈને કાર અને ઘરોમાં તોડફોડ.
 
આમ છતાં કાયદો અને વ્યવસ્થા માટે જવાબદાર રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓ આ આરોપોને નકારી કાઢે છે.
 
'
એડીજીનું શું કહેવું છે?
 
ઉત્તર પ્રદેશના એડીજી (કાયદો અને વ્યવસ્થા) પી.વી. રામા શાસ્ત્રીએ બીબીસીને જણાવ્યું કે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડનારા લોકોને 'ડિજિટલ સબૂતો'ને આધારે ઓળખી કાઢવામાં આવ્યા હતા અને તેમની ધરપકડો કરવામાં આવી હતી.
 
મેં તેમને સવાલ પૂછ્યો હતો કે વીડિયોના આધારે પોલીસ દેખાવકારો પર કાર્યવાહી કરવા માટેની ઉતાવળ કરે છે, પણ પોતાના અધિકારીઓ પર કાર્યવાહી કેમ નહીં?
 
તેના જવાબમાં તેમણે જણાવ્યું કે, "આરોપો લગાવવા માટે સૌ સ્વતંત્ર છે."
 
પોલીસે તોડફોડ કરી હોવાની વાતનો પણ રામા શાસ્ત્રીએ ઇન્કાર કર્યો. તોડફોડની ઘટનાઓના વીડિયો મેં તેમને દેખાડ્યા, ત્યારે તેમણે કહ્યું, "આ વીડિયો કોઈએ એમ જ પોસ્ટ કર્યા છે, તે પૂરેપૂરા મૂકાયા નથી."
 
તેમણે કહ્યું, "ઘટનાનું સ્થન અને સંદર્ભની સ્પષ્ટતા પણ થવી જરૂરી છે. કોઈ એક વીડિયોના આધારે નિર્ણય કરી શકાય નહીં."
 
એડીજીએ રાજ્યમાં થયેલા વિરોધપ્રદર્શન દરમિયાન થયેલા લોકોનાં મૃત્યુ માટે પોલીસ જવાબદાર હોવાની વાતનો ઇન્કાર કરતા કહ્યું કે આ બાબતમાં તપાસ થઈ રહી છે.
 
સામાજિક કાર્યકર સૌમ્યા રાણા કહે છે કે પોલીસની જવાબદારી નક્કી થવી જરૂરી છે.
 
સૌમ્યા રાણા કહે છે, "હિંસાને કારણે કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. પણ વાત બંને પક્ષોને લાગુ પડે છે. પોલીસે હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ, પણ શું દેખાવકારો પર ગોળીઓ ચલાવવી તે એક માત્ર ઉપાય છે?"
 
"કેટલાય લોકોના જીવ ગયા. આ બાબતમાં અમે નિષ્પક્ષ તપાસની માગણી કરીએ છીએ."
 
પાયાના સ્તરે કામગીરી કરી રહેલા કેટલાક પોલીસ કર્મચારીઓ સાથે મેં વાતચીત કરી, ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ બહુ દબાણમાં કામ કરી રહ્યા છે.
 
પોતાની ઓળખ ના આપવાની શરતે એક પોલીસકર્મી એ કહ્યું કે તેમને 'કોઈ પણ ભોગે વિરોધપ્રદર્શનોને કાબૂમાં કરી લેવા' માટેના આદેશો અપાયા હતા.
 
પોલીસ કર્મચારીએ કહ્યું, "અમારે લાઠીચાર્જ કરવો પડ્યો, ટિયરગેસ છોડવો પડ્યો. પોતાના જ નાગરિકો પર જોર દાખવવાનું સહેલું નથી. તમારે સમજવું જોઈએ કે પોલીસ વચ્ચે ફસાયેલી છે."
 
આ બધાની વચ્ચે વિરોધપ્રદર્શન માટે રાજકીય પક્ષોએ એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે.
 
ઉત્તર પ્રદેશની ભાજપ સરકારનું કહેવું છે કે "મુસ્લિમ યુવાનોને વિપક્ષી દળોએ ગેરમાર્ગે દોર્યા" એટલે વિરોધપ્રદર્શનો હિંસક બન્યા હતા.
 
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહે બીબીસીને જણાવ્યું કે: "ત્રણ વર્ષ પહેલાં અમે સત્તામાં આવ્યા તે પછી અમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળી રાખી છે. પરંતુ આ વખતે રાજકારણને કારણે હિંસા થઈ છે. "સમાજવાદી અને બહુજન સમાજ પક્ષે સીએએના મામલે લોકોને ગેરમાર્ગે દોર્યા. તેમણે દેખાવો માટેની યોજના બનાવી અને તેના માટે ઉશ્કેરણી કરી."
 
તેમણે કહ્યું, "સીએએ મુસ્લિમો સામે કે કોઈ પણ ધર્મની વિરુદ્ધમાં નથી. અમારી સરકાર જ્ઞાતિ કે ધર્મના આધારે ભેદભાવ કર્યા વિના કામ કરે છે. અમે ટીકાને આવકારીએ છીએ પણ સાર્વજનિક સંપત્તિને નુકસાન કરવાની મંજૂરી કોઈને નથી."
 
જોકે આ દેખાવો દરમિયાન સૌથી વધુ મૃત્યુ મુસ્લિમોનાં થયાં છે.
 
આ વિશે સ્વતંત્રદેવ સિંહે કહ્યું કે યુપી સહિત અન્ય રાજ્યમાં જે પણ કંઈ થયું તેના માટે વિપક્ષ જવાબદાર છે.
 
 
અખિલેશ યાદવે નકાર્યા આરોપો
 
ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે આ આરોપોને નકારી કાઢ્યા.
 
તેમણે કહ્યું, "સરકારે એનો જવાબ આપવાની જરૂર છે કે લોકોને ગોળી કોણે મારી? પોલીસે તેમને રોકવાની કોશિશ કેમ ન કરી?"
 
"આરોપો મૂકવા સહેલા છે. આ વિરોધપ્રદર્શનો દર્શાવે છે કે ભાજપ રાજ્યમાં શાંતિ જાળવવામાં નિષ્ફળ ગયો છે. ભાજપ આર્થિક મંદી અને બેરોજગારી જેવા મુદ્દા પરથી ધ્યાન હઠાવવા માટે સીએએ લઈને આવ્યો છે. તે લોકો ધર્મના આધારે વિખવાદ ઊભો કરવા માગે છે."
 
"મુખ્ય મંત્રી અને તેમના હિંદુત્વનો ઍજન્ડા આ સ્થિતિ માટે જવાબદાર છે. પોલીસે જે રીતે વર્તન કર્યું છે તેનાથી ઊભા થયેલા જોખમ સામે સાવચેત થવાની જરૂર છે. આ માત્ર રાજકારણની વાત નથી. મૂળભૂત માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તે રાજ્ય અને દેશ માટે ખતરનાક છે."
 
વિરોધપ્રદર્શનની કિંમત
 
સામાજિક અગ્રણીઓનું કહેવું છે કે બધા એક બીજા પર આક્ષેપો કરી રહ્યા છે, પણ જવાબ આપવાની કોઈની ઇચ્છા નથી.
 
સૌમ્યા રાણા છેલ્લે કહે છે, "વાસ્તવિકતા એ છે કે ભારતના સૌથી મોટા રાજ્યમાં 19 લોકો મરી ગયા. આપણે એક લોકતંત્ર છીએ અને વિરોધપ્રદર્શનની કિંમત મૃત્યુ ન હોઈ શકે."

સંબંધિત સમાચાર

Next Article