રાહુલ ગાંધીએ સીવેલા ચપ્પલના લોકો 10 લાખ રૂપિયા દેવા તૈયાર, પણ રામચેત તૈયાર નથી

અરશદ અફજાલ ખાન
શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (12:38 IST)
ઉત્તર પ્રદેશના સુલતાનપુરની કોર્ટ બહાર નાનકડી દુકાનમાં મોચીકામ કરીને રામચેત માંડમાંડ તેમનું ગુજરાન ચલાવી શકે છે, પરંતુ 26 જુલાઈથી જિલ્લાની બહાર પણ લોકો તેમના વિશે જાણવા લાગ્યા છે.
 
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમની દુકાને લગભગ અડધી કલાક રોકાયા અને જૂતાં-ચપ્પલના સીવણકામમાં હાથ અજમાવ્યો હતો. તેમણે આ કસબની જટિલતાને પણ સમજવાનો પ્રયાસ કર્યો હતો.
 
બીજા દિવસે રાહુલ ગાંધીએ તેમને જૂતાં-ચપ્પલ સીવવા માટેનું મશીન ભેટમાં આપ્યું હતું.
 
રાહુલ ગાંધીએ સીવેલા ચપ્પલ માટે લોકો રામચેતને રૂ. 10 લાખ સુધી આપવા તૈયાર છે, પરંતુ રામચેત તેને વેચવા નથી માગતા અને સાચવી રાખવા માગે છે. 
 
 
'રૂ. 10 લાખ દેવા તૈયાર'
રામચેતનું કહેવું છે કે તેઓ આ ચપ્પલને ફ્રૅમ કરીને જીવનભર માટે સાચવી રાખવા માગે છે. રામચેત તેને વેચવાનો ઇન્કાર કરી રહ્યા છે, પરંતુ તેના ભાવ વધતો જાય છે.
 
સુલતાનપુર સિટીમાં રહેતા વડીલ સંકટા પ્રસાદ ત્રિપાઠીના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધીએ સીવેલા ચપ્પલ વેચવા માટે રામચેતને અલગ-અલગ જગ્યાએથી ઑફરો આવી રહી છે, પરંતુ તેઓ આ ચપ્પલને નહીં વેચવાના નિર્ણય પર અડગ છે.
 
26મી જુલાઈએ રાહુલ ગાંધી સુલતાનપુરની એમપી-એમએલએ કોર્ટમાં હાજર રહેવા માટે અહીં આવ્યા હતા.
 
રાહુલ ગાંધી પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે, જે પછી તેમની સામે બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
 
'કોઈ પણ કિંમતે નહીં વેચું...'
રાહુલ ગાંધીએ સીવેલા ચપ્પલ સમગ્ર સુલતાનપુરમાં ચર્ચાનો વિષય બની ગયા છે અને લોકો તેના માટે ઊંચી કિંમત ચૂકવવા પણ તૈયાર છે.
 
રામચેત મોચીનું કહેવું છે, "પહેલા જ દિવસે મને રૂ. એક લાખની ઑફર મળી હતી. જેમ-જેમ દિવસ વધી રહ્યા છે, તેમ બોલી વધી રહી છે. છેલ્લે મને રૂ. 10 લાખની ઑફર મળી હતી."
 
તેઓ ઉમેરે છે, "ગઈ કાલે એક વ્યક્તિ મોટી કારમાં બેસીને વહેલી સવારે મારા ઘરે આવી હતી. તેમણે મને રાહુલજીએ સીવેલા ચપ્પલના સાટે રૂ. એક લાખ આપવાની વાત કહી, પરંતુ મેં ઇન્કાર કરી દીધો. તેમણે ભારપૂર્વક આગ્રહ કર્યો, છતાં મેં ઇન્કાર કર્યો."
 
"હું દુકાને પહોંચ્યો તો એક પૈસાદાર જેવો દેખાતો શખ્સ મારી રાહ જોઈ રહ્યો હતો, તેમણે મને રૂ. બે લાખ કરતાં વધુ રકમ આપવાની ઑફર કરી, પરંતુ મેં તેમને પણ ઇન્કાર કરી દીધો."
 
રાહુલ ગાંધીએ સીવેલા ચપ્પલ ખરીદવા માટે રામચેતને અનેક લોકોના ફોન પણ આવી રહ્યા છે, પરંતુ એમણે એ બધાને પણ ઇન્કાર કરી દીધો."
 
રામચેત કહે છે, "આજે સવારે એક વ્યક્તિ મારી પાસે આવી અને રૂ. 10 લાખ આપવાની ઑફર કરી. તેમનું કહેવું હતું કે તેમના માલિક આ ચપ્પલ ખરીદવા માગે છે. મેં ઇન્કાર કરી દીધો અને કહ્યું કે જો તમે રૂ. એક કરોડ આપશો તો પણ હું નહીં વેચું."
 
રામચેતનું કહેવું છે કે લોકો તેમને મોંમાગ્યા ભાવ આપવા તૈયાર છે, છતાં તેઓ નહીં વેચે. તેમનું કહેવું છે કે આ ચપ્પલ ખૂબ જ કિંમતી છે અને કોઈ વ્યક્તિ હજારો, લાખો કે કરોડો રૂપિયા આપશે તો પણ નહીં વેચે.
 
રામચેતનું કહેવું છે કે તેઓ રાહુલ ગાંધીએ સીવેલા ચપ્પલને ફ્રૅમ કરાવીને પોતાની દુકાનમાં રાખશે અને જ્યાં સુધી જીવશે, ત્યાં સુધી તેને નજર સામે રાખશે.
 
જ્યારે પૂછ્યું કે કોણ આ ચપ્પલ ખરીદવા માગે છે, ત્યારે રામચેતે કહ્યું 'મેં કોઈનાં નામ કે સરનામાં નથી પૂછ્યાં, કારણ કે મારે વેચવા જ નથી.'  

સંબંધિત સમાચાર

Next Article