વિનેશ ફોગટ :BBC Indian Sportswoman of the Year પુરસ્કાર માટે નામાંકન

Webdunia
સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (17:51 IST)
નેવુંના દાયકાના હિન્દી ફિલ્મી ગીતો પર વૉર્મઅપ કરતી નાના-નાના વાળવાળી યુવા મહિલા ખેલાડી. કુસ્તીના દાવપેચ શીખતાં પહેલાં આ પહેલવાન પોતાને તૈયાર કરી રહી હતી. લખનૌના ઇન્ડોર સ્ટેડિયમમાં જોવા મળેલું આ દૃશ્ય જ ઘણી વાતો કહી જાય છે.
 
અમે જાન્યુઆરીની એક શિયાળુ સવારે મહિલા પહેલવાન વિનેશ ફોગટને મળવા માટે લખનૌ પહોંચ્યાં હતાં. વિનેશ સવાર-સવારમાં જોશભેર તાલીમ લઈ રહ્યાં હતાં.
 
અમને જોઈને તેમણે સ્મિત કર્યું હતું, હાથ હલાવીને આવકાર્યાં હતાં અને ફરીથી તલ્લીનતાપૂર્વક પ્રૅક્ટિસમાં લાગી ગયાં હતાં.
ફોગટ સિસ્ટર્સને જોઈને ગામના લોકોની દીકરીઓ માટેની વિચારસરણી બદલાઈ ગઈ.
કોચની એક-એક વાત તેઓ એટલાં ધ્યાનપૂર્વક સાંભળતાં હતાં, જાણે કે આગલી મૅચની હારજીતનો નિર્ણય તેના પર આધારિત હોય. વચ્ચે તેઓ તેમની પસંદગીનું ગીત પ્લે કરવા માટે રોકાતાં હતાં.
 
કેટલાંક પંજાબી ગીત હતાં અને કેટલાંક હિન્દી. એ દિવસની થીમ હતી ઉદાસ લવ સૉંગ્ઝ.
 
આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં મહિલા ખેલાડીઓ પર આશાઓ કેમ વધી ગઈ?
 
1994ની 25 ઑગસ્ટે હરિયાણાના બલાલી ગામમાં જન્મેલાં એક એવાં મહિલા ખેલાડીની કહાણી છે, જેની ગણના તેમની આકરી મહેનત, હિંમત અને જુસ્સાને આધારે હવે વિશ્વની ઉત્તમ મહિલા પહેલવાનોમાં કરવામાં આવે છે.
 
લગભગ ત્રણ કલાક સુધી ટ્રેનિંગ લીધા બાદ વિનેશ ઇન્ટરવ્યૂ માટે મેટ પર બેસતાં જણાવે છે કે પહેલવાન બનવાનું તો તેમના નસીબમાં કદાચ પહેલેથી જ લખાયું હતું.
 
વિનેશનો ઇશારો તેમના તાઉ એટલે કાકા મહાવીર ફોગટ તરફ હતો. શરૂઆતના દિવસોની વાત કરતાં વિનેશ કહે છે, "મારા તાઉજી પોતે એક પહેલવાન હતા. મારા દાદા પણ પહેલવાન હતા. અમે બાળક હતાં ત્યારે તાઉજીએ નક્કી કરી લીધું હતું કે ઘરની દીકરીઓને કુસ્તીબાજી શીખવવી છે. હું તો માત્ર છ વર્ષની હતી."
 
ગીતા અને બબિતા એ મહાવીર ફોગટની દીકરીઓ, જ્યારે વિનેશ તેમનાં ભત્રીજી.
 
જોકે, કુસ્તીબાજ બનવાનું આસાન ન હતું.
 
વિનેશ કહે છે, "હરિયાણાનાં ગામોમાં 20 વર્ષ પહેલાં છોકરીઓને કુસ્તી શિખવાડવાનો વિચાર સુધ્ધાં કરી શકાતો નહોતો. રૂઢિચુસ્ત વાતાવરણ હતું. લોકોએ મારા તાઉજીની બહુ ટીકા કરી હતી. અમારી બધી બહેનોના વાળ છોકરાઓની માફક ટૂંકા હતા."
 
"અમે ચડ્ડી પહેરીને ગામમાં પ્રૅક્ટિસ કરવા જતાં હતાં. પાડોશની સ્ત્રીઓ આવીને અમારી મમ્મીને કહેતી હતી કે તમારી દીકરીઓને કહો કે કમસે કમ ફુલ પૅન્ટ પહેરીને બહાર નીકળે. આ બધું સાંભળીને મમ્મીને શરૂઆતમાં શરમ આવતી હતી."
 
વાત કરતાં-કરતાં વિનેશના ચહેરા પરના ભાવ બદલાઈ જાય છે.
 
વાતને આગળ વધારતાં વિનેશ હરિયાણવી શૈલીમાં કહે છે, "હું કોઈની વાત સાંભળતી નહોતી. ફટાકથી સામો જવાબ આપી દેતી હતી. હું મમ્મીને કહેતી હતી કે પાડોશની મહિલાઓને વધુ વાંધો હોય તો કહો કે તેમની પોતાની દીકરીઓને ફુલ પૅન્ટ પહેરાવે."
 
"મારાં કપડાં વિશે કૉમેન્ટ ન કરે. તાઉજીએ આપેલી તાલીમને કારણે અમે દૃઢતાપૂર્વક માનતા થઈ ગયાં હતાં કે અમે કોઈનાથી ઊતરતાં નથી."
 
સંઘર્ષના દિવસો અને સફળતા
 
ઝૂઝવાની અને ટક્કર લેવાની આ જ ક્ષમતાએ વિનેશને મોટા મુકાબલાઓમાં સફળતા અપાવી છે.
 
જોકે, શરૂઆતના સંઘર્ષને વિનેશ ભૂલ્યાં નથી.
 
વિનેશ કહે છે, "બાળક હતી એ સમયે તાઉજી કુસ્તી લડવા લઈ જતા ત્યારે શરૂઆતમાં એક-બે મહિના તો બહુ સારું લાગ્યું હતું."
 
"રમવાનું કયાં બાળકને ન ગમે. તાઉજીને ધીમે-ધીમે એવું લાગવા માંડ્યું હતું કે આ છોકરીઓમાં પહેલવાન બનવાની ક્ષમતા ખરેખર છે."
 
"એ પછી અમારી કડક ટ્રેનિંગ શરૂ થઈ હતી. અમારે સવારે સાડા ત્રણ વાગ્યે ઊઠી જવું પડતું હતું. ટ્રેનિંગ કેટલો સમય ચાલશે એ નક્કી ન હતું. આજનાં બાળકોએ એવી રીતે ટ્રેનિંગ લેવી પડે તો એ લોકો તો પહેલા દિવસે જ ભાગી જાય."
 
"કોઈ ભૂલ કરીએ તો ટ્રેનિંગનો સમય લંબાતો હતો અને ઉપરથી માર પડતો એ અલગ. એ પછી અમે સ્કૂલે જતાં હતાં. ક્લાસમાં તો અમે ઊંઘતાં જ હતાં. એ વખતે જિંદગીનો અર્થ હતો- કુસ્તી કરો, ખાઓ અને ચુપચાપ ઊંઘી જાઓ."
 
"બસ, લાંબા વાળ રાખવાની છૂટ નહોતી, કારણ કે તાઉજી માનતા હતા કે લાંબા વાળ રાખવાની છૂટ આપવાથી છોકરીઓ બેધ્યાન થઈ જશે. લોકો તાઉજીને બહુ ટોણાં મારતા હતા, પણ તાઉજીની નજર માત્ર ઑલિમ્પિક્સ મેડલ પર હતી."
 
એ સમયે ગામમાં નાનકડી વિનેશ સહિતના કોઈને ખબર ન હતી કે ઑલિમ્પિક્સ આખરે શું હોય છે?
 
વિનેશ સ્મિત સાથે કહે છે, "અમે ટ્રેનિંગથી બહુ કંટાળી ગયાં હતાં. અમે વિચારતાં કે ભાઈ, આ ઑલિમ્પિક્સ કોણ છે? ક્યાં મળે છે?"
 
"કોઈ એ લાવીને તાઉજીને આપી દો એટલે તેઓ અમારો પીછો છોડે. માત્ર તાઉજીને જ ખબર હતી કે તેઓ કેટલું આગળનું વિચારી રહ્યા છે."
 
ગર્ભપાત અંગે મોદી સરકાર કઈ નવી જોગવાઈઓ લાવી રહી છે?
 
સફળતાનું શ્રેય તાઉજી અને મમ્મીને
વિનેશે પોતાનાં માતા માટે ગામમાં ભવ્ય બંગલો બંધાવ્યો છે
 
વિનેશની મહેનત અને ટ્રેનિંગનું પરિણામ ધીમે-ધીમે મળવા લાગ્યું હતું. એ ગામમાંથી બહાર નીકળીને રાષ્ટ્રીય સ્તરે મેડલો જીતવા લાગ્યાં હતાં.
 
વિનેશે 19 વર્ષની વયે કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો ત્યારે તેની જિંદગીમાં ટર્નિંગ પૉઇન્ટ આવ્યો હતો. નવી મહિલા પહેલવાને આંતરરાષ્ટ્રીય મંચ પર ટકોરા માર્યા હતા.
 
દરેક ખેલાડીની માફક વિનેશ પણ કહે છે કે તેમને હારવું જરાય પસંદ નથી.
 
ઝૂઝવાની ક્ષમતા વિનેશને કદાચ તેમનાં મમ્મી પ્રેમલતા પાસેથી મળી છે. પોતાની સફળતાનું શ્રેય વિનેશ તેમના તાઉજી અને મમ્મીને જ આપે છે.
 
વિનેશ બહુ નાનાં હતાં ત્યારે તેમના પિતાની હત્યા કરવામાં આવી હતી. એ સમયે હરિયાણાના રૂઢિચુસ્ત સમાજમાં તેમનાં મમ્મીએ એક સિંગલ મધર બનીને વિનેશનો ઉછેર કર્યો હતો.
 
આજે વિનેશે તેમનાં માતા માટે ગામમાં બંગલો બંધાવ્યો છે. માતા કહે છે, "વિનેશે મારાં માટે ઘણું કર્યું છે, ભગવાન આવી દીકરી બધાને આપે."
 
વિનેશ કહે છે, "મારા પિતાજી જીવતા હતા ત્યારે બધું બરાબર હતું. તેઓ મને રમતી જોઈને બહુ રાજી થતા હતા, પણ પિતાજીની હત્યા બાદ બધું બદલાઈ ગયું હતું. ગામના લોકો મમ્મીને કહેતા હતા કે વિનેશ બાપ વિનાની દીકરી છે. તેનાં લગ્ન કરાવી નાખો."
 
"ગીતા અને બબિતા કુસ્તી ખેલી શકે છે, કારણ કે તેમના પિતા જીવંત છે. હું કંઈક કરી દેખાડીશ એવું ગામમાં કોઈ માનતું ન હતું, પણ મારી મમ્મીએ સ્પષ્ટ કહી દીધું હતું કે મારી દીકરી કુસ્તી ખેલશે."
 
"અમારી પરિસ્થિતિ સારી ન હતી, પણ અમને સુવિધા અપાવવા માટે માએ બહુ સંઘર્ષ કર્યો હતો."
 
ટ્રેનિંગની વાત કરતાં વિનેશ કહે છે, "તાઉજીની ટ્રેનિંગ બહુ આકરી હતી. બધું છોડી દેવા ઘણી વાર વિચાર્યું હતું, પણ મમ્મીને મહેનત કરતાં જોઈને મેં પણ ખુદને અંદરથી મજબૂત કરવાનું શીખી લીધું હતું."
 
ટૅક્સ અને નોન-ટૅક્સ રેવન્યુમાં જંગી ઘટાડો અને વધતી ખાધ માટે સરકાર શું કરશે?
 
જ્યારે ઑલિમ્પિક્સનું સપનું તૂટી ગયું
 
કૉમનવેલ્થ ગેમ્સ બાદ 2016માં રિયો ઑલિમ્પિક્સ માટે ભારતીય ટીમ ગઈ ત્યારે 21 વર્ષની વયની વિનેશ મેડલ જીતશે જ એવું માનવામાં આવી રહ્યું હતું, પણ વિધાતાએ કંઈક બીજું વિચાર્યું હતું.
 
ક્વાર્ટર ફાઇનલમાં વિનેશને ગંભીર ઈજા થઈ હતી. જોતજોતામાં ગેમ બદલાઈ ગઈ હતી. પીડાને કારણે ચિત્કારતી વિનેશને સ્ટ્રેચર પર હૉસ્પિટલમાં લવાયાં હતાં અને ઑલિમ્પિક્સનું સપનું તૂટી ગયું હતું.
 
વિનેશ જણાવે છે કે એ તેમની કારકિર્દીનો સૌથી મુશ્કેલ તબક્કો હતો. એ વખતે તેઓ તેમની પોતાની ક્ષમતા પર શંકા કરવા લાગ્યાં હતાં.
 
વિનેશ કહે છે, "કોઈ ખેલાડી ગંભીર રીતે ઘવાય તો તેની કારકિર્દી ખતમ થઈ ગઈ સમજો એવું કહેતા લોકોને મેં સાંભળ્યા હતા. મેં પોતે પણ અનુભવ્યું હતું. હું ઑલિમ્પિક્સમાં પાછી ફરી શકીશ કે કેમ તેની લડાઈ મારી જાત સાથે ત્રણ વર્ષ સુધી ચાલતી રહી હતી."
 
વિનેશની આંખમાં એક જ સેકન્ડ માટે આંસુ આવી જાય છે, પણ તેની ખબર અમને પડે એ પહેલાં તેઓ ખુદને સંભાળી લે છે અને આગળ વધે છે. તેમની ગેમમાં આગળ વધે છે એવી રીતે.
 
કોઈ સફળ ખેલાડી આ પ્રકારના દોર કે દબાણ કે નિષ્ફળતાના દોરમાંથી પસાર થાય છે ત્યારે તે ખુદને કઈ રીતે સંભાળતો હોય છે?
આ સવાલના જવાબમાં વિનેશનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો.
 
હંમેશાં વાતો કરતાં વિનેશ કહે છે, "મને કોઈ સવાલનો જવાબ ન મળતો હોય ત્યારે હું મારી જાત સાથે અને ભગવાન સાથે વાત કરું છું. ત્રીજું કોઈ નહીં. કોઈ સાથે દિલની વાત કરવાનું મને ગમતું જ નથી. હકીકતમાં હું મારા મનની વાત કોઈને સમજાવી શકતી નથી."
 
"હું ખુદને જ સવાલ પૂછું છું અને જાત પાસેથી જ જવાબ મેળવું છું. મારા માટે આ પદ્ધતિ અસરકારક છે. સદનસીબે હજુ સુધી કોઈ નિર્ણય ખોટો સાબિત થયો નથી."
 
 
2018ની એશિયન ગેમ્સમાં ઐતિહાસિક સફળતા
 
રિયો ઑલિમ્પિક્સ બાદ સર્જરી થઈ અને વિનેશ આંતરરાષ્ટ્રીયસ્તરે પરત ફર્યાં. ક્યારેક સફળતા મળી અને ક્યારેક નિષ્ફળતા.
 
2018ની એશિયન ગેમ્સમાં તેઓ ગોલ્ડ મેડલ જીતનારાં પહેલાં ભારતીય પહેલવાન બન્યાં હતાં.
 
તેઓ અનેક મૅચ હાર્યાં હતાં. તેથી લોકો તેમની ખામી ગણાવવા લાગ્યા હતા. ખાસ કરીને મોટી મૅચોમાં સ્ટેમિના જાળવી રાખવાની બાબતમાં તેઓ માર ખાઈ જતાં હતાં.
 
અલબત્ત મહેનત, નવા કોચ અને ટ્રેનિંગની નવી ટેકનિકને લીધે વિનેશે ઝડપથી બધાને ખોટા સાબિત કર્યા હતા. વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં હંમેશાં હારી જતાં વિનેશે 2019માં કાંસ્યચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.
 
આજે વિનેશ વિશ્વનાં ટોચનાં ખેલાડી છે. 2020ની શરૂઆત તેમણે રોમમાં ગોલ્ડ મેડલ જીતીને કરી છે.
 
આકરી ટ્રેનિંગ અને કુસ્તીના દાવપેચ વચ્ચે એક બીજી વ્યક્તિ પણ છે, જે વિનેશ સાથે ખભેખભા મેળવીને ઊભી રહી છે. એ છે સોમવીર રાઠી.
 
સોમવીર પોતે એક પહેલવાન છે અને વિનેશને આઠથી વધુ વર્ષથી ઓળખે છે. કુસ્તીના દંગલની વચ્ચે બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.
 
સોમવીર વિશે વિનેશ કહે છે, "મારી કારકિર્દી માટે તેણે પોતાની કારકિર્દીને નુકસાન કર્યું છે. એ સોમવીર જ છે, જે કશું કહ્યા વિના મારા દિલની વાત સમજી જાય છે."
 
2018માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ વિનેશ પાછા ફર્યાં ત્યારે ઍરપૉર્ટ પર સોમવીરે તેમને પ્રપોઝ કર્યું હતું અને એ પછીના થોડાક મહિનામાં તેમનાં લગ્ન થઈ ગયાં હતાં. કુસ્તી પ્રત્યે બન્નેને અનુરાગ છે.
 
કુસ્તીમાંથી ક્યારેય સમય મળે તો વિનેશ મ્યુઝિક સાંભળવાનું કે ફિલ્મો જોવાનું પસંદ કરે છે.
 
જોકે, પાછલાં કેટલાંક વર્ષોમાં વિનેશ જૂજ ફિલ્મો જોઈ શક્યાં છે. તેમાં 'બાહુબલી' અને 'ચક દે' ફિલ્મો તેમની ગમી હતી.
 
ફિલ્મી કળાકારોમાં તેઓ રણવીર સિંહ, અક્ષય કુમાર, કંગના રાણાવત અને દીપિકા પાદુકોણનાં પ્રશંસક છે.
 
વિનેશ અને સપનાં
 
વિનેશને ભોજન બનાવવાનો બહુ શોખ છે. એ ખુદને ભોજનરસિક પણ ગણાવે છે.
 
વિનેશ કહે છે, "મરતાં પહેલાં શક્ય હોય એટલી તમામ વાનગીઓ ટેસ્ટ કરવા ઇચ્છું છું. મારું એક સપનું દુનિયાભરમાં ફરીને દરેક પ્રકારની વાનગી આરોગવાનું છે."
 
આટલું કહીને વિનેશ પોતાની જાત પર ખૂબ હસે છે અને વાતો કરે છે.
 
વિનેશને ખુશ કરવાની એક રીત સ્વાદિષ્ટ ભોજન છે, પણ તેઓ ક્યારેય ગુસ્સે થાય છે?
 
મસ્તીખોર મુસ્કાન સાથે વિનેશ કહે છે, "મને બહુ ગુસ્સો આવે છે અને હું ગુસ્સે થાઉં ત્યારે હું તોડફોડ પણ કરી શકું છું."
 
વિનેશને માથાના વાળ વધારવાની તક બાળપણમાં મળી ન હતી. એ શોખ તેઓ હવે સંતોષી રહ્યાં છે.
 
વિનેશ પાસે વાતોનો ખજાનો છે. એક કિસ્સો સંભળાવતાં વિનેશ કહે છે, "એક વખત નેશનલ કૅમ્પમાં લાંબો સમય રહી ત્યારે મારા વાળ લાંબા થઈ ગયા હતા. ઘરે આવી તો તાઉજીએ કહ્યું કે વાળંદને બોલાવો."
 
"હું ઘરના કબાટમાં છુપાઈ ગઈ હતી અને મમ્મીએ કબાટનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો."
 
પોતાનાં અનેક સપનાં અને શોખ સાકાર કરી ચૂકેલાં વિનેશનું હવે સૌથી મોટું સપનું શું છે?
 
આખનું મટકું માર્યા વિના વિનેશ કહે છે, "જૂજ લોકોને જિંદગીમાં બીજી તક મળતી હોય છે. મને બીજી તક મળી છે ઑલિમ્પિક્સમાં રમવાની. હું ઑલિમ્પિક્સ મેડલ જીતવાનું સપનું સાકાર કરવા ઇચ્છું છું."
 
વાતો કરતાં-કરતાં વિનેશ પોતાનાં વિચારોમાં ખોવાઈ ગયાં. અમારો ઇન્ટરવ્યૂ પણ ક્લાઇમેક્સ પર પહોંચી ચૂક્યો હતો.
 
હાલ તો વિનેશનું એકમાત્ર લક્ષ્ય છે ટોક્યો-2020. તેઓ 2016નાં અધૂરાં સપનાંને સાકાર કરવા ઇચ્છે છે.
 

સંબંધિત સમાચાર

Next Article