નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમદાવાદ જ નહીં પણ સમગ્ર ગુજરાતની પોલીસ ખડેપગે હતી. પણ હવે ટ્રમ્પનો કાર્યક્રમ પૂરો થયા બાદ એકાદ દિવસનો આરામ પણ પૂર્ણ થઈ ગયો છે. તો હવે અમદાવાદ પોલીસને ફરીથી ટ્રાફિકના નિયમો યાદ આવ્યા છે. અને આગામી સમયમાં અમદાવાદમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ વિનાના ચાલકો સામે પાંચ દિવસની ટ્રાફિક ડ્રાઈવ યોજાશે. અમદાવાદ ટ્રાફિક પોલીસ છેલ્લા 10 દિવસથી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના બંદોબસ્તમાં વ્યસ્ત હતી. ટ્રાફિક ડીસીપીએ હેલ્મેટ અને સીટબેલ્ટ વગરના ચાલકોને ઝડપી પાડવા પાંચ દિવસીય ડ્રાઈવ જાહેર કરી છે. જેને લઈ ટ્રાફિક પોલીસે મંગળવાર સવારથી હેલ્મેટ અને સીટબેલ્ટ વગરના 200થી વધુ ચાલકોને ઝડપી પાડી દંડ ફટકાર્યો હતો. અને નિયમો તોડનારા લોકો સામે તવાઈ બોલાવી હતી. નોંધનીય છે કે, પશ્ચિમી ટ્રાફિક ડીસીપી અજીત રાયજણે ડ્રાઈવ જાહેર કરી તે જ દિવસે તેઓની આણંદ જિલ્લામાં બદલી થતાં ટ્રાફિક પોલીસકર્મીઓ ડ્રાઈવ મુજબ હવેથી આગળની કાર્યવાહી કરવી કે નહી તે અંગે મુંઝવણમાં મૂકાયા હતા. જો કે. ટ્રાફિક જેસીપીએ જણાવ્યું કે, ટ્રાફિક પોલીસની ઝુંબેશ ચાલુ રહેશે.