Jharkhand Election Results : અડવાણીના રઘુબર દાસ મોદી-શાહના બન્યા અને બદલાઈ ગયા?

રજનીશ કુમાર
મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (13:05 IST)
રઘુબર દાસને અડવાણીએ ધારાસભ્ય બનાવ્યા અને નરેન્દ્ર મોદી-અમિત શાહે મુખ્ય મંત્રી. આ વાત તો રઘુબર દાસ પણ કબૂલે છે. તેઓ કહે છે કે તેમણે અટલ-અડવાણીના ભાજપને એન્જોય કર્યો, પરંતુ મોદી-શાહના ભાજપને ડબલ એન્જોય કર્યો છે.
 
રઘુબર દાસ 70ના દાયકામાં ટાટા સ્ટીલ પ્લાન્ટની રોલિંગ મિલમાં મજૂર હતા અને 21મી સદીના બીજા દાયકામાં તેઓ તે જ પ્રદેશના મુખ્ય મંત્રી બની ગયા.
 
વર્ષ 2014ના અંતમાં જ્યારે રઘુબર દાસે ઝારખંડના મુખ્ય મંત્રીપદના શપથ લીધા ત્યારે તેમણે કહ્યું, એક મજૂરને ભાજપ જ મુખ્ય મંત્રી બનાવી શકે છે. મુખ્ય મંત્રી બન્યા પછી રઘુબર દાસને મજૂર 'રઘુબર દાસ' કેમ યાદ આવતા નથી.
 
રઘુબર દાસના પિતા ચમન રામ પણ મજૂર હતા. જમશેદપુરના ભાલુબાસામાં દસમાં ધોરણ સુધી અભ્યાસ કરનાર રઘુબર દાસે અહીંની કૉલેજમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.
 
રઘુબર દાસની રાજકીય કૅરિયરની શરૂઆત એક મોટું વૃક્ષ પાડવાથી થઈ હતી.
 
1995માં તેઓ પ્રથમ વખત જમશેદપુર પૂર્વની બેઠક પર ભાજપની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા. ભાજપે પોતાના સ્થાનિક દિગ્ગજ નેતા દીનાનાથ પાંડેને સ્થાને રઘુબર દાસને ટિકિટ આપી હતી.
 
દીનાનાથ પાંડે અહીંથી ત્રણ વખત ધારાસભ્ય બન્યા હતા. પરંતુ પાર્ટીએ તેની પરવા કર્યા વગર 40 વર્ષના રઘુબર દાસને ઉતાર્યા હતા.
 
એ વખતે દીનાનાથ પાંડે પણ વિદ્રોહી બનીને રઘુબર દાસની સામે સ્વતંત્ર ચૂંટણી લડવા મેદાનમાં ઊતર્યા હતા, જોકે તેઓ હારી ગયા હતા.
 
 
મજૂરથી લઈને મુખ્યમંત્રીસુધી
 
1995માં પ્રથમ ચૂંટણીમાં તેઓ માત્ર 1100 વોટના અંતરથી જીત્યા હતા. જોકે એ પછી રઘુબર દાસને જેટલી વખત વિજય મળ્યો, જીતનું અંતર વધતું ગયું.
 
જમશેદપુર પૂર્વથી રઘુબર દાસ 1995થી સતત પાંચ વખત ધારાસભ્ય બન્યા. બે વખત અવિભાજિત બિહારમાં અને ત્રણ વખત ઝારખંડ બન્યા બાદ.
 
2014ની વિધાનસભા ચૂંટણીમાં કોલ્હાન પ્રમંડલમાં રઘુબર દાસ એકમાત્ર ઉમેદવાર હતા જેઓ 70 હજાર વોટથી જીત્યા હતા.
 
કોલહાન પ્રમંડલ ક્ષેત્રમાં ઝારખંડની 14 બેઠકો છે.
 
રઘુબર દાસનો પરિવાર મૂળ રૂપે છત્તીસગઢનો છે. તેમનો જન્મ અને ઉછેર જમશેદપુરમાં થયો હતો.
 
બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, "દીનાનાથ પાંડેને અહંકાર આવી ગયો હતો કે જમશેદપુરમાં ભાજપ તેમના કારણે ટકી રહ્યો છે. હું ઉમેદવારીની દોડમાં ક્યાંય નહોતો. ત્યારે લાલકૃષ્ણ અડવાણી ભાજપના અધ્યક્ષ હતા."
 
"સ્થાનિક ભાજપમાં કેટલાક વિવાદ હતા. તેને જોતાં અડવાણીજીએ ગોવિંદાચાર્યને મોકલ્યા. તેમણે સર્વે કર્યો અને મને ટિકિટ મળી હતી."
 
એ વખતે રઘુબર દાસ ભાજપમાં જિલ્લા મહામંત્રી હતા.
 
તેઓ કહે છે, "ભાજપે એક મજૂરને ટિકિટ આપી અને તેણે એક દિગ્ગજ નેતાને હરાવ્યા. અખબારો મારા સમાચાર પ્રકાશિત નહોતા કરતા."
 
"હું સંપાદકો પાસે ગયો કે મારા સમાચાર ક્યાંક તો પ્રકાશિત કરો. તેઓ કહેતા તમે હારી રહ્યા છો. હું કહેતો કે જેટલી ઉપેક્ષા કરવી હોય કરો, પરંતુ જીતશે તો રઘુબર દાસ જ."
 
તેઓ કહે છે કે અહીં જેના હાથમાં કમળ આપી દો તે જીતી જશે.
 
ઝારખંડ બન્યું ત્યાર બાદ પહેલી વખત ભાજપે એક બિનઆદિવાસીને મુખ્ય મંત્રી બનાવ્યા. રઘુબર દાસ બનિયા (એક જાતિ) છે અને ઝારખંડમાં બનિયા ઓબીસીમાં આવે છે.
 
 
ભાજપનો પ્રયોગ ફરી ન ચાલ્યો
 
ભાજપ માટે રઘુબર દાસ એક નવો પ્રયોગ હતો. આ પ્રયોગ હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસનું એક્સટેન્શન હતું.
 
પ્રયોગ આ બાબતમાં કે ત્રણ રાજ્યોમાં મુખ્ય મંત્રીપદ પર એક વિશેષ સમુદાયનો દાવો રહેતો, જેને ભાજપે પડકાર્યો હતો.
 
મહારાષ્ટ્રમાં ભાજપે મરાઠાની જગ્યાએ બ્રાહ્મણને મુખ્ય મંત્રી બનાવ્યા હતા, હરિયાણામાં બિનજાટને અને ઝારખંડમાં બિનઆદિવાસીને.
 
ત્રણ રાજ્યોમાં પાચ વર્ષ સુધી આ પ્રયોગ ચાલ્યો, પરંતુ પછી ચૂંટણીમાં ભાજપને સફળતા મળી નહોતી.
 
ફડણવીસ બહાર થયા, મનોહરલાલ ખટ્ટર જેમતેમ મુખ્ય મંત્રી બન્યા અને રઘુબર દાસ સત્તામાંથી બહાર થયા.
 
રઘુબર દાસ અર્જુન મુંડાની સરકારમાં નાણામંત્રી અન ઉપમુખ્ય મંત્રી હતા.
 
2014માં અર્જુન મુંડાના નેતૃત્વમાં ચૂંટણી લડી પરંતુ અર્જુન મુંડા પોતે જ ખરસાંવાથી ચૂંટણી હારી ગયા હતા અને ત્યાર બાદ રઘુબર દાસને મોકો મળ્યો.
 
પાર્ટીમાં તેમની પકડ ઢીલી પડી હતી?
 
અર્જુન મુંડા, અમિત શાહ અને રઘુબર દાસ
કહેવાય છે કે મુખ્ય મંત્રી તરીકે પાંચ વર્ષમાં તેમણે મિત્રો કરતા દુશ્મન વધારે બનાવ્યા હતા. કેમ?
 
ઝારખંડના સામાજિક કાર્યકર્તા અફઝલ અનીસ કહે છે, "રઘુબર દાસમાં અહંકાર બહુ આવી ગયો હતો. તેઓ પીએમ મોદીની કૉપી કરતા. તેઓ પાર્ટીમાં કોઈને મહત્ત્વ નહોતા આપતા."
 
"સરયૂ રાયને ટિકિટ ન આપી, અર્જુન મુંડા સાથે સંબંધ ખરાબ હતા. તેમના વ્યવહારને લઈને વિપક્ષ જ નહીં પાર્ટીની અંદર પણ ફરિયાદ હતી."
 
જોકે તેમના પીએસ મનીંદ્ર ચૌધરી કહે છે, "તેમને ગુસ્સો જરૂર આવે છે પરંતુ ખોટું બોલવા પર ગુસ્સો આવે છે. તેઓ જૂઠાણું સહન નથી કરી શકતા. ભલામણ કરનારા તેમને આંખે ચઢી જાય છે."
 
પણ સવાલ એ છે કે જે વ્યક્તિની પૃષ્ઠભૂમિ સામાન્ય છે તેમની પર અહંકારનો આરોપ કેમ?
 
રાંચી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રિઝવાન અલી કહે છે કે "રઘુબર દાસના પિતા ચમન રામ ખૂબ ઈમાનદાર હતા. એ ઈમાનદારીને રઘુબર દાસે લાંબા સમય સુધી પોતાના વ્યક્તિત્વનો ભાગ બનાવી રાખી પરંતુ એ પછી એમના પુત્ર લલિત દાસને લીધે એમની એ ઈમાનદારી ઝાંખી થઈ."
 
"સત્તાનો મદ દરેકને આવે છે પરંતુ એ પણ હકીકત છે કે પાર્ટીની અંદર સર્વણ નેતાઓએ તેમને સ્વીકારી ન શક્યા. ઝારખંડ ભાજપના કોઈ પણ સર્વણ નેતાને પૂછો એ એમનાં વખાણ નહીં કરે."
 
પ્રોફેસર રિઝવાન કહે છે, "રઘુબર દાસે કેટલાંક સારાં કામ કર્યાં છે. રાજ્યમાં મહિલાઓના નામ પર રજિસ્ટ્રી મફત કરવામાં આવી હતી."
 
"સાંપ્રદાયિક શાંત જળવાઈ રહી. લિંચિંગ (ટોળા દ્વારા હત્યા)ના કેટલાક કેસ સામે આવ્યા, પરંતુ તે માત્ર ધાર્મિક લિચિંગ નહોતું, કેટલાક હિંદુઓનું લિચિંગ પણ થયું, તેમણે હજભવન બનાવ્યું. ભાજપ સરકારમાં આ કામ અચરજભર્યું છે."
ગઠબંધન ન કરવું એક મોટી ભૂલ હતી?
 
અર્જુન મુંડા
રઘુબર દાસ આ ચૂંટણીમાં તેમણે એકમાત્ર સહયોગી આજસૂ સાથે પણ ગઠબંધન ન કરીને ભૂલ કરી હતી.
 
ઝારખંડના પત્રકારોનું કહેવું છે કે ગઠબંધન ન થયું એના માટે રઘુબર દાસ જવાબદાર છે. રઘુબર દાસ સુદેશ મહતોની પાર્ટી અને બાબુલાલ મરાંડીની પાર્ટીને સાથે લઈ શકતા હતા પરંતુ અતિઆત્મવિશ્વાસને કારણે તેમણે ઉપેક્ષા કરી.
 
2014માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 72 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 37 પર વિજય મેળવ્યો હતો. ત્યારે આજસૂએ ભાજપ સાથે ચૂંટણી લડી હતી અને આઠમાંથી પાંચ બેઠકો પર વિજય મેળવ્યો હતો.
 
ત્યારે વિપક્ષ એકજૂથ નહોતો અને બધાએ અલગઅલગ ચૂંટણી લડી હતી.
 
કૉંગ્રેસે 6 બેઠકો પર વિજય મેળવ્યો હતો તો ઝારખંડ મુક્તિ મોરચાને 19 બેઠક મળી હતી. બાબુલાલ મરાંડીને 8 બેઠકો પર વિજય મળ્યો હતો. પછી મરાંડીના 6 ધારાસભ્ય પક્ષપલટો કરીને ભાજપમાં સામેલ થયા હતા.
 
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપવિરોધી મતોને એકજૂથ નહોતો કરી શક્યો, વિપક્ષ પણ એકજૂથ નહોતો. પરંતુ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મતદાનની પૅટર્ન અલગ છે.
 
જમશેદપુરમાં પ્રભાત ખબર અખબારના સ્થાનિક સંપાદક અનુરાગ કશ્યપ કહે છે, "આ રઘુબર દાસની હાર છે. મુખ્ય મંત્રી વિરુદ્ધ લોકોમાં ગુસ્સો છે. આ જનાદેશ મોદી અને શાહ વિરુદ્ધ નથી. પરંતુ શુદ્ધપણે રઘુબર દાસ વિરુદ્ધ છે."
 
ઝારખંડમાં એક વાત બહુ વિશ્વાસ સાથે કહેવાઈ રહી છે કે રઘુબર દાસની હારથી વિપક્ષ કરતા વધારે અર્જુન મુંડાનું જૂથ ખુશ છે.

સંબંધિત સમાચાર

Next Article