ગુજરાત હાઇકોર્ટે રૂપાણી સરકારને ખખડાવી, કહ્યું, ‘આવતા અઠવાડિયે તમે હાથ ઊંચા કરી દેશો, અમારે એ નથી સાંભળવું’

Webdunia
મંગળવાર, 27 એપ્રિલ 2021 (16:33 IST)
ગુજરાત રાજ્યના ઍડ્વોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રાજ્ય સરકારનો જવાબ રજૂ કરતાં હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, "ગઈ વખતે સમસ્યાઓ અંગે ઉઠાવાયેલા પ્રશ્નો અંગે રાજ્ય સરકારના સોગંદનામામાં કોઈ જવાબ નથી. અમે આજે રજૂ કરેલા જવાબથી નાખુશ છીએ."
 
રાજ્ય સરકારના વકીલે રજૂ કરેલા કોર્ટ સામે રજૂ કરેલા જવાબમાંથી કોર્ટે નોંધ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગઈ વખતે અપાયેલા દૈનિક ટેસ્ટના આંકડા અને અત્યારના આંકડામાં કોઈ ફરક નથી. ટેસ્ટિંગમાં વધારો નથી કરાયો.
 
ડિવિઝન બેચના જસ્ટિસ કારિયાએ રાજ્ય સરકારના જવાબની ટીકા કરતાં કહ્યું હતું કે, "તમારા સોગંદનામામાં ગુલાબી ચિત્ર રજૂ કરવાનું કામ કરાયું છે. બધું ઠીક છે એવું દર્શાવવાની કોશિશ કરાઈ છે. જમીન પરની હકીકતો આધારે જવાબ રજૂ નથી કરાયો."
 
જસ્ટિસ કારિયાએ રાજ્ય સરકારના જવાબ સામે વાંધો રજૂ કરતાં કહ્યું કે, "પાછલી સુનાવણીમાં તમે કહ્યું હતું કે અમે હૉસ્પિટલોની બહાર લાગેલી લાઇનો બિલકુલ નાબૂદ કરી દઈશું. જે હજુ સુધી થઈ શક્યું નથી. હજુ પણ લોકોને લાઇનોમાં રાહ જોવી પડી રહી છે. અને તમે કહો છો કે અમે દર્દીઓને લાઇનમાં જ તપાસી રહ્યા છે. આવી વ્યવસ્થા અપેક્ષિત નથી."
 
જસ્ટિસ કારિયાએ કહ્યું કે. "આવનારા દિવસોમાં પરિસ્થિતિ વણસવાની છે જ્યારે હાલના તબક્કે લોકોને યોગ્ય સારવાર નથી મળી શકી રહી તો આગળ શું થશે?"
 
રાજ્યની હૉસ્પિટલોમાં ઓક્સિજનની અછત અંગે જસ્ટિસ કારિયાએ કહ્યું કે, "રાજ્ય કેમ ખાનગી ગૅસ વિતરકોને ઓક્સિજનનું વેચાણ કરવા દઈ રહ્યું છે. અત્યારે લોકોએ હૉસ્પિટલોમાં ઓક્સિજન ન હોવાના કારણે ખાનગી ઉત્પાદકો અને બોટલરો પાસેથી દસ ગણા ભાવ ચૂકવી ઓક્સિજન મેળવવો પડી રહ્યો છે. રાજ્યે ઓક્સિજનની અછત નિવારવા માટે યોગ્ય પગલાં લેવાં જોઈએ. માત્ર ઓક્સિજન આપવાનું કામ હવે કેન્દ્ર સરકારને હસ્તક થઈ ગયું છે એમ કહીને રાજ્ય સરકાર છૂટી શકે નહીં. હૉસ્પિટલોમાં દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે રાજ્ય પુરવઠા તંત્ર કાર્યરત્ કરે."
 
કૉર્પોરેશન હસ્તકની હૉસ્પિટલોમાં માત્ર 108માં આવનારા દર્દીઓને સારવાર અપાતી હોવાના મુદ્દે પણ હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.
 
હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે શું કૉર્પોરેશન રાજ્યનો ભાગ નથી. તો તે કઈ રીતે રાજ્યના નિયમોને ન ગણકારીને પોતાના નિયમો લોકો પર લાદી શકે છે.
 
હાઇકોર્ટે રાજ્ય સરકારને કહ્યું હતું કે, "વ્યક્તિ ભલે 108માં આવે કે ખાનગી વાહનોમાં તેને તેની પરિસ્થિતિને જોતાં યોગ્ય સારવાર મળવી જોઈએ.કોઈ પણ હૉસ્પિટલે આવેલી વ્યક્તિને કોઈ પણ હૉસ્પિટલ સારવાર આપવાની ના પાડી શકે નહીં. જો જે-તે હૉસ્પિટલમાં જગ્યા ન હોય તો જ્યાં જગ્યા હોય ત્યાં આવી વ્યક્તિને પ્રાથમિક સારવાર બાદ મોકલી શકાય. પરંતુ સારવાર માટે આવેલ વ્યક્તિને રઝળતી મૂકી શકાય નહી."
 
કોર્ટે નોંધ્યું હતું કે, "108માં આવેલી વ્યક્તિ દાખલ થવા માટે રાહ જોઈ શકે છે. કારણ કે તેને પ્રાથમિક સારવાર મળી હોય છે. પરંતુ સીધેસીધી હૉસ્પિટલે આવેલી વ્યક્તિને આવી કોઈ સુવિધા મળી હોતી નથી. તેથી માત્ર દર્દીના આગમનના માધ્યમને આધારે હૉસ્પિટલો ભેદભાવ ન કરી શકે."
 
 
આ સિવાય કૉર્પોરેશનની હૉસ્પિટલો દ્વારા માત્ર જે તે કૉર્પોરેશનમાં રહેતી વ્યક્તિને જ સારવાર આપવાની વાત અંગે પણ હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. અને કહ્યું હતું કે કોઈ પણ જગ્યાએ રહેતી વ્યક્તિને તમામ કોવિડ હૉસ્પિટલોમાં સારવાર મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. માત્ર વ્યક્તિના રહેઠાણ આધારે કૉર્પોરેશનની હૉસ્પિટલો વ્યક્તિને સારવાર આપવાની ના પાડી શકે નહીં.
 
રાજ્ય સરકારે તાત્કાલિક આ બાબતે તમામ કૉર્પોરેશનને માર્ગદર્શિકા જારી કરવી જોઈએ. ગત સુનાવણીમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ તેનું કોઈ નિરાકરણ નથી લાવવામાં આવ્યું.
 
હાઇકોર્ટે રાજ્ય સરકારને 108 મારફતે દર્દીઓને દાખલ કરવા માટે અને તેમની સ્થિતિ જાણવા માટે સેન્ટ્રલાઇઝ પ્રોસેસ વિકસિત કરી તેને અનુસરવાની સલાહ આપી હતી.
 
જ્યારે રાજ્ય સરકારના વકીલે કોવિડ હૉસ્પિટલોમાં ખાનગી વાહનોથી આવતી વ્યક્તિઓને કારણે અરાજકતા સર્જાઈ જવાનો ભય વ્યક્ત કર્યો ત્યારે કોર્ટે કહ્યું કે દરેક હૉસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તે અંગે ડેશબૉર્ડ જાણવવામાં આવે. જેથી લોકોને તે અંગે માહિતી મળે અને તેઓ અન્ય હૉસ્પિટલમાં સારવાર મેળવવા માટે જઈ શકે.
 
હાઇકોર્ટે નોંધ્યું કે સરકાર સુનિશ્ચિત કરે કે સારવારના અભાવે કોઈ પણ નાગરિકે જીવ ન ગુમાવવો પડે.
 
હાઇકોર્ટે કહ્યું કે સરકાર પોતાના જવાબમાં પોતે પ્રયત્નો કરી રહી હોવાનું જણાવી રહી છે. પરંતુ આગામી દિવસોમાં માત્ર બેડ વધારવાથી કે ઓક્સિજનની અછત નિવારવાથી કામ નહીં ચાલે. આ મુશ્કેલીને અટકાવવા માટે સરકારે સંક્રમણની ચેઇન તોડવી પડશે. જેની રીતો અને રસ્તા અંગે સરકાર અને નિષ્ણાતો યોગ્ય નિર્ણય લઈ શકશે. પરંતુ આ પ્રમાણે ચાલતું રહેશે તો પરિસ્થિતિ વધુ વણસવાની જ છે.
 
રાજ્ય સરકારના જવાબ અંગે પ્રતિક્રિયા આપતાં કોર્ટે કહ્યું કે કોર્ટ મૂકદર્શક બનીને ન રહી શકે. આપણે બધાના સહકારથી આ સંક્રમણને અટકાવવા માટેના રસ્તા શોધવાના છે.
 
રાજ્ય સરકારની ડૉક્ટરો, અન્ય મેડિકલ અને સહાયક સ્ટાફની અછત હોવાની દલીલ પર કોર્ટે કહ્યું કે, "MBBS, MD, નર્સિંગ અને અન્ય લાગતાવળગતા અભ્યાસક્રમોના આખરી વર્ષના વિદ્યાર્થીઓની મદદ લેવામાં આવે. સાથે સાથે જે ડૉક્ટરો સરકારી કૉલેજોમાંથી અભ્યાસ કરી ચુક્યા છે. તેમની પણ સેવાઓ લેવામાં આવે. આવી મુશ્કેલીની પરિસ્થિતિમાં કોઈ પોતાની જવાબદારીમાંથી ન છટકી શકે. આ સુનિશ્ચિત કરવાનું કામ પણ સરકારનું છે."
 
તેમજ હાઇકોર્ટે સરકારની મીડિયા ચેનલો દ્વારા બિનજરૂરી નકારાત્મકતા ફેલાવવાની દલીલ અંગે કહ્યું કે, "સરકાર ઑર્ડર ઇસ્યૂ કરીને આવી ચેનલો અને મીડિયા સંસ્થાનો સામે કાર્યવાહી કરે. સરકાર પાસે આ માટેની સત્તા છે. આ અંગે હાઇકોર્ટને નિર્દેશ આપવા કે અપીલ કરવા માટે ન કહેશો."
 
આ સિવાય રાજ્ય સરકારે પોતાના જવાબમાં જ્યારે કહ્યું કે અમે પ્રો-રેટા બેસિઝ પર રેમડેસિવિર આપી રહ્યા છીએ ત્યારે હાઇકોર્ટે સરકારને કહ્યું કે, "ડૉક્ટરો નક્કી કરે કે કયા દર્દીને રેમડેસિવિરની કેટલી તાતી જરૂરિયાત છે. તે આધારે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા જથ્થા અનુસાર જેને સૌથી વધુ જરૂરિયાત હોય તેવી દર્દીને આ ઇન્જેક્શન મૂકવામાં આવે."
 
સુનાવણી સમયે જસ્ટિસ કારિયાએ નોંધ્યું હતું કે 'કોરોનાના પ્રસારની ચેઇન તોડવા માટે તમે શું કર્યું છે અને શું કરવા માગો છો, તે અમારે જાણવું છે. નહીંતર આવતા અઠવાડિયે તમે હાથ ઊંચા કરી દેશો અને કહેશો કે અમે પહોંચી વળીએ તેમ નથી. અમારે એ નથી સાંભળવું.'
 
સાથે જ તેમણે ઉમેર્યું હતું કે 'કોરોનાનો ફેલાવો અટકાવવાની જવાબદારી માત્ર સરકારની નથી. આપણે પણ ઘટતું કરવાનું છે અને એક અઠવાડિયા સુધી બહાર નહીં નીકળે તો કંઈ નુકસાન નહીં થાય.'
 
સારવાર મેળવનારને 'ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ'ની ધોરણે સારવારને બદલે જે કોઈ આવે તેને સારવાર મળવી, જોઈએ કમ સે કમ તેમની પ્રાથમિક ચિકિત્સા થવી જોઈએ, પછી ભલે તેને બે કે ત્રણ દિવસ પછી આવવા માટે જણાવવામાં આવે. આ સિવાય જે કોઈ ગંભીર કેસ હોય તેને તરત દાખલ કરવા જોઈએ.
 
આ સિવાય મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવામાં લોકોને પડતી હાલાકી અંગે નિર્ણય લેવા હાઈકોર્ટે રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું હતું.
 
30 દિવસમાં ડેથ સર્ટિફિકેટ મેળવવાના નિયમને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે, એવું ખંડપીઠે અવલોક્યું હતું. અદાલતના કહેવા પ્રમાણે, કોઈ બહારગામની વ્યક્તિ સારવાર માટે એક જગ્યાએથી બીજી જગ્યા જાય છે અને ત્યાં મૃત્યુ થાય તો તેની સમસ્યા વધી જાય છે.
 
અવરજવર ઉપર નિયંત્રણ લાદવામાં આવ્યા છે, સરકારી કચેરીઓ પૂર્ણપણે કાર્યરત નથી, શક્ય છે કે તેને પણ કોરોના થયો હોય, આ સંજોગોમાં આ નિયમને કારણે જનતાને હાલાકી પડે છે, તે માટે સરકારે નક્કી કરવું રહ્યું.
 
'મારી નજર સામે મારી માએ દમ તોડ્યો', ગુજરાતનું એ ગામ જ્યાં શેરીએ શેરીએ કોરોનાથી થયાં મરણ
ગુજરાત : જેણે અનેક દરદીના જીવ બચાવ્યા તે ડૉક્ટરને કોરોના બાદ વૅન્ટિલેટર ન મળતાં જીવ ગુમાવ્યો
 
ગત મંગળવારની સુનાવણી દરમિયાન ખંડપીઠે ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના દેવેન્દ્ર પટેલને હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું અને તેમનો મત જાણ્યો હતો.
 
આ સુનાવણી દરમિયાન ઍસોસિયેશનના અધ્યક્ષ ડૉ. દેવેન્દ્ર પટેલે એવો મત વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં કોરોનાના પ્રસારની ચેઇનને તોડવા માટે રાજ્ય સરકારે 14 દિવસનું લૉકડાઉન લાદવું જોઈએ. જો એ શક્ય ન હોય તો સઘન નિયંત્રણ લાદવા જોઈએ.
 
આ સિવાય ડૉ. પટેલે બેડની ઉપલબ્ધતા અંગે સાર્વજનિક રીતે માહિતી આપવાની વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કર્યું હતું, જેથી કરીને દર્દીના પરિવારજનોએ ઠેર-ઠેર ભટકવું ન પડે.
 
એક પછી એક રાજ્ય સરકારે અનેક નિષેધાત્મક આદેશો જાહેર કર્યા છે અને જાહેર મેળાવડા, લગ્નસમારંભ તથા અંતિમ યાત્રા ઉપર નિયંત્રણ લાદ્યા છે.
 
વિજય રૂપાણી સરકારે નરેન્દ્ર મોદીના 'આહ્વાન' ઉપર લૉકડાઉન નહીં લાદવાનું વલણ અપનાવ્યું છે. જોકે, રાજ્યનાં 20 શહેરોમાં રાત્રે આઠ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો કર્ફ્યુ લાગુ છે.
 
ગુજરાત : જેણે અનેક દરદીના જીવ બચાવ્યા તે ડૉક્ટરને કોરોના બાદ વૅન્ટિલેટર ન મળતાં જીવ ગુમાવ્યો
 
ગુજરાત સરકારને આજે લૉકડાઉન અંગે નિર્ણય લેવા જણાવશે હાઇકોર્ટ?
 
સોમવારે મદ્રાસ હાઈકોર્ટની બેન્ચે એક સુનાવણી દરમિયાન ચૂંટણીપંચની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે 'કોવિડ-19ની બીજી લહેર માટે તમારું સંસ્થાન (ચૂંટણીપંચ) એકમાત્ર જવાબદાર છે. કદાચ તમારા અધિકારીઓની સામે હત્યાનો કેસ દાખલ કરવો જોઈએ.'
 
હાઇકોર્ટે પહેલી અને બીજી મેના દિવસે સંપૂર્ણ લૉકડાઉન લાદવાનું સૂચન કર્યું હતું, જેથી કરીને લોકો ઉજવણી કરવા માટે એકઠા ન થાય.
 
ઉત્તર પ્રદેશની અલાહાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજ, લખનઉ, વારાણસી, કાનપુર તથા ગોરખપુર જેવાં શહેરોમાં લૉકડાઉન લાદવાના આદેશ આપ્યા હતા. જેને રાજ્ય સરકારે ઉચ્ચતમ અદાલતમાં પડકાર્યા હતા.
 
યોગી આદિત્યનાથ સરકારે સૉલિસિટર જનરલ તુષાર મહેતા મારફત સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે રાજ્યમાં મહામારીની સ્થિતિને કાબૂમાં લેવા માટે પૂરતા પ્રયાસ કર્યા છે. આ સંજોગોમાં 'ન્યાયિક આદેશ' દ્વારા પાંચ શહેરોમાં લૉકડાઉન લાદવાનો નિર્ણય યોગ્ય નહીં હોય.
 
તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે હાઇકોર્ટના આદેશ ઉપર વચગાળાનો સ્ટે મૂકી દીધો હતો, સાથે જ રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા હતા કે મહામારીને ડામવા માટે તેમણે શું પગલાં લીધાં છે, તેનાથી હાઈકોર્ટને વાકેફ કરે.
 
આ કેસમાં વરિષ્ઠ વકીલ પી. નરસિહ્માએ 'અદાલતમિત્ર'ની ભૂમિકા ભજવી હતી.
 
આ પહેલાં ગુજરાત હાઈકોર્ટે જરૂર પડ્યે લૉકડાઉન લાદવું એવું સૂચન કર્યું હતું. હાઇકોર્ટમાં સુનાવણી બાદ જ રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યું, વધુ બેડ મેળવવા તથા વધુ ઇન્જેકશન માટેની વ્યવસ્થા જાહેર કરી હતી.
 
કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે રાજ્યમાં 14 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી. મધ્ય પ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકારે મહારાષ્ટ્ર સાથે જોડાયેલા ચાર જિલ્લામાં લૉકડાઉન લાદ્યું છે.
 
સર્વોચ્ચ અદાલતે કોરોનાની સ્થિતિ મામલે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ
 
દેશમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિની દેશની સર્વોચ્ચ અદાલતે નોંધ લીધી છે અને કેન્દ્ર સરકારને 'રાષ્ટ્રીય પ્લાન' રજૂ કરવા કહ્યું હતું. કેટલાક કાયદાકીય જાણકારોના કહેવા પ્રમાણે, આને કારણે દેશની પાંચ કરતાં વધુ હાઇકોર્ટમાં કોરોનાસંબંધિત સુનાવણી ચાલી રહી છે, જે પ્રભાવિત થઈ શકે છે.
 
સુપ્રીમ કોર્ટના વકીલ દુષ્યંત દવેએ એક ટેલિવઝન ચર્ચા દરમિયાન જણાવ્યું, "અલગ-અલગ હાઇકોર્ટ કોરોનાની સ્થિતિ અંગે સુનાવણી કરી રહી છે, ત્યારે તેમને સુનાવણી કરવા દેવી જોઈએ. તેઓ ત્યાં સ્થળ પર હાજર છે અને અગ્નિશમનની કામગીરી કરી રહ્યા છે."
 
દવે સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ પણ છે.
 
દરમિયાન સુપ્રીમ કોર્ટ બાર ઍસોસિયેશને દેશની સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરી છે અને માગ કરી છે, "હાઇકોર્ટે મોટાભાગે રાજ્યોની રાજધાનીઓમાં આવેલી છે. આથી સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી જવાબ માગવાની બાબતમાં તે વધુ સારી જગ્યાએ છે."
 
"સ્થાનિક પરિસ્થિતિને કારણે પીડિતોને સારવાર ન મળતી હોય તો તેમાં પડતી હાલાકીને તાત્કાલિક અસરથી દૂર કરવા માટે જરૂરી નિર્દેશ આપી શકે છે તથા સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી રિપોર્ટ માગી શકે છે."
 
"રાજ્યના વહીવટી તંત્ર અમુક બાબતોમાં પહોંચી નથી વળતા ત્યારે સ્થાનિક સ્તરે પ્રવર્તમાન સ્થિતિ અંગે યોગ્ય નિર્દેશ આપવામાં આવી રહ્યા છે."

સંબંધિત સમાચાર

Next Article