Imran Khan Arrest : રાજકીય ઉથલપાથલના કારણે સર્જાયેલી ગહન કટોકટી માટે કોણ જવાબદાર?

કૅરોલિન ડેવિસ
બુધવાર, 10 મે 2023 (08:21 IST)
પાકિસ્તાનની આટલી ખરાબ સ્થિતિ કદાચ પહેલાં ક્યારેય નહોતી.
 
તેની અર્થવ્યવસ્થા ડૂબવાના આરે છે અને સમાજ રાજકીય રીતે ખૂબ જ વિભાજિત છે.
 
ગયા વર્ષે પૂરના કારણે અસરગ્રસ્ત થયેલા લાખો લોકો હજુ પણ તેનાથી સર્જાયેલા નુકસાનથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
 
ઉગ્રવાદી હુમલાઓ વધી રહ્યા છે અને મોંઘવારી પણ આસમાને પહોંચી રહી છે. પાકિસ્તાનમાં એવા ઘણા લોકો છે જે બે ટંક ભોજનની વ્યવસ્થા કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
 
એક તરફ આખો દેશ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, પરંતુ બીજી તરફ રાજકારણીઓ અને સંગઠનો એકબીજા સાથે લડી રહ્યા છે કે પાકિસ્તાન પર કોણે શાસન કરવું જોઈએ.
 
કલાકો સુધી એકબીજા સાથે દલીલો કરવા, એકબીજાને ચેતવણી આપવા અને રસ્તા પર વિરોધ કરવા છતાં, એક વર્ષ પછી પણ પાકિસ્તાનમાં સત્તા કોની હોવી જોઈએ, તે પ્રશ્નનો હજી સુધી યોગ્ય જવાબ મળ્યો નથી.
 
તેમાંય તારીખ નવમી મેના રોજ ઇમરાન ખાનની ઇસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી નાટકીય રીતે ધરપકડ કરવામાં આવી અને ત્યાર બાદ તેમની તહરીકે ઇન્સાફ પાર્ટીના કાર્યકરોએ ઠેરઠેર શરૂ કરેલાં પ્રદર્શનથી આગળ શું તે પ્રશ્ન વધુ જટિલ બની ગયો છે.

<

Upper Dir in KPK, Pakistan right now. Massive protest against Pakistan Army. pic.twitter.com/zny6mZ2F9x

— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 9, 2023 >
 
અમેરિકાના વૉશિંગ્ટન ડીસીમાં આવેલા વિલ્સન સેન્ટરમાં દક્ષિણ એશિયા ઇન્સ્ટિટ્યુટના ડિરેક્ટર માઇકલ કુગલમૅન કહે છે, "પાકિસ્તાનની વર્તમાન કટોકટી અન્ય વધુ ગંભીર સમસ્યાઓના કારણે વધુ ગંભીર થઈ ગઈ છે."
 
તેઓ આગળ કહે છે, "પાકિસ્તાન એ પણ ન કહી શકે કે આ રાજકીય સંકટ બીજી તરફ ધ્યાન ખેંચવા માટે પેદા કરવામાં આવ્યું છે અને અંતે આપણે ત્યાં પહોંચી જઈશું, જ્યાં પહોંચવાનું હતું. એટલે કે બધુ જલદી જ ઠીક થઈ જશે."
 
પાકિસ્તાનનું અર્થતંત્ર ખખડી ગયું છે. વિદેશ મુદ્રા ભંડારમાં દાયકાઓથી ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
ઑઇલ સહિત બીજી જરૂરી વસ્તુઓની આયાત વિદેશી મુદ્રા દ્વારા જ શક્ય છે.
 
આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) ના અધિકારીઓ સાથે ઘણા રાઉન્ડની વાતચીત થઈ હતી. પરંતુ 1.1 અબજ ડૉલરનો હપ્તો હજી સુધી પાકિસ્તાનને ચૂકવાયો નથી.
 
આ વચ્ચે ચરમપંથી હુમલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને સુરક્ષાકર્મીઓને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે.
 
પાકિસ્તાનની સેનાએ હાલમાં જ કહ્યું હતું કે અત્યાર સુધી માત્ર આ વર્ષમાં જ 436 ચરમપંથી હુમલા થયા છે.
 
હદ તો એ થઈ ગઈ છે કે ચરમપંથી ખુદ તમામ આંકડા જાહેર કરીને દાવો કરે છે કે તેમણે કેટલા લોકોને માર્યા છે, કેટલા ઇજાગ્રસ્ત થયા છે અને તેમણે સુરક્ષાકર્મીઓ પાસેથી કેટલા હથિયાર છીનવ્યાં છે.
 
આ વચ્ચે ખાવા-પીવાની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. ગયા વર્ષે આવેલા ભયાનક પૂરથી થયેલાં નુકસાનમાંથી બહાર આવવા માટે પાકિસ્તાન હજી પણ સંઘર્ષ કરી રહ્યું છે.
 
આ વર્ષે તો હજુ સુધી વરસાદ પણ શરૂ થયો નથી. એવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ નેતાઓએ આપવા જોઈએ.
 
રાજકીય વિશ્લેષક મહમલ સરફરાઝ કહે છે, "રાજનૈતિક અનિશ્ચિતતાને કારણે મુશ્કેલી વધે છે. પાકિસ્તાનમાં સિસ્ટમ ધ્વસ્ત થઈ રહી છે અને જો એમ થાય છે તો તેનાંથી કોઈનું ભલું નહીં થાય. ન કે રાજનૈતિક પાર્ટીઓનું અને ન તો પાકિસ્તાનની પ્રજાનું."
 
રાજકીય ગતિરોધ
 
રાજનીતિ પર નજર રાખનારાઓની કહેવું છે કે પાકિસ્તાનમાં હાલના સંકટની શરૂઆત ત્યારે થઈ જ્યારે ગયા વર્ષે ઍપ્રિલ મહિનામાં ઇમરાન ખાન સદનમાં વિશ્વાસ મત હાંસલ ન કરી શક્યા અને તેમની સરકાર પડી ભાંગી.
 
કુગેલમૅન કહે છે, "ઇમરાન ખાને આ નિર્ણયને માનવામાંથી ઇનકાર કરી દીધો અને એ બિલકુલ સ્પષ્ટ હતું કે સરકાર (શાહબાઝ શરીફની સરકાર) ઇમરાન ખાનના વિરોધ પ્રદર્શનો અને આંદોલનોને પણ અવગણશે નહીં."
 
સત્તા પરથી હઠાવાયા બાદ ઇમરાન ખાને સમગ્ર દેશમાં ઘણી રેલીઓ યોજી અને રાજધાની ઇસ્લામાબાદ સુધી માર્ચ પણ યોજી.
 
ઇમરાન ખાન વિરુદ્ધ કોર્ટ કેસ પણ વધી રહ્યા છે. ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફનું કહેવું છે કે તેમના પર 100થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે.
 
ઇમરાન ખાને આ કેસોને પોતાના સરકાર વિરોધી અભિયાનનો ભાગ બનાવી દીધા છે અને તેઓ સરકાર પર આરોપ લગાવે છે કે પાકિસ્તાનમાં કાયદાનું નહીં પણ 'જંગલ રાજ' છે.
 
બીજી તરફ શહબાઝ શરીફ સરકારમાં સામેલ ઘણા મંત્રીઓ આરોપ લગાવે છે કે ઇમરાન ખાન અહંકાર અને આત્મમોહના શિકાર છે.
 
કોર્ટે તેમને ઘણી વખત હાજર રહેવા કહ્યું, પરંતુ જ્યારે તેઓ કોર્ટમાં હાજર ન રહ્યા તો ઇસ્લામાબાદ પોલીસ બે વખત ધરપકડ કરવા માટે લાહોરસ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી.
 
હાલના ઘટનાક્રમમાં જ્યારે ઇમરાન ખાન પોતાની વિરુદ્ધ એક કેસમાં ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થયા હતા ત્યારે જ તેમની નાટકીય રીતે એન્ય એક કેસમાં ધરપકડ કરી લેવામાં આવી. ત્યાર બાદ પાકિસ્તાનનાં અનેક શહેરોમાં તેમના સમર્થકો પ્રદર્શન કરી રહ્યા છે.
 
ઇમરાન ખાને પણ સરકાર વિરુદ્ધ કેસ કર્યો છે. બે રાજ્યોમાં તેમની પાર્ટીની સરકાર હતી.
 
ઇમરાન ખાને સામાન્ય ચૂંટણી કરાવવા માટે સરકાર પર દબાણ નાખવા માટે બે રાજ્યોની સરકાર પાડી દીધી અને વિધાનસભા ભંગ થઈ ગઈ હતી, પરંતુ જ્યારે કેન્દ્ર સરકાર ન માની તો તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા. જ્યાં હજી પણ કેસ ચાલુ છે.
 
આ કેસોના કારણે ન્યાયપાલિકા પણ વહેંચાઈ ગઈ છે.
 
કેન્દ્ર સરકારે કેટલાક જજો પર આરોપ લગાવ્યો છે કે તેઓ ઇમરાન ખાનના સમર્થક છે.
 
આ પ્રકારના મતભેદોના કારણે કેટલાક લોકોને ડર છે કે પાકિસ્તાનમાં ગંભીર બંધારણીય સંકટ પણ સર્જાઈ શકે છે.
 
પાકિસ્તાન ઇન્સ્ટિટ્યુટ ઑફ લૅજિસ્લેટિવ ડેવલપમૅન્ટ ઍન્ડ ટ્રાન્સપરન્સીના સ્થાપક અધ્યક્ષ અને રાજનૈતિક વિશ્લેષક અહમદ બિલાલે કહ્યું હતું, "ઇમરાન ખાન સરકારને શાંતિથી નહીં બેસવા દે. આ સરકારનું તમામ ધ્યાન એ વાત પર છે કે સરકાર કેવી રીતે બચાવીને રાખી શકાય."
 
અહમદ બિલાલ અનુસાર, હાલના ગતિરોધનું એક કારણ ઇમરાન ખાનનો ખુદનો સ્વભાવ પણ છે.
 
તેઓ કહે છે, "ઇમરાન ખાન કોઈ પણ રીતની સમજૂતી માટે તૈયાર નહોતા. આ વલણ તેમના માટે નુકસાનકારક હોઈ શકે છે અને લાંબા ગાળે તેમને રાજકીય ગેરફાયદો થઈ શકે છે."
 
કેટલાક લોકોનું માનવું છે કે હાલનો રાજકીય ગતિરોધ એ વાતનો સંકેત છે કે પાકિસ્તાનની સંસ્થાઓ નિષ્ફળ જઈ રહી છે.
 
મહમલ સરફરાઝ કહે છે, "હાલમાં એવું કોઈ જૂથ નથી જે મધ્યસ્થતા કરી શકે. ઍસ્ટાબ્લિશમૅન્ટની વિશ્વસનીયતા નથી."
 
પાકિસ્તાનમાં સેના અને ગુપ્તચર સંસ્થાઓને સામાન્ય રીતે ઍસ્ટાબ્લિશમૅન્ટ કહેવામાં આવે છે.
 
પાકિસ્તાનની સેનાએ ત્યાંની રાજનીતિમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે અને ઘણી વખત સેનાએ તખ્તાપલટ કરીને ખુદ સત્તા પર કબજો જમાવ્યો છે.
 
ઘણી વખત સેનાએ પડદા પાછળથી સરકારને નિયંત્રિત કરી છે.
 
ઘણા વિશ્લેષકોનું માનવું છે કે વર્ષ 2018ની ચૂંટણીમાં ઇમરાન ખાન સેનાની મદદથી જ જીતવામાં સફળ રહ્યા હતા.
 
પરંતુ વિપક્ષમાં આવ્યા બાદ ઇમરાન ખાન સેનાના સૌથી મોટા ટીકાકારોમાંથી એક બની ગયા. સાથે જ જાણકારોનું માનવું છે કે સેનાની લોકપ્રિયતા ઘટી ગઈ છે.
 
કુગેલમૅન કહે છે, "સ્પષ્ટ સંકેત છે કે સેનાની અંદર જ એ વાતને લઈને સહમતિ નથી કે આગળનો યોગ્ય રસ્તો કયો હશે."
 
કુગેલમૅન અનુસાર સેનાનું શીર્ષ નેતૃત્વ ખુદ સક્રિયપણે રાજનીતિમાં સામેલ નહીં થાય પરંતુ નીચલા અને મધ્ય સ્તરે ઘણા સૈન્ય અધિકારીઓ ઇમરાન ખાનના મોટા સમર્થકો હોવાનું કહેવામાં આવે છે.
 
કુગેલમૅન કહે છે, "ઇમરાન ખાને રાજનીતિનું સંપૂર્ણપણે ધ્રુવીકરણ કરી નાખ્યું છે. તેમણે સામાન્ય જનતા અને સેના બંનેને વહેંચી દીધા છે."
 
આગળ શું?
 
આ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. પરંતુ એ વાતની પૂરેપૂરી આશંકા છે કે તેને ટાળવામાં આવશે. એ જ રીતે જેવી રીતે વિધાનસભાની ચૂંટણી ટાળવામાં આવી હતી. સરકારે પૈસાની અછત અને સુરક્ષા વ્યવસ્થાનો હવાલો આપીને ચૂંટણી ટાળી દીધી હતી.
 
અહમદ બિલાલ અનુસાર જો એમ થશે તો એ ઘણુ નુકસાનકારક હશે.
 
અહમદ બિલાલ કહે છે, "મારું માનવું છે કે એ ઘણું દુર્ભાગ્યપૂર્ણ હશે અને કદાચ એ પાકિસ્તાનમાં લોકતાંત્રિક પ્રક્રિયાઓને પણ નુકસાન પહોંચાડશે. કદાચ એવી કે જેની ક્ષતિ પૂરી નહીં થઈ શકે. અમે ક્યારેય ચૂંટણી પાછી ઠેલવાતી જોઈ નથી."
 
સરકાર અને ઇમરાન ખાનની પાર્ટી વચ્ચે ચૂંટણીને લઈને ઘણા રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે.
 
આ વાતને લઈને બંને પક્ષો સહમત થયા હતા કે સામાન્ય ચૂંટણી અને પ્રાંતીય ચૂંટણી એક સાથે થવી જોઈએ પરંતુ એ વાતને લઈને કોઈ સહમતિ નહોતી કે ચૂંટણી ક્યારે થશે.
 
મહમલ સરફરાઝ અનુસાર ચૂંટણીની તારીખોને લઈને એકમત થવું પણ પૂરતું નથી.
 
તેઓ કહે છે, "જો બંને પક્ષો એ નક્કી નથી કરતા કે ચૂંટણીને નિષ્પક્ષ કેવી રીતે માનવામાં આવે તો બંને જ પરિણામોને નહીં સ્વીકારે અને દેશમાં મતભેદો યથાવત રહેશે."
 
રાજનેતાઓ પર મોટી જવાબદારી છે કે તેઓ કોઈ સમજૂતી સુધી પહોંચે. જે રાજનૈતિક રીતે વિભાજિત પાકિસ્તાન માટે ઘણુ મુશ્કેલ કામ છે.
 
મહમલ સરફરાઝ કહે છે, "બંને પક્ષોએ એ સમજવું જરૂરી છે કે તેઓ રાજનૈતિક વિરોધીઓ છે, એકબીજાના અંગત દુશ્મનો નથી."
 
"એ પહેલાં કે સમગ્ર તંત્ર ધ્વસ્ત થઈ જાય, આ જ સમય છે કે બંને એકબીજા સાથે વાત કરે અને વસ્તુઓને યોગ્ય દિશામાં લઈ જાય."
 
જોકે તારીખ નવમી મેના રોજ ઇમરાન ખાનની ઇસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી નાટકીય રીતે ધરપકડ કરવામાં આવી અને ત્યાર બાદ તેમની પાર્ટી તહરીકે ઇન્સાફ પાર્ટીના કાર્યકરોએ ઠેરઠેર શરૂ કરેલાં પ્રદર્શનથી આગળ શું તે પ્રશ્ન વધુ જટિલ બની ગયો છે.

સંબંધિત સમાચાર

Next Article