તાજમહેલના બંધ 22 ઓરડા પાછળ શું રહસ્ય છુપાયેલું છે?

સૌતિક બિસ્વાસ
શુક્રવાર, 13 મે 2022 (23:38 IST)
અલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશો એવું માનતા નથી. ભાજપના સભ્યો દ્વારા "સ્મારકનો વાસ્તવિક ઇતિહાસ" શોધવા માટે તાજમહેલમાં 20 થી વધુ "કાયમ માટે બંધ રહેનાર રૂમ"ના દરવાજા ખોલવાની માગ કરતા અદાલતમાં એક અરજી દાખલ કરી હતી જેને અદાલતે ફગાવી દીધી હતી.
 
વધુ સ્પષ્ટતા કરતા અરજી કરનાર રજનીશસિંહે કોર્ટને કહ્યું હતું કે તેઓ ઓરડામાં હિંદુ શિવ મંદિર છે એવા "ઇતિહાસકારો અને ઉપાસકોના દાવાઓ"ને તપાસવા માગે છે.
 
તાજમહેલ એ આગરા શહેરમાં 17મી સદીનો યમુના નદીને કાંઠે આવેલો મકબરો છે જે મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાનાં બેગમ મુમતાઝની યાદમાં બંધાવ્યો હતો.
 
મુમતાઝ તેમનાં 14માં બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામ્યાં હતાં. આ અદ્ભુત સ્મારકમાં ઈંટ, લાલ પત્થર અને સફેદ આરસપહાણમાંથી બનાવેલો તાજમહેલ સૂક્ષ્મ જાળીદાર શિલ્પકારી માટે પ્રખ્યાત છે અને ભારતનાં સૌથી મોટાં પ્રવાસી આકર્ષણોમાંનું એક છે.
 
પરંતુ અરજી કરનાર રજનીશસિંહ સ્વીકૃત ઇતિહાસને માનતા નથી. તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે "આપણને બધાને જાણકારી હોવી જોઈએ કે આ ઓરડામાં શું છે."
 
taj mahal ke 22 kamre mein kya hai
ઓરડાઓ તહખાનાં કે ભૂગર્ભ ચેમ્બર છે?
 
રજનીશસિંહ એ તાળાબંધ રૂમનો ઉલ્લેખ કરી રહ્યા છે જેમાંથી કબરની ભૂગર્ભ ચેમ્બરમાં સ્થિત છે. અને સ્મારકના સૌથી અધિકૃત વર્ણનો મુજબ ત્યાં ખાસ કંઈ નથી.
 
મુઘલ સ્થાપત્યનાં તજજ્ઞ અને તાજના અધિકૃત અધ્યયનકર્તા અને વિયેના યુનિવર્સિટીમાં એશિયન આર્ટના પ્રોફેસર એબ્બા કોચે તેમનાં સંશોધન દરમિયાન સ્મારકના ઓરડાઓ અને માર્ગોની મુલાકાત લીધી હતી અને ફોટોગ્રાફ પણ લીધા હતા.
 
આ ઓરડાઓ ઉનાળાના ગરમ મહિનાઓ માટે તહખાના અથવા ભૂગર્ભ ચેમ્બર તરીકે ઉપયોગમાં લેવાતા હતા. સ્મારકમાં નદીની સામે આવેલી ટૅરેસ પર ગૅલેરીમાં શ્રેણીબદ્ધ રૂમ છે.
 
એબ્બા કોચને નદીની દિશામાં એક લાઇનમાં ગોઠવાયેલા 15 ઓરડા મળ્યા હતા જે સાંકડા માર્ગ તરફ લઈ જતા હતા.
 
તેમણે દરેક બાજુએ અનોખા ગોખ ધરાવતા સાત મોટા ઓરડાઓ, છ ચોરસ ઓરડાઓ અને બે અષ્ટકોણીય ઓરડાઓ જોયા હતા.
સુંદર કમાનો સાથેના મોટા ઓરડાઓ નદી તરફની દિશામાં હતા. એબ્બાએ નોંધ્યું હતું કે, રૂમમાં "વ્હાઇટ વૉશની નીચે ચિત્રકારીના નિશાન" જોવા મળ્યા હતા. ત્યાં "મધ્યમાં ચંદ્ર સાથે ફરતે તારામંડળમાં જાળીદાર પેટર્ન" હતી.
 
એબ્બા કોચે નોંધ્યું છે, "તે એક સુંદર હવાદાર જગ્યા હોવી જોઈએ, જે બાદશાહ માટે તેમની બેગમો અને તેમના કાફલા સાથે કબરની મુલાકાત લેતી વખતે મનોરંજન માટેનું એક સરસ સ્થળ હોઈ શકે. હવે તેમાં કુદરતી પ્રકાશ નથી."
 
આવી ભૂગર્ભ ગૅલેરીઓ મુઘલ સ્થાપત્યનો હિસ્સો છે. પાકિસ્તાનના લાહોર શહેરમાં એક મુઘલ કિલ્લામાં, નદીના કાંઠે આવા હારબંધ ઓરડાઓ છે.
 
શાહજહાં અવારનવાર યમુના નદીમાં બોટ દ્વારા સીડીઓ અથવા ઘાટ પરથી ઊતરીને તાજમહેલની મુલાકાતે જતા અને કબરમાં પ્રવેશતા હતા. લગભગ 20 વર્ષ પહેલાં આ સ્થળની મુલાકાત લેનાર ભારતીય સંરક્ષક અમિતા બેગ કહે છે, "જ્યારે મેં આ સ્થળની મુલાકાત લીધી ત્યારે મને સુંદર રીતે ચિત્રકારી કરેલો કૉરિડોર યાદ છે. મને યાદ છે કે કૉરિડોરનું મુખ વિશાળ હતું. તે સ્પષ્ટ રીતે બાદશાહનો માર્ગ હતો."
 
ઓરડાઓ 1978 સુધી ખુલ્લા હતા
 
આગરામાં ઉછરેલા અને દિલ્હી સ્થિત ઇતિહાસકાર રાના સફવી યાદ કરે છે કે, "1978માં પૂર આવ્યું ત્યાં સુધી ભૂગર્ભ ઓરડાઓ મુલાકાતીઓ માટે ખુલ્લા હતા."
 
તેઓ કહે છે, "પાણી સ્મારકમાં પ્રવેશી ગયું હતું, કેટલાક ભૂગર્ભ ઓર઼ડામાં કાદવ ભરાયો હતો અને તિરાડો પડી ગઈ હતી. ત્યારબાદ અધિકારીઓએ મુલાકાતીઓ માટે ઓરડાઓ બંધ કરી દીધા હતા. તેમાં કંઈ નથી." સમારકામ હાથ ધરવા માટે સમયાંતરે ઓરડાઓ ખોલવામાં આવે છે.
 
તાજમહેલ સાથે ઘણી પૌરાણિક કથાઓ અને દંતકથાઓ જોડાયેલી છે.
 
તેમાં હાલના સ્મારકની સામે "કાળો તાજ" બનાવવાની શાહજહાંની યોજનાનો સમાવેશ થાય છે અને તે તાજમહેલ યુરોપિયન આર્કિટેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો.
 
કેટલાક પશ્ચિમી વિદ્વાનોએ કહ્યું છે કે "મુસ્લિમ સમાજમાં મહિલાઓની દબાયેલી સ્થિતિને જોતાં તે મહિલા માટે બાંધવામાં આવતા ન હતા - જે ઇસ્લામિક વિશ્વમાં મહિલાઓ માટે અન્ય કબરોની અવગણના કરે છે." સ્મારક પર, મોટાભાગના ઉત્સાહી ગાઇડ મુલાકાતીઓને પરિસર બતાવ્યા પછી શાહજહાંએ કેવી રીતે કારીગરોને મારી નાખ્યા તેની વાતો યાદ કરાવે છે.
 
તાજ મૂળ હિંદુ શિવ મંદિર હતું?
 
ભારતમાં, એવી દંતકથાઓ સતત ફરતી રહે છે કે તાજ મૂળરૂપે એક હિંદુ શિવમંદિર હતું.
 
1761માં હિંદુ રાજા સૂરજમલે આગરા જીતી લીધા પછી રાજાના પૂજારીએ તાજને મંદિરમાં રૂપાંતરિત કરવાનું સૂચન કર્યું હોવાનું કહેવાય છે.
 
પીએન ઓક, જેમણે 1964માં ભારતીય ઇતિહાસના પુનઃલેખન માટે એક સંસ્થાની સ્થાપના કરી હતી, તેમણે એક પુસ્તકમાં જણાવ્યું હતું કે તાજમહેલ વાસ્તવમાં એક શિવમંદિર હતું.
 
2017માં ભાજપના નેતા સંગીત સોમે તાજમહેલને ભારતીય સંસ્કૃતિ પર "કલંક"રૂપ ગણાવ્યો હતો કારણ કે તેને "દેશદ્રોહીઓ દ્વારા બાંધવામાં આવ્યો હતો".
 
આ અઠવાડિયે, ભાજપના સાંસદ દિયા કુમારીએ જણાવ્યું હતું કે, "શાહજહાંએ હિંદુ રાજવી પરિવારની માલિકીની "જમીન" પડાવી લીધી હતી અને સ્મારકનું નિર્માણ કરાવ્યું હતું."
 
રાના સફવી કહે છે કે, "પાછલા એક દાયકા કે તેથી વધુ સમયથી આ સિદ્ધાંતોએ જમણેરી વિચારધારા ધરાવતા એક વર્ગમાં નવી હવા ફેલાવી છે."
 
તેઓ કહે છે, "જમણેરી વર્ગની એક પાંખે ખોટા સમાચારો, ખોટા ઇતિહાસ અને હિંદુઓના નુકસાન અને ઉત્પીડનની લાગણીઓને વહેતી મૂકી છે."
 
અથવા એબ્બા કોચ નોંધે છે તેમ: "એવું લાગે છે કે તાજ અંગે ગંભીર વિદ્વતાપૂર્ણ સંશોધન કરતાં વધુ કલ્પનાઓ ફેલાઈ છે."

સંબંધિત સમાચાર

Next Article