નાગરિકતા સંશોધન કાયદો : 'પાકિસ્તાનમાં હિંદુઓની વસતિ ઘટી નથી, વધી છે'

શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (11:58 IST)
ભારતની સંસદે 3 પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવેલા બિન-મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવાનો કાયદો પસાર કર્યો છે.
 
આ નાગરિકતા સંશોધન કાયદા પર વિવાદ થઈ રહ્યો છે. આ કાયદા મુજબ ભારતમાં ગેરકાયદે વસેલા હિંદુ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન કે પારસી જો તેઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે બાંગ્લાદેશમાંથી આવેલા છે તેને આધારે ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી શકે છે.
 
ભારત સરકારનો તર્ક એ છે કે આ 3 ઇસ્લામિક દેશોમાં લઘુમતીઓની સંખ્યા સતત ઘટી રહી છે અને ધર્મને આધારે તેમને ઉત્પીડિત કરવામાં આવી રહ્યા છે. સંસદમાં ધર્મને આધારે નાગરિકતા આપવાની વાતનો વિરોધ થયો અને આ મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. 
 
અમિત શાહે 9 ડિસેમ્બરના રોજ લોકસભામાં ખરડો રજૂ કરતી વખતે કહ્યું હતું કે:
 
'1950માં નહેરૂ-લિયાકત સમજૂતી થઈ અને તેમાં એની ખાતરી આપવામાં આવી કે બેઉ દેશ પોતપોતાના દેશોમાં લઘુમતીઓની સંભાળ લેશે, પરંતુ એવું થયું નહીં અને એ સમજૂતી એમ જ રહી ગઈ.'
'1947માં પાકિસ્તાનમાં લઘુમતીઓની વસતિ 23 ટકા હતી અને વર્ષ 2011માં તે 23 ટકાથી ઘટીને 3.7 ટકા રહી ગઈ છે.'
 
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ઘોષિત ઇસ્લામિકરાષ્ટ્ર છે અને તે રીતે ત્યાં હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ લઘુમતી છે.
 
પાકિસ્તાને આરોપ નકાર્યો
 
પાકિસ્તાનના ગૃહ મંત્રીએ ભારતના ગૃહ મંત્રી અમિત શાહના આરોપને 'ખોટો' ગણાવ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે એક નિવેદન બહાર પાડી અમિત શાહના દાવાને 'પાયાવિહોણો' કહ્યો.
વિદેશ મંત્રાલયે કહ્યું કે '1941ની વસતિ ગણતરી જોઈએ તો સ્પષ્ટ થાય છે કે ભારતે જાણી જોઈને ખોટી રીતે 1947ના વિભાજન અને તે પછી 1971માં પૂર્વીય પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ)માં મોટા પ્રમાણમાં થયેલા વિસ્થાપનનો ઉલ્લેખ ન કર્યો.''આ બે ઘટનાઓની અસર પાકિસ્તાનમાં લઘુમતીઓની વસતિની ટકાવારી પર છે.'
 
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 1951ની પાકિસ્તાનની પ્રથમ વસતિગણતરી પ્રમાણે, પશ્ચિમી પાકિસ્તાન (આજનું પાકિસ્તાન)માં લઘુમતીઓની વસતિની ટકાવારી કુલ વસતિના પ્રમાણમાં 3.1 ટકા હતી, જે 1998માં વધીને 3.71 ટકા સુધી પહોંચી. અલગ-અલગ વસતિગણતરીમાં પાકિસ્તાનમાં લઘુમતીઓની વસતિમા વધારો નોંધાયો છે. 1961માં પાકિસ્તાનમાં લઘુમતીઓની વસતિની ટકાવારી 2.96 ટકા હતી, 1971માં 3.25 ટકા, 1981માં 3.33 ટકા અને 1998માં 3.71 ટકા હતી.
 
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે 1998ની વસતિગણતરીના આંકડા મુજબ પાકિસ્તાનમાં હિંદુઓની વસતિ વધી છે. 1951માં 1.5 ટકા હિંદુ વસતિ હતી, 1998માં 2 ટકા હિંદુ વસતિ છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને ભારતના નાગરિકતા સંશોધન કાયદા સામે નારાજગી દર્શાવી છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કર્યું હતું કે આ કાયદો આંતરરાષ્ટ્રીય કાયદાઓના માપદંડોનું ઉલ્લંઘન કરે છે.
 
ઇમરાન ખાને કહ્યું હતું કે અમે ભારતના આ (CAA) કાયદાની સખત નિંદા કરીએ છીએ, જે આંતરરાષ્ટ્રીય કાયદાઓના માપદંડો અને પાકિસ્તાન સાથેની દ્વિ-પક્ષીય સમજૂતીનો ભંગ કરે છે. આ આરએસએસની હિંદુ રાષ્ટ્રની યોજનાનો એક ભાગ છે, જેને ફાસીવાદી મોદી સરકાર આગળ વધારી રહી છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર